JNU: રાજકીય રંગે રંગાયેલું વિદ્યાધામ

દિલ્હીની વિશ્વવિખ્યાત જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી (જેએનયુ) આજે દેશભરમાં ચર્ચાનો વિષય બની છે. યુનિવર્સિટી કેમ્પસમાં દેશવિરોધી નારા લગાવાયા તે મુદ્દે દેશભરમાં તેની આલોચના થઈ રહી છે. અભિવ્યક્તિની આડમાં દેશવિરોધી પ્રવૃત્તિઓને કોઈ પણ કાળે સાંખી લેવાય નહીં તેથી આવું કરનાર સામે પગલાં ભરવાં જ જોઈએ, પરંતુ આ યુનિવર્સિટીએ દેશ જ નહીં દુનિયાના અનેક દેશોના વિકાસમાં બહુમૂલ્ય યોગદાન આપ્યું હોવાથી તેની પ્રતિષ્ઠા વગોવાય નહીં તે પણ ધ્યાને લેવું જોઈએ તેમ એક મોટો વર્ગ માની રહ્યો છે. જેએનયુમાંથી ઉત્તીર્ણ થઈને સફળ કારકિર્દી ઘડનારા અનેક વિદ્યાર્થીઓ ગુજરાતમાં ફરજ બજાવી રહ્યાં છે ત્યારે ‘અભિયાન’ની ટીમે તેમની સાથે વાતચીત કરીને જાણ્યું કે આ ઘટના વિશે તેમનું શું કહેવું છે?

દેશમાં મૂર્ખ વ્યક્તિઓ હોવા છતાં પણ દેશ ટકી શકે છે અને મહત્ત્વાકાંક્ષી લોકો હોવા છતાં પણ દેશ પોતાનું અસ્તિત્વ ટકાવી રાખે છે, પરંતુ જો દેશમાં જ રાજદ્રોહીઓ હોય તો તે દેશ ટકી શકતો નથી. પ્રખ્યાત તત્ત્વચિંતક માર્ક્સ તુલિયસ સિસેરોએ એક રાજદ્રોહીની ઓળખ આપવા કહેલા વિધાનનાં આ શરૂઆતનાં વાક્યો છે. અત્યાર સુધી જૂજ બુદ્ધિજીવીઓમાં ચર્ચાતી જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી હાલ દેશભરમાં ચર્ચાનો વિષય બની છે. ગત ૯ ફેબ્રુઆરીએ યુનિવર્સિટી કેમ્પસમાં લાગેલા દેશવિરોધી નારા અને ત્યારબાદના ઘટનાક્રમે દેશમાં રાષ્ટ્રવાદનો મુદ્દો છેડ્યો છે.

શું થયું જેએનયુમાં ?
વર્ષ ૨૦૦૧માં ભારતીય સંસદ પરના હુમલામાં સંડોવાયેલા આતંકવાદી મોહમ્મદ અફઝલ ગુરુને વર્ષ ૨૦૧૩માં ફાંસી આપવામાં આવી હતી. તેનાં ત્રણ વર્ષ પૂરાં થયાંની વરસી નિમિત્તે ૯ ફેબ્રુઆરીના રોજ જેએનયુમાં ‘કલ્ચરલ ઈવનિંગ’ યોજવામાં આવી. ‘જ્યુડિશિયલ કિલિંગ’ના મુદ્દે ચર્ચા કરવા માટે વિદ્યાર્થીઓને આમંત્રણ આપતાં પોસ્ટર યુનિવર્સિટી સંકુલમાં વહેંચવામાં આવ્યાં. આ આમંત્રણ ડાબેરી વિચારધારા ધરાવતા ડેમોક્રેટિક સ્ટુડન્ટ્સ અલાયન્સ દ્વારા અપાયાં હોવાનો આરોપ છે. સુપ્રીમ કોર્ટની કામગીરી પર પ્રશ્નાર્થ કરતી ચર્ચાએ આ આયોજન કરાયું હતું. ઉપરાંત અફઝલ ગુરુ અને મકબૂલ બટ્ટની અદાલતી હત્યાનો વિરોધ કરતી માર્ચપાસ્ટ અને કાશ્મીરી વિસ્થાપિતોના સંઘર્ષ પરની ચર્ચા પણ સાબરમતી ઢાબા વિસ્તારમાં યોજાવાની હતી.

