કન્હૈયાને અલગ સેલમાં ખસેડાયાે: ત્રણ ફરાર વિદ્યાર્થીઓ માટે એરપોર્ટ અેલર્ટ જારી

નવી દિલ્હી: જેએનયુ વિદ્યાર્થી સંઘના પ્રમુખ કન્હૈયાકુમાર પ્રકરણમાં રાષ્ટ્રીય માનવ અધિકાર પંચે એનએચઆરસીએ પોતાનો રિપોર્ટ સુપ્રીમ કોર્ટને સોંપી દીધો છે. રિપોર્ટમાં જણાવ્યું છે કે તિહાર જેલમાં કન્હૈયાની સુરક્ષા માટે સંગીન બંદોબસ્ત કરવામાં આવ્યાે છે. જેલ વહીવટી તંત્રએ કન્હૈયાને અલગ સેલમાં રાખ્યો છે અને તેના પર ૨૪ કલાક વોચ રાખવામાં આવી રહી છે.

સાથે જ માનવ અધિકાર પંચના અહેવાલમાં કેટલીક ચોંકાવનારી વાતો બહાર આવી છે. આ અહેવાલમાં જણાવાયું છે કે પટિયાલા હાઉસ કોર્ટ સંકુલમાં કન્હૈયા પર પૂર્વયોજિત હુમલો કરવામાં આવ્યો હતો. રિપોર્ટમાં એવું પણ જણાવાયું છે કે કન્હૈયાને ટાંકીને પોલીસ દ્વારા જારી કરવામાં આવેલી અપીલ તેની પાસે બળજબરીપૂર્વક લખાવવામાં આવી હતી. આ અપીલ કન્હૈયાએ પોતાની મરજીથી લખી ન હતી, પરંતુ પોલીસનાં દબાણમાં લખી હતી.

દરમિયાન િદલ્હી પોલીસે જેએનયુ કેમ્પસમાં ૯ ફેબ્રુઆરીના રોજ દેશ વિરોધી નારા લગાવવાના ત્રણ આરોપી વિદ્યાર્થીઓ વિરુદ્ધ લુકઆઉટ સર્ક્યુલર જારી કરી દીધો છે. દિલ્હી પોલીસે એરપોર્ટને એલર્ટ જારી કરીને આ ત્રણેય વિદ્યાર્થીઓ પર દેશ છોડી જેવાના શકના આધારે નજર રાખવા જણાવ્યું છે. આ ત્રણે ફરાર વિદ્યાર્થીઓના કોલ રેકોર્ડની પણ તપાસ કરવામાં આવી રહી છે.

દિલ્હી અને એનસીઆરમાં આ લોકોની તલાશીમાં નિષ્ફળતા મળ્યા બાદ સુરાગ મેળવવા માટે પોલીસ હવે ઈનામ પણ જાહેર કરી શકે છે. દરમિયાન એવા સમાચાર છે કે દેશદ્રોહનો આરોપી વિદ્યાર્થી પોતાની ધરપકડને ખોટી ગણાવીને તેને સુપ્રીમમાં ચેલેન્જ કરનાર છે. હવે કન્હૈયાના જામીનની સુનાવણી સોમવારે હાથ ધરવામાં આવશે.

You might also like