જેએનયુ ઝીરો સેમેસ્ટરની દિશામાં જઈ રહી છે?

દિલ્હીની જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીમાં ગત દિવસોમાં જે કાંઈ બન્યું અને તેમાં કાનૂની કાર્યવાહી અને તપાસ પછી એ ઘટનાક્રમના જે અનેકવિધ આયામો પ્રગટ થઈ રહ્યાં છે તેને લક્ષમાં લેવામાં આવે તો આ સમગ્ર ઘટનાક્રમને સામાન્ય ગણીને ચાલી શકાય તેમ નથી. આ ઘટનાક્રમની શરૃઆત ૯ ફેબ્રુઆરીએ થઈ. એ દિવસે ડાબેરી અને દલિત સંગઠનો સાથે સંકળાયેલા વિદ્યાર્થીઓએ સંસદ પર હુમલાના ષડ્યંત્રના અપરાધી અફઝલ ગુરુને અપાયેલ ફાંસીના વિરોધમાં એક કાર્યક્રમનું આયોજન કર્યું. તેમાં કાશ્મીરના કેટલાક વિદ્યાર્થીઓ પણ સામેલ હતા. સવાલ તો એવો પણ થઈ શકે કે યુનિર્વસિટીના સંચાલકો આવા કાર્યક્રમ માટે મંજૂરી કઈ રીતે આપી શકે? સાંસ્કૃતિક કાર્યક્રમના નામે યોજાયેલા કાર્યક્રમ દરમિયાન અફઝલ ગુરુના સમર્થનમાં સૂત્રોચ્ચાર શરૃ થયા.

એક અફઝલને ફાંસી આપશો તો ઘેરઘેર અફઝલ પેદા થશે એવા સૂત્રોચ્ચાર થયા. આવાં સૂત્રો પણ વાજબી ન કહેવાય છતાં સહિષ્ણુતાના ધોરણે સ્વીકાર્ય ગણીએ તો પણ એ પછી આગળ વધીને ‘ભારત કી બરબાદી તક જંગ ચલતી રહેગી, ચલતી રહેગી’ જેવાં સૂત્રો પોકારાવા લાગ્યાં તેને કોઈ પણ રીતે વાજબી ઠરાવી શકાય નહીં. કોઈ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ ભારતની બરબાદીની કામના કરે એ શિક્ષણ સંસ્થાના માહોલની દૃષ્ટિએ પણ શરમજનક ઘટના છે. સૂત્રોચ્ચાર કરતાં વિદ્યાર્થીઓના આ જૂથનો બીજા જૂથે વિરોધ કર્યો અને તેમાંથી સંઘર્ષ સર્જાયો. એ દરમિયાન પોલીસને જાણ કરવામાં આવી. પોલીસે આવા સૂત્રોચ્ચારમાં સામેલ જેએનયુ વિદ્યાર્થી સંઘના અધ્યક્ષ કનૈયાકુમારની ધરપકડ કરી.

આ ધરપકડ કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહના આદેશથી કરવામાં આવી એવા સમાચાર સાથે વિપક્ષી નેતાઓ ધરપકડના વિરોધમાં વિદ્યાર્થીઓના સમર્થનમાં મેદાનમાં આવ્યા. એટલે મામલાએ ઉગ્ર રાજકીય સ્વરૃપ ધારણ કર્યું. ડાબેરી પક્ષોના નેતાઓ આવી ધરપકડનો વિરોધ કરે એ સમજી શકાય તેવું હતું, પરંતુ કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી અને દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ જેવા નેતાઓ પણ દેશવિરોધી સૂત્રોચ્ચાર સામે વાંધો ઉઠાવવાને બદલે માત્ર ધરપકડનો વિરોધ કરી વિદ્યાર્થીઓની ભૂલ છાવરવાનું કૃત્ય કરે ત્યારે રાજકીય પક્ષોના નેતાઓ રાજકીય વિવેક અને ઔચિત્યને ભૂલી રહ્યાં હોવાનું લાગ્યા વિના ન રહે.

