જોધપુરમાં દુકાનનાં શટર ઊંચાં કરી ચોરી કરતી ટાબરિયા ગેંગ ઝડપાઈ

અમદાવાદ: શહેરના પોશ વિસ્તારમાં આવેલી દુકાનોનાં શટર ઊંચાં કરી ચોરી કરતી ટાબરિયા ગેંગની સેટેલાઇટ પોલીસે ધરપકડ કરી છે. બે દિવસ અગાઉ સેટેલાઇટ પોલીસે જોધપુર ચાર રસ્તા પાસે આવેલી મોબાઇલની દુકાનમાં ચોરી કરતી હતી ત્યારે આ ગેંગને ઝડપી પાડી હતી.

મળતી મા‌િહતી મુજબ સેટેલાઇટ પોલીસ સ્ટેશનના પીએસઆઇ જે.એન.વાઘેલા અને સ્ટાફ પરમ દિવસે રાત્રે નાઇટ પેટ્રોલિંગ કરી રહ્યા હતા. દરમ્યાનમાં જોધપુર ચાર રસ્તા પાસે એક મોબાઇલની દુકાનનું શટર ઊંચું જોતાં પોલીસને શંકા ગઇ હતી. પોલીસે તપાસ કરતાં ચાર ટાબરિયા મળી આવ્યા હતા. ઓમ મોબાઇલ નામની દુકાનમાં ચાર ટાબરિયાઓએ દુકાનનું તાળું તોડી અંદર પ્રવેશ કર્યો હતો. જોકે દુકાનમાંથી કોઇ ચીજવસ્તુની ચોરી થઇ ન હતી.

પોલીસે ૧૧ વર્ષ, ૧ર વર્ષ, ૧૪ અને ૧૬ વર્ષના ચાર ટાબરિયાઓની ધરપકડ કરી છે. પોલીસે પૂછપરછ કરતાં આ લોકોએ જોધપુર ચાર રસ્તા નજીક દુકાનનાં તાળાં તોડ્યા હતા. પોલીસને શંકા છે કે પોશ વિસ્તાર એવા વસ્ત્રાપુર, સેટેલાઇટ, આનંદનગરમાં આ ગેંગે તરખાટ મચાવ્યો હોઇ શકે.

બે મહિના અગાઉ જજીસ બંગલો રોડ પર આવેલી મોબાઇલની દુકાન અને ડોક્ટરના ત્યાંથી પણ ચોરીના બનાવમાં ટાબરિયા ગેંગ જ હોવાનું બહાર આવ્યું હતું. હાલ સેટેલાઇટ પોલીસે ટાબરિયાઓની ધરપકડ કરી શહેરમાં કઇ કઇ જગ્યાએ ચોરી કરી હતી તે દિશામાં પૂછપરછ શરૂ કરી છે.
http://sambhaavnews.com/

You might also like