જેએનયુ વિદ્યાર્થી નેતા કનૈયાને માર પડ્યો

નવી દિલ્હી : જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી સ્ટુડન્ટ યુનિયનના લીડર કનૈયા કુમારને આજે બીજી માર્ચ સુધી જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં દિલ્હી કોર્ટે આદેશ કર્યો હતો. અગાઉ દિવસમાં પટિયાલા હાઉસ કોર્ટની બહાર હાઈડ્રામાની સ્થિતિ સર્જાઈ હતી. વકીલોના એક ટોળાએ પત્રકારો ઉપર હુમલો કરી દીધો હતો. કનૈયા કુમારને પણ કોર્ટ સંકુલમાં માર મારવામાં આવ્યો હોવાના અહેવાલ મળ્યા છે. કોર્ટ રૂમની બહાર વકીલો દ્વારા કનૈયા કુમાર સાથે પણ ધક્કામુક્કી કરી હતી.

આ સમગ્ર ઘટનાક્રમને લઇને કોર્ટે જોરદાર નારાજગી વ્યક્ત કરી હતી. કનૈયા કુમાર ઉપર હુમલો કરવામાં આવ્યા બાદ સુપ્રીમ કોર્ટે તરત જ નોંધ લીધી હતી અને પોલીસ રક્ષણ સાથે વકીલોની ટીમ ગોઠવી દીધી હતી. ત્યારબાદ સુપ્રીમ કોર્ટે દિલ્હી પોલીસના વકીલ અજિત સિંહાને પટિયાલા હાઉસકોર્ટના મેજિસ્ટ્રેટને આજની સુનાવણી મોકૂફ કરી દેવા કહેવાની સૂચના આપી હતી. કોર્ટ રૂમમાં રહેલા લોકોને દૂર કરવા માટે પણ સૂચના આપી હતી. અગાઉ સઘન સુરક્ષા વ્યવસ્થા વચ્ચે કોર્ટમાં કનૈયાને લાવવામાં આવ્યો હતો.

એજ વેળા પટિયાલા હાઉસ કોર્ટમાં હાઈડ્રામાની સ્થિતિ સર્જાઈ ગઈ હતી. એક પત્રકાર અને વિદ્યાર્થી ઉપર હુમલો કરી દેવામાં આવ્યો હતો. આ ગ્રૂપ દ્વારા વંદેમાતરમ્ના નારા લગાવવામાં આવ્યા હતા. કોર્ટ સંકુલમાં ભારતના ધ્વજ પણ લહેરાવવામાં આવ્યા હતા. વિક્રમ ચૌહાણ દ્વારા આનું નેતૃત્વ કરવામાં આવ્યું હતું. વિક્રમ ચૌહાણ એવા વકીલ પૈકીના એક છે જેમના ઉપર જેએનયુના વિદ્યાર્થીઓ સાથે ઝપાઝપીના આક્ષેપો છે.

એક અગ્રણી ટીવી ચેનલના પત્રકારે કહ્યું હતું કે, સઘન સુરક્ષા હોવા છતાં કોર્ટ સંકુલમાં જોરદાર ઝપાઝપી શરૂ થઇ ગઇ હતી. પોલીસે સૂત્રોચ્ચાર કરવાથી અને પત્રકારો અને વિદ્યાર્થીઓ સાથે મારામારી કરવાથી વકીલોને રોક્યા ન હતા. અગાઉ સુપ્રીમ કોર્ટે કોર્ટ રૂમમાં લોકોની સંખ્યા મર્યાદિત કરી હતી અને માત્ર પાંચ પત્રકારોને મંજૂરી આપી હતી જ્યારે ધરપકડ કરવામાં આવેલાના સમર્થનમાં બે લોકોને રાખવા કહેવામાં આવ્યું હતું.

