નોકરી અપાવવાના બહાને નાણાં પડાવતાં બન્ટી-બબલી ઝડપાયાં

અમદાવાદ: બેરોજગાર યુવાનોને નોકરી અપાવવાની લાલચ આપી નાણાં ખંખેરતાં બન્ટી-બબલીને વિદ્યાનગર પોલીસે ઝડપી લઇ કેન્દ્ર સરકારના રાષ્ટ્રીય ચિન્હવાળા તથા ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા લખેલા દસ્તાવેજો સહિતના કાર્ડ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગેની વિગત એવી છે કે વિદ્યાનગરમાં આવેલ દિવાળીબા ચેમ્બર્સમાં ઓફિસ ખોલી અતુલ રાજપૂત અને તેની પત્ની પલ્લવીએ જુદા જુદા અખબારોમાં બેરોજગાર યુવાનોને નોકરી આપવાની જાહેરાત છપાવી હતી. જેના કારણે કેટલાક બેરોજગાર યુવાનોએ તેમનો સંપર્ક કરતાં આ દંપતીએ નોકરી અપાવવાની લોભામણી લાલચ આપી પૈસા પડાવ્યા હતા.

આ દંપતીના કાવતરાનો ભોગ વિદ્યાનગરના સંજયભાઇ દરબાર બન્યા હતા. સંજયભાઇએ રૂ.પ૦,૦૦૦ આપતાં અતુલ અને તેની પત્નીએ ભારત સરકારના રાષ્ટ્રીય મુદ્રાવાળો એન્ટિકરપ્શન વિભાગમાં નોકરી અપાયાનો એપોઇન્ટમેન્ટ લેેટર પણ આપ્યો હતો, પરંતુ સંજયભાઇને આ અંગે શંકા જતાં તેમણે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

પોલીસે ત્વરિત તપાસ આરંભી આ દંપતીને ઝડપી લઇ આગળની કાર્યવાહી કરતાં આ દંપતીએ ૧પ જેટલા બેેરોજગારોને ભોગ બનાવીને નાણાં ખંખેર્યા હોવાનું જાણવા મળ્યું હતું. ઓફિસની જડતી કરતાં ભારત સરકારના ચિન્હવાળા ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા લખેલા લેટરપેડ તેમજ જુદા જુદા પ્રેસ અને ન્યૂઝ ચેનલના નવ કાર્ડ મળી આવ્યાં હતાં.

You might also like