જોધપુર વોર્ડમાં નવરાત્રિમાં જ પાણીનો કકળાટઃ ટેન્કર દોડાવાયાં

અમદાવાદ: નવા પશ્ચિમ ઝોનના પોશ ગણાતા જોધપુર વોર્ડમાં ર૪ કલાક પાણીના પુરવઠાના પાયલટ પ્રોજેકટનાં બણગાં ફૂંકનાર મ્યુનિ. તંત્રની બલિહારીથી આ વોર્ડના નાગરિકોએ એક વખતના સ્ટેગરિંગથી મળતાં પાણી માટે પણ વલખાં મારવાં પડે છે. કોર્પોરેશન દ્વારા શ્રદ્ધા વોટર ડિસ્ટ્રિબ્યૂશન સ્ટેશનનાં નેટવર્ક સાથે હયાત નેટવર્કનાં જોડાણની કામગીરી શનિવારની રાતે હાથ ધરાઇ હતી. વ્રજવિહાર ફલેટ પાસેની આ કામગીરીને પગલે ગઇ કાલે સવારનો પાણી પુરવઠો બંધ રખાયો હતો. તંત્રના વોટર પ્રોજેકટ વિભાગ દ્વારા જોડાણની કામગીરી હાથ ધરાઇ હતી. જોકે જોડાણ દરમ્યાન ટેકનીકલ ગૂંચ ઊભી થતાં અધિકારીઓ દોડતા થઇ ગયા હતા.

વોટર પ્રોજેકટ વિભાગના ડેપ્યુટી સિટી ઇજનેર જગદીશ અસારી કહે છે, આનંદનગર ચાર રસ્તાથી પ્રેરણાતીર્થ દેરાસર સુધીના રસ્તા પરની આશરે પચાસેક સોસાયટી અને ફલેટના નાગરિકો જોડાણની કામગીરીથી મુશ્કેલીમાં મુકાયા હતા. જોકે હવે સ્થિતિ રાબેતા મુજબની યથાવત્ થઇ હોવાનો પણ તેમણે દાવો કર્યો છે.

આજે સવારે પણ જોધપુર વોર્ડના આ વિસ્તારોમાં પાણીનો કકળાટ સર્જાયો હતો. અને ટેન્કર દોડાવાયાં હતાં. આમ નવરાત્રિ ઉત્સવ દરમ્યાન આઠમ-નોમના તહેવારમાં જ નાગરિકો પાણી માટે પરેશાન થતા તંત્ર પર ફિટકાર વરસી રહ્યો છે. આ અંગે જોધપુર વોર્ડના આસિ. સિટી ઇજનેર ભાવેશ વ્યાસનો સંપર્ક કરવાનો વારંવાર પ્રયાસ કરવા છતાં પણ તેઓ ફોન ઉપાડવાની તસ્દી લેતા નથી. જ્યારે નવા પશ્ચિમ ઝોનના ડેપ્યુટી સિટી ઇજનેર એચ.જે. દેસાઇ કહે છે, ” વોટર પ્રોજેકટ વિભાગની કામગીરીને પગલે જોધપુર વોર્ડમાં પાણીનો કકળાટ સર્જાયો હોવાની તૂટક-તૂટક માહિતી છે. પરંતુ વધુ વિગત મળી શકી નથી.

You might also like