પોલીસ દ્વારા ૧૫મી ફેબ્રુઆરીના દિવસે જે બનાવ બન્યા હતા તેને લઇને કોઇ પગલાં લીધા ન હતા તેવી અરજીના આધાર પર સુપ્રીમે આજે આ આદેશ કર્યો હતો. ગઇકાલે નેશનલ મિડિયાના બે એડિટરો અને સેંકડો પત્રકારો શેરીઓમાં આવી ગયા હતા અને પત્રકારો ઉપર હુમલા કરવામાં સામેલ લોકો સામે પગલા લેવાની માંગ કરી હતી. પત્રકારો દ્વારા સુપ્રીમ કોર્ટની દરમિયાનગીરીની માંગ પણ કરી હતી. પટિયાલા હાઉસ કોર્ટમાં આજે થયેલી અંધાધૂંધીને લઇને ગંભીર નોંધ લેવામાં આવી હતી.

પટિયાલા હાઉસકોર્ટ સંકુલમાં હિંસાના બનાવ બાદ સુપ્રીમ કોર્ટે સમગ્ર મામલાની ગંભીર નોંધ લીધી હતી અને લાલ આંખ પણ કરી હતી. સુપ્રીમ કોર્ટે દિલ્હી પોલીસના વરિષ્ઠ એડવોકેટને મિનિટોના ગાળામાં જ પરિસ્થિતિ અંગે અહેવાલ સોંપવા આદેશ કર્યો હતો. સુપ્રીમ કોર્ટે એમ પણ કહ્યું હતુ કે, પટિયાલા હાઉસ કોર્ટ સંકુલમાં પરિસ્થિતિની સમીક્ષા કરવા સ્થાનિક કમિશનરની નિમણૂંક પણ કરી શકાય છે. બીજી બાજુ સુપ્રીમના આદેશ બાદ તેના દ્વારા જ રચવામાં આવેલી વકીલોની છ સભ્યોની ટીમે તેનો સ્ટેટસ રિપોર્ટ રજૂ કરી દીધો હતો.

પટિયાલા હાઉસ કોર્ટમાં થયેલી હિંસા અંગે આ અહેવાલ સોંપવામાં આવ્યો હતો જેમાં જણાવવામાં આવ્યું હતું કે, પરિસ્થિતિ ખુબ જ ગંભીર બનેલી છે. તેના તારણમાં છ સભ્યોની સુપ્રીમ કોર્ટના પ્રતિનિધિ મંડળે કહ્યું હતું કે, અમે પણ ચોંકી ગયા છીએ. પટિયાલા હાઉસ કોર્ટ સંકુલમાં ભયનો માહોલ હતો. પથ્થરમારાના બનાવ પણ બન્યા છે. પરિસ્થિતિની સમીક્ષા કરવા પહોંચ્યા ત્યારે પથ્થરમારો કરાયો હતો. પેનલે એમ પણ કહ્યું છે કે, દેશદ્રોહના મામલામાં ઝડપાયેલા કનૈયા કુમારને કોર્ટમાં લાવવામાં આવ્યો ત્યારે માર મારવામાં આવ્યો હતો.

સુપ્રીમ દ્વારા નિમવામાં આવેલી પેનલોના તારણો દિલ્હી પોલીસના વડા બીએસ બસ્સી દ્વારા કરવામાં આવેલા દાવા કરતા બિલકુલ વિરુદ્ધ છે. બસ્સીએ કહ્યું હતું કે, જેએનયુ એસયુના વડા ઉપર કોઇ હુમલો કરાયો ન હતો. કોર્ટમાં જ્યારે તેને  રજૂ કરાયો ત્યારે કોઇ હુમલો કરાયો ન હતો. અગાઉ સુપ્રીમ કોર્ટે પટિયાલા હાઉસ કોર્ટ જવા માટે છ વરિષ્ઠ વકીલોની એક ટીમની નિમણુંક કરી હતી. છ સભ્યોની આ ટીમમાં કપિલ સિબ્બલ, રાજીવ ધવન, દુષ્યંત દવે, એડીએન રાવ, અજિત સિંહા અને હરિન રાવલનો સમાવેશ થાય છે.

