નોકરીની લાલચ આપી રૂપિયા ૧.પ૦ લાખ પડાવી લઈ યુવતી પર બળાત્કાર

અમદાવાદ: પાલનપુરની એક જરૂરિયાતમંદ યુવતીને નોકરીની લાલચ આપી રૂ.દોઢ લાખ પડાવી લઇ એક નરાધમે તેના પર બળાત્કાર ગુજારતાં આ ઘટનાએ ભારે ચકચાર જગાવી છે. બળાત્કારનો ભોગ બનનાર યુવતીએ એક ભૂવા સહિત પાંચ જણા સામે પોલીસ ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો દાખલ કરી સઘન તપાસ શરૂ કરી છે.

આ અંગેની વિગત એવી છે કે પાલનપુરના માનસરોવરમાં રહેતી રપ વર્ષીય યુવતીને નોકરીની સખત જરૂર હતી. દોઢ માસ અગાઉ યુવતી કુંભાસણ ગામ પાસે રહેતા રાહુલ ગેલોતરના સંપર્કમાં આવી હતી. રાહુલે પોતાની વાકચતુરાઇથી યુવતીને ફસાવી હતી અને નોકરીની લાલચ આપી તેની પાસેથી ટુકડે ટુકડે રૂ. દોઢ લાખની રકમ પડાવ્યા બાદ વધુ બે લાખની માગણી કરી હતી, પરંતુ યુવતીએ વધુ પૈસા ન હોવાનું જણાવતાં રાહુલે તેને કહ્યું હતું કે એક ભૂવો મારા પરિચયમાં છે, તે પૈસાની સગવડ કરી આપશે.

આ પછી રાહુલ જામપુરાના રહીશ ઉસ્માનમિયાં માછ‌િલયા અને યાસીન માછલિયાને કારમાં બેસાડી યુવતીના ઘરે લઇ ગયો હતો અને ત્યાંથી યુવતીને લઇ તમામ યાસીન માછલિયાના ઘેર ગયા હતા, જ્યાં યુવતીને ખોટી મંત્રવિદ્યા શીખવાડી. રાહુલે જાનથી મારી નાખવાની ધમકી આપી યુવતી પર બળાત્કાર ગુજારી સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય પણ કર્યું હતું. યુવતીએ ભારે જહેમત બાદ આ નરાધમોની ચુંગાલમાંથી છૂટી પોલીસ સ્ટેશને પહોંચી જઇ તમામ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવતાં પોલીસે સઘન તપાસ શરૂ કરી છે.

You might also like