‘અ કન્ટ્રી વિધાઉટ પોસ્ટઓફિસ- અગેઈન્સ્ટ જ્યુડિશિયલ કિલિંગ ઓફ અફઝલ ગુરુ એન્ડ મકબૂલ બટ્ટ’ ભારતને સરનામા વગરના દેશનું બિરુદ આપતું ટાઈટલ આ કાર્યક્રમને આપવામાં આવ્યું હતું. અહેવાલો મુજબ આ વિરોધ કવિતા અને સંગીત દ્વારા કરવાનો હતો તેમજ સુપ્રીમ કોર્ટની કામગીરી પર પ્રશ્નો ઉઠાવવાના હતા. અખિલ ભારતીય વિદ્યાર્થી સંગઠન સાથે જોડાયેલા કેટલાક વિદ્યાર્થીઓએ આ કાર્યક્રમ શરૂ થયાના થોડા સમય પહેલાં યુનિવર્સિટીના સત્તાધીશોને રજૂઆત કરી કે આ કાર્યક્રમની પરવાનગી રદ કરવામાં આવે, કારણ કે આ આયોજનથી યુનિવર્સિટીના વાતાવરણમાં અનિચ્છનીય પરિવર્તન આવે તેમ હતું.

જો કે વિરોધ છતાં પણ આ કાર્યક્રમના આયોજકોએ ઢાબા વિસ્તારમાં કાર્યક્રમનું આયોજન કર્યું. જેમાં યુનિવર્સિટીની અંદર તેમજ બહાર રહેતા કાશ્મીરી વિદ્યાર્થીઓ પણ હતા. ધીમેધીમે વાતાવરણ ઉગ્ર બનતા દેશવિરોધી નારા લાગ્યા. જેમાં ભારતમાંથી કાશ્મીરની સ્વતંત્રતા, અફઝલ ગુરુને શ્રદ્ધાંજલિ તેમજ દેશના કેટલાક નેતાઓ વિરુદ્ધ નારા લગાવાયા. પરિણામ બાદના દિવસોમાં આ ઘટના સમગ્ર દેશમાં ચર્ચાનું કેન્દ્ર બની અને રાજદ્રોહ સહિતના આરોપસર અજાણ્યા વિદ્યાર્થીઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ.

જેએનયુએસયુ. જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી સ્ટુડન્ટ્સ યુનિયનના પ્રમુખ કનૈયા કુમારની રાજદ્રોહના આરોપસર ધરપકડ કરવામાં આવી. પટિયાલા હાઉસ કોર્ટમાં જ્યારે તેને રજૂ કરવામાં આવ્યો ત્યારે કોર્ટબહાર તેની સાથે મારપીટ પણ કરવામાં આવી. દિલ્હી યુનિવર્સિટીના પૂર્વ અધ્યાપક એસ.એ.આર.ગિલાની વિરુદ્ધ આ કાર્યક્રમના મુખ્ય સંચાલક હોવાનો તેમજ જેએનયુના વિદ્યાર્થી ઉમર ખાલીદ વિરુદ્ધ કાર્યક્રમના સંચાલક હોવાનો આરોપ લાગ્યો. ૧૬ ફેબ્રુઆરીના રોજ ગિલાનીની ધરપકડ કરવામાં આવી જ્યારે ઉમર ખાલીદ અન્ય કેટલાક આરોપીઓ સાથે ભૂગર્ભમાં ઊતરી ગયો હોવાના અહેવાલ પ્રસારિત થયા.

