જોધપુર વોર્ડમાં રસ્તા રિપેરિંગને હજુ એક મહિનાનો સમય લાગશે

અમદાવાદ: જોધપુર વિસ્તારમાં ડી-માર્ટથી શરૂ કરીને ઇસરો સુધીના ખાડાટેકરાવાળા ટુ લેયર રસ્તાને સરખા થવા માટે વાહનચાલકોએ હજુ એક મહિનો રાહ જોવી પડશે. જોધપુર વિસ્તારમાં કોઇ ને કોઇ કારણસર ખોદકામ, રિપેરિંગ કામ, કેબલિંગનું કામ, પાણીની પાઇપલાઇનનું કામ જેવાં અનેક કારણસર રસ્તાઓ હજુ માંડ વાહન ચલાવવા લાયક થાય ત્યાં જ ફરી ડિસ્કો રોડ બની જાય છે. જોધપુર વિસ્તારના ખાડાટેકરાવાળા રસ્તાઓથી અકળાઇને લોકોએ જાહેરમાં રસ્તાની બિસમાર હાલતની ટીકા કરતાં બોર્ડ લગાવ્યાં હતાં.

હાલમાં શિવરંજની-સ્ટારબજારથી ઇસરો સુધીનો રોડ બે લેયરમાં વહેંચાયેલો છે. જોધપુરના અનેક વિસ્તારમાંથી ખોદકામ દ્વારા પસાર થતો ૧૩ર કિ.વો.ના પાવર કેબલનું કામ ઇસરો જંક્શન અાવીને અટક્યું છે. સૂત્રોના જણાવ્યા મુજબ મ્યુનિસિપલ કોર્પોરેશનના નિયમ મુજબ રસ્તા પર કેબલિંગના કામ માટે મંજૂરી સાથે રોડને થનાર નુકસાનના અંદાજ પેટે રૂ.૭ કરોડ જેટલી માતબર રકમ કોર્પોરેશનમાં ટોરેન્ટ પાવર દ્વારા ડિપોઝિટ કરાઇ છે. કંપનીએ ખોદકામ કરી રસ્તાને જેમ તેમ પેચ કર્યા બાદ કોર્પોરેશને જમા થયેલી ડિપોઝિટમાંથી રસ્તાનું પેચવર્ક કરાવવું પડે.

આ વાતને બે માસનો સમય વીતી જવા છતાં પણ ટ્રાફિકથી ધમધમતા આ ઊબડખાબડ રસ્તાને પેચવર્ક થતાં હજુ એક મહિનાનો સમય લાગશે. અત્યારે ટ્રાફિક બે ભાગમાં આ રસ્તા પર વહેંચાયેલો રહે છે. ટુ લેયર થઇ ગયેલા આ રસ્તા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સિટી એન્જિનિયર હરપાલસિંહ ઝાલાએ જણાવ્યું હતું કેે ૧પ દિવસ પછી ફૂટપાથ પેવરની કામગીરી અને ત્યારબાદ રોડ રિસરફેસ કરવાની કામગીરી હાથ ધરાશે.
http://sambhaavnews.com/

You might also like