જેએનયુ કેમ્પસ પરસ્પર વિરોધી વિચારધારાના વિદ્યાર્થીઓની બે છાવણીમાં વહેંચાઈ ગયું છે. યુનિર્વસિટીના શિક્ષકો-અધ્યાપકોના સમુદાયનું પણ એવું જ વિભાજન થયું. કનૈયાકુમાર સામે દેશદ્રોહની કલમ લગાવાઈ છે. એથી ચર્ચા દેશદ્રોહની વ્યાખ્યા સુધી પહોંચી ગઈ. વિપક્ષો દેશદ્રોહ અંગેના સંઘ-ભાજપના દૃષ્ટિકોણનો અસ્વીકાર કરે છે તેનો પણ વાંધો ન હોઈ શકે. અહીં વાત ભારતની બરબાદી માટે જંગ લડવાની છે. આવી પ્રેરણા આપતા સૂત્રોચ્ચારનું સમર્થન ન થઈ શકે.

પાકિસ્તાનમાં ત્રાસવાદી સંગઠન લશ્કરે તોઈબાના હાફીઝ સઈદે ટ્વીટ કરીને પાકિસ્તાનના લોકોને કાશ્મીરની આઝાદી માટે લડતાં ‘આપણા ભાઈઓ’ના ટેકામાં મોટી સંખ્યામાં ટ્વીટ કરવા અપીલ કરી. એ સાથે આ ઘટનાક્રમમાં પાકિસ્તાન કનેક્શન અને ત્રાસવાદી પરિમાણ પણ ઉમેરાયું. તેને પગલે સરકારે જેએનયુની ઘટનાની તપાસ કેન્દ્રીય તપાસ એજન્સી એનઆઈએને સોંપવાની વિચારણા કરી છે. જ્યાં ત્રાસવાદી પરિબળોની સંડોવણીની વાત આવે ત્યાં એનઆઈએને તપાસ સોંપવામાં આવે છે. એટલે તેની સામે વાંધો લઈ શકાય તેમ પણ નથી, પરંતુ આવી વાતથી ઘણાંને એવું લાગે કે કેન્દ્ર સરકાર આ બાબતમાં વધુ પડતી કલ્પનાશીલ બની રહી છે. જેએનયુના વિદ્યાર્થીઓના સૂત્રોચ્ચારમાં પાકિસ્તાન કે ત્રાસવાદી સંગઠનનો હાથ હોવાનું વિચારી શકાય નહીં. વિદ્યાર્થીઓએ આવેશ અને ભાવનાના જોશમાં આવું કર્યું હોઈ શકે. આ દલીલને માની લેવાનું મન તો થાય, પરંતુ જેએનયુની ઘટનાની સમાંતરે દિલ્હીમાં દસમી ફેબ્રુઆરીએ પ્રેસ ક્લબમાં યોજાયેલા કાર્યક્રમનું આયોજન દિલ્હી યુનિવર્સિટીના ઉર્દુના પ્રોફેસર અલી જાવેદે કર્યું હતું.

સાંજે સાડા પાંચ વાગ્યે હૉલમાં શોર મચ્યો હોવાનું જણાતા પ્રેસ ક્લબના સેક્રેટરી જિતેન્દ્રસિંહ હૉલમાં ગયા તો જાવેદ અલી ગિલાની અને તેમના સાથીઓ ભારતવિરોધી સૂત્રોચ્ચાર કરતાં હતા.આવી ઘટનાના સિલસિલાને કારણે સરકારને તેમાં કોઈ ષડ્યંત્રની ગંધ આવે છે. હાફીઝ સઈદના ટ્વીટની તપાસ સાયબર ક્રાઈમ દ્વારા થઈ રહી છે. તપાસ એજન્સીઓ હવે વીડિયો ફૂટેજમાં દેખાતા વિદ્યાર્થીઓનાં નામ જાણીને તેમના ફોન પર નજર રાખી રહી છે. જેએનયુના સત્તાવાળાઓએ પોલીસને એવી પણ માહિતી આપી છે કે યુનિવર્સિટીના કાર્યક્રમનું આયોજન કરનારા વિદ્યાર્થીઓએ જામિયા મિલિયા સંસ્થાનમાંથી વિદ્યાર્થીઓને બોલાવવાની વાત કરી હતી, યુનિવર્સિટીના સત્તાવાળાઓએ એમ કરવાની ના પાડી હતી. તેનો મતલબ એ થાય કે કાર્યક્રમનું આયોજન કરનારા વિદ્યાર્થીઓનો આશય પહેલેથી ભારતવિરોધી તમાશો કરવાનો હોવો જોઈએ.

