JNU-DUમાં આજે વિદ્યાર્થી સંઘની ચૂંટણી માટે મતદાન

નવી દિલ્હી: દેશની બે મુખ્ય યુનિવર્સિટીઓ દિલ્હી યુનિવર્સિટી અને જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી (જેએનયુ)માં આજે વિદ્યાર્થી સંઘની ચૂંટણી માટે મતદાન યોજાશે. રાજકીય રીતે સક્રિય બંને યુનિવર્સિટીમાં આજે મતદાન દ્વારા ૩પ ઉમેદવારોના ચૂંટણી ભાવિનો ફેંસલો થશે.

અધિકારીઓના જણાવ્યા પ્રમાણે બંને યુનિવર્સિટીમાં મતદાન માટેની તમામ તૈયારીઓ થઇ ચૂકી છે. તાજેતરમાં યુનિવર્સિટીમાં થયેલા વિવાદની પૃષ્ઠભૂમિમાં જ્યારે ચૂંટણી યોજાઇ રહી છે ત્યારે તમામની નજર આ ચૂંટણી પર રહેશે.
૯ ફેબ્રુઆરીની ઘટનાની પૃષ્ઠભૂમિમાં જેએનયુની ચૂંટણી પર ખાસ નજર છે. આ ઘટનામાં દેશ વિરોધી સૂત્રો પોકારવામાં આવ્યાં હતાં અને જેએનયુ વિદ્યાર્થી સંઘના અધ્યક્ષ કન્હૈયાકુમાર અને અન્ય બેની ધરપકડ કરવામાં આવી હતી.

દિલ્હી યુનિવર્સિટીમાં મુખ્યત્વે કોંગ્રેસ સાથે સંકળાયેલ એનએસયુઆઇ અને આરએસએસની વિદ્યાર્થી પાંખ એબીવીપી વચ્ચે મુકાબલો થશે, જોકે ડાબેરીઓ સાથે સંકળાયેલ વિદ્યાર્થી સંગઠન આઇસા પણ પોતાની સ્થિતિ મજબૂત કરવા સક્રિય છે.

જેએનયુમાં સેેન્ટ્રલ પેનલ માટે કુલ ૧૮ ઉમેદવારો મેદાનમાં છે અને મતદારોની સંખ્યા ૮૬૦૦ છે. જેએનયુ વિદ્યાર્થી સંઘની ચૂંટણી માટે નિયુક્ત મુખ્ય ચૂંટણી કમિશનર ઇશીતા માનાએ જણાવ્યું હતું કે ૧૮ ઉમેદવારો સેન્ટ્રલ પેનલ માટે મેદાનમાં છે.

You might also like