૨૩ ફેબ્રુઆરીના રોજ ઉમર ખાલીદ અને અનિર્બન ભટ્ટાચાર્ય દિલ્હી પોલીસ સમક્ષ રજૂ થયા. આ દરમિયાન રાષ્ટ્રવાદ, દેશભક્તિ અને દેશદ્રોહના નામે દેશવ્યાપી ચર્ચાઓ શરૂ થઈ. સંસદથી લઈને સોશિયલ મીડિયામાં જેએનયુની ચર્ચા શરૂ થઈ.

શરૂઆત, મહત્ત્વ અને પ્રવર્તમાન
જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી ભારતની એકમાત્ર એવી શૈક્ષણિક સંસ્થા છે જેને નેશનલ એસેસમેન્ટ એન્ડ એક્રેડિયેશન કાઉન્સિલે ૪માંથી ૩.૯ ગ્રેડ આપ્યા હોય. દેશમાં જ નહીં પણ વિશ્વભરમાં અહીંના વિદ્યાર્થીઓએ નામના મેળવી છે. એક હજાર એકરમાં પથરાયેલા વિશાળ સંકુલનો આરંભ ૧૯૬૯માં થયો હતો. આ યુનિવર્સિટીની સ્થાપના સંસદગૃહમાં જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી એક્ટ, ૧૯૬૬ના આધારે કરવામાં આવી હતી.

જેએનયુ ભલે એક રેસિડેન્સિયલ યુનિવર્સિટી હોય પરંતુ દેશની સંરક્ષણ ક્ષેત્રની શૈક્ષણિક સંસ્થાઓ અને મહત્ત્વની સંશોધન સંસ્થાઓના વિદ્યાર્થીઓને જેએનયુની જ ડિગ્રી આપવામાં આવે છે. સેન્ટ્રલ ડ્રગ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ, સેન્ટર ફોર સેલ્યુલર એન્ડ મોલેક્યુલર બાયોલોજી, સેન્ટર ફોર ડેવલપમેન્ટ સ્ટડીઝ વગેરે સંશોધન સંસ્થાઓ જેએનયુ હેઠળ આવે છે તો બીજી તરફ નેશનલ ડિફેન્સ એકેડેમી (પૂણે), ઓફિસર્સ ટ્રેનિંગ એકેડેમી (ચેન્નઈ), આર્મી કેડેટ કૉલેજ (દહેરાદૂન), મિલિટરી કૉલેજ ઓફ ટેલિકોમ્યુનિકેશન એન્જિનિયરીંગ (મહૂ), કૉલેજ ઓફ મિલિટરી એન્જિનિયરીંગ (પૂણે) વગેરેમાં જેએનયુની જ ડિગ્રી આપવામાં આવે છે. જે.એન.યુ.માં રાષ્ટ્રવિરોધીઓ હોવાનો આક્ષેપ સાચો હોય કે ખોટો પરંતુ દેશના સંરક્ષણ અધિકારીઓ તો આ જ યુનિવર્સિટીની ડિગ્રી મેળવે છે.

