કન્હૈયાની રાહુલ સાથે બેઠકઃ કોંગ્રેસમાં જોડાય તેવી શક્યતા

નવી દિલ્હી: જેએનયુ કેમ્પસમાં દેશદ્રોહનાં સૂત્રો પોકારવાના આરોપી કન્હૈયા કુમાર આજે કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીને મળનાર છે. આ મુલાકાત આજે સવારે ૧૧.૩૦ કલાકે રાહુલ ગાંધીના નિવાસસ્થાને યોજવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર રાહુલ ગાંધી સાથે કન્હૈયા કુમારની મુલાકાત એ વાતનો નિર્દેશ આપે છે કે કન્હૈયા કુમાર હવે ગમે તે ઘડીએ કોંગ્રેસમાં જોડાઈ શકે છે.

કન્હૈયા કુમાર અને રાહુલ ગાંધી વચ્ચેની મુલાકાત કરાવવામાં કોંગ્રેસના નેતાઓ સક્રિય ભૂમિકા ભજવી રહ્યા છે. કોંગ્રેસ નેતા શશી થરૂર પણ જેએનયુમાં ગયા હતા અને તેમણે કન્હૈયા કુમાર સાથે મુલાકાત કરી હતી. આજે યોજાનારી કન્હૈયા કુમાર અને રાહુલ ગાંધી વચ્ચેની બેઠકમાં કોંગ્રેસના કયા કયા નેતાઓ જોડાશે તે હજુ સ્પષ્ટ થયું નથી. અત્રે ઉલ્લેખનીય છે કે શશી થરૂરે પણ જેએનયુમાં પોતાનું વકતવ્ય આપ્યું હતું, જેમાં તેમણે કન્હૈયા કુમારની તુલના શહીદ ભગતસિંહ સાથે કરી હતી અને તેને લઈને વિવાદનો મધપૂડો છંછેડાયો હતો. કોંગ્રેસે શશી થરૂરના આ નિવેદનને તેમનું અંગત હોવાનું જણાવ્યું હતું.

કન્હૈયા કુમારે થોડા દિવસો પહેલાં અરવિંદ કેજરીવાલ સાથે પણ મુલાકાત કરવાની કોશિશ કરી હતી, પરંતુ કન્હૈયા કુમાર સમયસર નહીં પહોંચી શકતાં કેજરીવાલ તેનાથી નારાજ થઈ ગયા હતા અને તેમણે આ બેઠક રદ કરી નાખી હતી. શશી થરૂર દ્વારા કન્હૈયા કુમારની પ્રશંસા બાદ સોશિયલ મીડિયા પર કન્હૈયા કુમાર કોંગ્રેસમાં જોડાઈ રહ્યા છે એવી ચર્ચા જોરશોરથી શરૂ થઈ ગઈ છે.

You might also like