આ પેનલને પોલીસ રક્ષણ આપવા માટે પણ કહેવામાં આવ્યું હતું. સુપ્રીમ કોર્ટે એમ પણ કહ્યું હતું કે, હિંસામાં સામેલ લોકો સામે પગલાં લેવા માટે દિલ્હી પોલીસના કમિશનર બીએસ બસ્સીને સૂચના આપવામાં આવે.જેએનયુમાં દેશ વિરોધી નારા લગાવવાવાળા વિદ્યાર્થીઓને ટેકો આપવા પહોંચેલા રાહુલ ગાંધી વિરુદ્ઘ અલ્હાબાદના સીજેએમ કોર્ટમાં દેશદ્રોહનો કેસ નોંધાઇ ગયો છે. કોંગ્રેસના ઉપપ્રમુખ વિરુદ્ઘ આઈપીસીની ૧૨૪, ૧૨૪(એ), ૫૦૦ અને ૫૧૧ની કલમ લગાડાઇ છે.

કોર્ટે પીટિશનરને ૧ માર્ચ સુધીમાં રાહુલ વિરુદ્ઘ પૂરાવાઓ રજૂ કરવા જણાવ્યું છે.રાહુલ ગાંધી વિરુદ્ઘ આ અરજી ગઇકાલે અલ્હાબાદ હાઇકોર્ટના વકીલ અને ભાજપના નેતા સુશીલ મિશ્રા તરફથી દાખલ કરવામાં આવી હતી. અરજીમાં જણાવાયું હતું કે, રાહુલ ગાંધીએ દેશદ્રોહના આરોપીઓના સમર્થનમાં નિવેદન આપીને અને જેએનયુ કેમ્પસમાં સભા ભરી ખુદે પણ દેશદ્રોહનું કામ કર્યું છે. અરજીમાં કોર્ટમાં કેસ નોંધી તેમની વિરુદ્ઘ એકશન લેવાની માંગણી કરવામાં આવી હતી.

સીજેએમ કોર્ટના જજ સુનીલકુમારે સ્વીકાર્યું હતું કે પહેલી નજરમાં રાહુલ ગાંધી વિરુદ્ઘ દેશદ્રોહનો કેસ બને છે તેથી કેસ દાખલ કરવામાં આવે. અત્રે એ નોંધનીય છે કે, અગાઉ દિલ્હી  પોલીસે રાહુલ વિરુદ્ઘ એફઆઈઆર નોંધવાનો ઈન્કાર કર્યો હતો. જેએનયુમાં રાષ્ટ્ર વિરોધી કાર્યક્રમનું આયોજન કરવા માટે દેશદ્રોહ અને આપરાધિક કાવતર રચવાના આરોપમાં ધરપકડ થયેલી જેએનયુના સ્ટુડન્સ યુનિયનના અધ્યક્ષ કન્હૈયાને દિલ્હીના પટિયાલા હાઉસ કોર્ટમાં રજૂ કરવામાં આવશે.

આ પહેલા આજે પટિયાલા હાઉસ કોર્ટમાં વકીલોના બે જૂથ બની ગયા અને તેઓ વચ્ચે અથડામણ થઈ. એક જૂથ કન્હૈયાના પક્ષમાં છે અને બીજુ જૂથ તેના વિરુધ્ધ વકીલ ભારત માતાની જય, પાકિસ્તાન મુર્દાબાદના નારાઓ લગાવી રહયા છે. કેટલાક લોકો હિન્દુસ્તાન જીંદાબાદના નારાઓ લગાવી રહ્યાં છે. જણાવીએ કે એક વકીલ વિક્રમસિંહ ચૌહાણ આ વકીલોનું નેતૃત્વ કરી રહ્યાં છે.

પટિયાલા હાઉસ કોર્ટના મુખ્ય ન્યાયાધીશના નેતૃત્વમાં કોર્ટના જજોની એક બેઠક મળી હતી. જેમાં સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરવામાં આવી હતી. સુપ્રીમના આદેશ છતાં દિલ્હી પોલીસ મૂક-પ્રેક્ષક બની રહી હોવાનો આરોપ દિલ્હી પોલીસે મુકયો હતો. સુપ્રીમ કોર્ટે ઠેરવ્યું હતું કે, કોર્ટ રૂમમાં પાંચથી વધુ તથા કેમ્પસમાં રપથી વધુ પત્રકારોને હાજર ન રહેવા આદેશ કર્યો હતો.

You might also like