વિવાદો પણ જેએનયુની અલગ ઓળખ છે
જેએનયુના કેટલાક વિદ્યાર્થીઓની ગતિવિધિઓ શરૂઆતથી જ વિવાદાસ્પદ રહી છે. વર્ષ ૨૦૦૦માં જેએનયુમાં થયેલો એક મુશાયરો ભારે વિવાદાસ્પદ બન્યો હતો. વર્ષ ૨૦૦૦માં દિલ્હીમાં સાર્ક રાઈટર્સ કોન્ફરન્સ યોજાઈ હતી. જેમાં આવેલા પાકિસ્તાની કવિઓને આમંત્રણ આપી જેએનયુના સ્ટુડન્ટ્સ યુનિયને ઈન્ડો-પાક મુશાયરાનું આયોજન કર્યું હતું. જેમાં યુદ્ધવિરોધી અને મિત્રતાપૂર્ણ વ્યવહારોની કેટલીક કવિતાઓ અને શેર ફહમિદા રિયાઝ, અહમદ ફરાઝ સહિતના પાકિસ્તાની કવિઓ દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા. આ બાબતનો વિરોધ પ્રેક્ષકોમાં બેઠેલા ત્રણ ભાઈઓએ કર્યો, જેમાંથી બે ભાઈ આર્મી ઓફિસર હતા. કવિઓ દ્વારા યુદ્ધનો વિરોધ અને શાંતિની વાતો કરાઈ રહી હતી, પરંતુ આ બંને આર્મી ઓફિસરોના મગજમાં કારગિલની સ્મૃતિઓ હજુ વિસરાઈ નહોતી તેથી તેમનો વિરોધ ઉગ્ર બન્યો. તેના ઉગ્ર વિરોધના કારણે કેટલાક વિદ્યાર્થીઓએ આ ભાઈઓ સાથે મારપીટ પણ કરી હતી.

વર્ષ ૨૦૧૦માં છત્તીસગઢના દંતેવાડામાં સી.આર.પી.એફ.ના જવાનો પર નકસલવાદીઓએ હુમલો કર્યો હતો જેમાં સી.આર.પી.એફ.ના ૭૬ જવાન શહીદ થયા હતા. એક આક્ષેપ મુજબ ડાબેરી વિદ્યાર્થી સંગઠન ડી.એસ.યુ. અને એ.આઈ.એસ.એ. પર આક્ષેપ છે કે તેમણે નક્સલવાદીઓનું સમર્થન કરવા આ ઉજવણી કરી હતી અને ત્યારે પણ ભારતવિરોધી નારા લગાવ્યા હતા.

દુનિયાભરમાં જેએનયુની બોલબાલા છે
જેએનયુમાં અભ્યાસ કરવો એ મહત્ત્વાકાંક્ષી યુવાનોનું એક સ્વપ્ન હોય છે. જેએનયુમાં અભ્યાસ કરી ચૂકેલા અનેક લોકો દેશ-દુનિયામાં મહત્ત્વનાં સ્થાનો પર ફરજ બજાવી ચૂક્યા છે કે આજે પણ બજાવી રહ્યાં છે. જેએનયુએ હજારો ટેક્નોક્રેટ, આઈપીએસ, આઈએસએસ અને ટોચના રાજકીય નેતાઓની ભેટ આપી છે તે ભૂલવું ન જોઈએ. મોરેશિયસના વડાપ્રધાન નવીન રામ અને નેપાળના પૂર્વ વડા પ્રધાન બાબુરામ પણ એક સમયે જેએનયુના વિદ્યાર્થી રહી ચૂક્યા છે. હાલના પ્રધાનમંડળના ઘણા સલાહકારો પણ જેએનયુના વિદ્યાર્થીઓ જ છે. જેએનયુમાં હાલ દેશ-વિદેશના લગભગ ૮૦૦૦ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યાં છે, અને તેમને જેએનયુમાં ચાલી રહેલા હાલના વિવાદથી ઠેસ પહોંચી છે. ગુજરાતમાં વિવિધ હોદ્દા પર ઉચ્ચ અધિકારી તરીકે ફરજ બજાવી રહેલા જેએનયુના પૂર્વ વિદ્યાર્થીઓ સાથે આ અંગે વાતચીત કરતાં જેએનયુ વિશેનું એક અલગ જ દૃશ્ય ખડું થયું હતું.