આજે હવે જેએનયુનો મામલો એક તરફ પોલીસતપાસનો વિષય બન્યો છે તો બીજી બાજુ તેને રાજકીય રંગ પણ અપાઈ ચૂક્યોે છે. સાથોસાથ સમગ્ર જેએનયુને દેશદ્રોહી તત્ત્વોનો અડ્ડો ગણાવવા સુધી વાત પહોંચાડાઈ રહી છે એ પણ બરાબર નથી. આવી વાત કરીને યુનિવર્સિટીને તાળાં મારવાની માગણી બરાબર નથી. યુનિવર્સિટીમાં કુલ આઠ હજાર જેટલા વિદ્યાર્થીઓ છે. તેમાંના માંડ એકાદ ટકો વિદ્યાર્થીઓ આવી પ્રવૃત્તિમાં સંડોવાયેલા હોઈ શકે છે. જેએનયુ પહેલેથી જ ડાબેરી વિચારધારાનું કેન્દ્ર રહી છે,એ કાંઈ છાની વાત નથી. તેની સામે પણ વાંધો-વિરોધ ન હોઈ શકે, પરંતુ આ યુનિવર્સિટીમાંથી ભારતની બરબાદીના સંદેશા વહેતા મુકાય એટલી જ બાબત વાંધાજનક ગણી શકાય.

અન્યથા અભિવ્યક્તિની સ્વતંત્રતાના નામે અફઝલ ગુરુની ફાંસીના વિરોધને પણ ભિન્ન મત ગણીને સહિષ્ણુ દૃષ્ટિકોણ અપનાવીએ તો પણ ફાંસી અપાઈ ગયાનાં વર્ષો પછી તેને ‘હીરો’ બનાવવાના પ્રયાસ યુનિવર્સિટીમાં થાય તેને કોઈ કાળે વાજબી ઠરાવી શકાય નહીં. વિદ્યાર્થીઓને આવી તાલીમ આપવાના હિમાયતી અધ્યાપકો પણ શિક્ષણસંસ્થાના માહોલને બગાડી રહ્યા છે. તમામ વૈચારિક ભિન્નતા વચ્ચે પણ શિક્ષણસંસ્થાની ગરિમા જળવાઈ રહેવી જોઈએ. અધ્યાપકો ઉપરાંત ડાબેરી, કોંગ્રેસ અને ભાજપના વિદ્યાર્થી સંગઠનનોએ સંસ્થાને રાજકારણનો અડ્ડો બનાવતી અટકાવવી જોઈએ.

પકુલપતિ અધ્યાપકોને શિક્ષણકાર્ય ચાલુ કરવાની અપીલ કરી રહ્યાં છે. શિક્ષણકાર્ય ખોરંભે પડવાની ચિંતા સૌને સતાવે છે.પણ ભૂતકાળમાં ૧૯૮૩માં આ પ્રકારે જ અતિવાદી વિદ્યાર્થીઓના સમૂહને કારણે વણસેલા માહોલમાં યુનિવર્સિટીએ એક વર્ષ ઝીરો સેમેસ્ટર જાહેર કર્યું હતું. શું આ વર્ષે પણ જેએનયુ એ દિશામાં જઈ રહી છે?

You might also like