ટેલિકોમ સેક્ટરમાં ૧.૫૦ લાખ લોકોની નોકરી પર જોખમ

મુંબઈ: દેશની ટેલિકોમ કંપનીઓ દેવાંના ડુંગળ હેઠળ ડૂબેલી છે. જિઓના આગમનના પગલે ટેલિકોમ સેક્ટરમાં હરીફાઈ વધી છે અને તેના કારણે કેટલીક ટેલિકોમ કંપનીઓ ઉપર બજારમાં ટકી રહેવા આર્થિક ભારણ વધ્યું છે ત્યારે હવે આ કંપનીઓએ વધતા ખર્ચનંુ ભારણ ઘટાડવા છટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. ટેલિકોમ સેક્ટરના જાણકારોના જણાવ્યા પ્રમાણે એક અંદાજ મુજબ ૧.૫૦ લાખ ડાયરેક્ટ અને ઈનડાયરેક્ટ નોકરીઓ જઈ શકે છે. વધતી હરીફાઈના કારણે ટકી રહેવા કંપનીઓ ગ્રાહકોને આકર્ષવા અને જાળવી રાખવા નવી નવી ઓફર્સ મૂકે છે અને તેના કારણે ટેલિકોમ કંપનીઓનો નફો ઘટી રહ્યો છે.

ટેલિકોમ પ્રધાન મનોજ સિન્હાના જણાવ્યા પ્રમાણે ટેલિકોમ સેક્ટરમાં વર્તમાન સ્થિતિથી વાકેફ છું. જરૂર પડે હસ્તક્ષેપ પણ કરાશે, પરંતુ ટેલિકોમ સેક્ટર મુશ્કેલીમાં ના મુકાય તેનું ધ્યાન રખાશે.

કેટલીક કંપનીઓના વિલીનીકરણથી ૧૫ હજારથી વધુ નોકરીઓ જઈ શકે છે. આઈડિયા સેલ્યુલર અને વોડાફોનના મર્જરની દિશામાં પ્રયાસોથી એક અંદાજ મુજબ ૧૮૦૦ લોકોએ નોકરી ગુમાવવી પડી છે. વધુ પાંચથી છ હજાર નોકરી જઈ શકે છે. વોડાફોને પણ ૧૪૦૦થી વધુ લોકોને નોકરીમાંથી મુક્ત કર્યા છે. ભારતી એરટેલની સેલ્સ અને રિટેલ ટીમે ૧૫૦૦ લોકોને નોકરીમાંથી દૂર કર્યા છે.

નોંધનીય છે કે ટેલિકોમ સેક્ટર રોજગારી આપવામાં અગ્રણી પાંચ સેક્ટરમાં સામેલ હતું, પરંતુ હવે ચળકાટ ગુમાવી રહ્યું છે.

You might also like