તિહાડના અાજીવન કેદીની દીકરીને ભણાવશે જેએનયુના વાઈસ ચાન્સેલર

નવી દિલ્હી: જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના વર્તમાન ઉપ કુલપતિ સુધીરકુમાર સોપોરી ૨૭ જાન્યુઅારીએ રિટાયર્ડ થવા જઈ રહ્યા છે. એક પરિવાર એવો પણ છે જે સોપોરીના રિટાયર્ડ થવાને લઈને ખૂબ દુઃખી છે. તિહાડ જેલમાં અાજીવન જેલની સજા કાપી રહેલા એક દોષીએ પોતાની પુત્રીના અભ્યાસની જવાબદારી સોપોરીને સોંપી હતી. હવે સોપોરીની નિવૃત્તિનો સમય અાવી ચુક્યો છે. અાવા સંજોગોમાં અા કેદીને પોતાની દીકરીનો અભ્યાસ બંધ થઈ જશે તેવો ડર સતાવી રહ્યો છે. જો કે સોપોરીએ તે લોકોને હિંમત અાપવામાં કોઈ કસર રાખી નથી.

સોપોરીએ અાશ્વાસન અાપતાં કહ્યું કે હું તમારી દીકરીના અભ્યાસનો ખર્ચ ત્યાં સુધી ઉપાડીશ જ્યાં સુધી તે ભણવા ઈચ્છે છે. અા વાત ૨૦૧૩ની છે. ૨૨ નવેમ્બર ૨૦૧૩ના રોજ સોપોરી પાસે એક ચિઠ્ઠી પહોંચી, ચિઠ્ઠી લખનારે સોપોરીને લખ્યું હતું કે હું એ જાણીને ખુશ છું કે એવા લોકો હજુ પણ છે જે ઈચ્છે છે કે દેશમાં દરેક વ્યક્તિને શિક્ષણ મળે. અા ચિઠ્ઠી તિહાડ જેલમાં અાજીવન કેદની સજા કાપી રહેલા એક કેદીએ લખી હતી. તેણે લખ્યું હતું કે તેની ૧૩ વર્ષની પુત્રી એક સરકારી સ્કૂલમાં ભણે છે. કેદીએ વિનંતી કરી હતી કે સોપોરી તેની પુત્રીને માર્ગદર્શન અાપે અને જેએનયુની સંસ્થામાં અભ્યાસ માટે તેની મદદ કરે.

અા ચિઠ્ઠીની સોપોરી પર એવી અસર થઈ કે તેણે અા કેદીની પુત્રીના અભ્યાસના ખર્ચ ઉઠાવવાનું નક્કી કર્યું. પોતાની પત્નીની હત્યાના અારોપમાં જેલની સજા કાપી રહેલા અા કેદીની બીજી પત્નીનું કહેવું છે કે તેને ખોટો અાક્ષેપ લગાવીને ફસાવવામાં અાવ્યો છે. અા કેદી પોતાની જિંદગીનાં ૧૫ વર્ષ તિહાડની ચાર દીવાલની અંદર વિતાવી ચૂક્યો છે. જ્યારે તેને અાજીવન કેદ મળી હતી ત્યારે તેની દીકરીની ઉંમર માત્ર એક વર્ષની હતી.

કેદીની પત્નીએ જણાવ્યું કે તે સમયથી લઈને અત્યાર સુધી હું તેનાં બંને પુત્રોનો ખ્યાલ રાખતી અાવી છું. અા પરિવાર પશ્ચિમ દિલ્હીના રઘુવીરનગરમાં રહેતો હતો. તેના પતિને કપડાંની દુકાન હતી, પરંતુ તેને સજા મળ્યા બાદ પરિવાર પાસે અાવકનું કોઈ સાધન બચ્યું નથી. તે પોતાનું અને બાળકોનું ભરણપોષણ કરવા માટે કચરા પોતું કરવાનું કામ કરે છે.

You might also like