જેએનયુમાં ઊભા થયેલા આ વિવાદના થોડાક દિવસો અગાઉ જ એટલે કે ૯ જાન્યુઆરી, ર૦૧૬ના રોજ રાજકોટ ખાતે ગુજરાતમાં વિવિધ પદ પર ફરજ બજાવતાં પૂર્વ જેએનયુના પૂર્વ વિદ્યાર્થીઓએ એલ્યુમની એસોસિયેશન ઓફ જેએનયુ ‘આજ’ના ગુજરાત ચેપ્ટરની રચના કરી હતી. જેમાં રાજકોટના તત્કાલીન પોલીસ કમિશનર મોહન ઝા સહિતના અધિકારીઓ જોડાયા હતા. રાજકોટમાં સેન્ટ્રલ ઍક્સાઈઝ વિભાગમાં એડિશનલ કમિશનર તરીકે કાર્યરત બી.કે. સિંહની પ્રમુખપદે વરણી કરાઈ હતી. આ સંગઠનની રચનાનો હેતુ એકબીજાના વિચારોની આપ-લે કરવાનો અને તેનો લાભ જુદાંજુદાં ક્ષેત્રો સુધી પહોંચાડવાનો હતો. જેમાં હાલ ૬૦ જેટલા સભ્યો જોડાયા છે. જોકે ગુજરાતમાં જેએનયુમાં અભ્યાસ કરનારી આશરે ૧૦૦ જેટલી વ્યક્તિ હોવાનો અંદાજ અધિકારીઓ મૂકી રહ્યા છે.

દક્ષિણ ગુજરાતની એક સંસ્થામાં અધ્યાપક અને સંશોધક તરીકે ફરજ બજાવતાં
ગણેશ જીએ જેએનયુમાં અભ્યાસ કર્યો છે. ગણેશ કહે છે કે,” ત્યાં ડાબેરીઓમાં બે પ્રકાર છે, લિબરલ લેફ્ટ અને અલ્ટ્રા લેફ્ટ. અલ્ટ્રા લેફ્ટ વિચારધારા ધરાવતા માટે દેશની સરહદ કે રાષ્ટ્રીયતા વધુ મહત્ત્વ નથી ધરાવતી. તેઓ વોટબેન્ક માટે કેટલાક વિવાદાસ્પદ મુદ્દાઓને સહકાર આપતા હોય છે, પરંતુ એવું જરા પણ નથી કે ત્યાં ફક્ત ડાબેરી વિચારધારા જ અસ્તિત્વ ધરાવે છે. તમામ પ્રકારની વિચારધારા ધરાવતા લોકો ત્યાં છે, તેના કારણે જ આ વિવાદ પ્રકાશમાં આવ્યો છે.”

ગુજરાતની એક યુનિવર્સિટીના અધ્યાપક પણ જેએનયુના વિદ્યાર્થી રહી ચૂક્યા છે. તેઓ કહે છે કે,”જેએનયુમાં સારું શિક્ષણ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર છે, પરંતુ કેટલાંક સંગઠનોએ તેમની વિચારધારા ત્યાં થોપી દીધી છે. ડાબેરી વિચારધારાએ જેએનયુમાં પોતાની વિચારધારાનાં મૂળ નાંખ્યાં છે. તેઓ અમુક પસંદગીના પ્રશ્નો અને મુદ્દા જ ઉઠાવશે. અમારો વિરોધ નથી કે તમે કોઈ સમસ્યાના સમાધાન માટે લડત ચલાવો, પરંતુ તેમાં પક્ષપાત ન કરવો જોઈએ. કાશ્મીરી સ્થળાંતરિતોની સમસ્યા માટે કાર્યક્રમ થાય તે સારી વાત છે, પરંતુ કાશ્મીરી પંડિતો વિશે તો ક્યારેક વિચારો. તેઓ દાદરીનો વિરોધ કરશે પરંતુ માલદા મુદ્દે એક પણ શબ્દ નહીં બોલે. પક્ષપાતની વિચારધારા આ યુનિવર્સિટી પર વધુ પ્રભાવ ન કરવી જોઈએ.”

ગુજરાતમાં મહેસૂલ વિભાગમાં પ્રથમ વિભાગમાં ફરજ બજાવનાર એક અધિકારીએ સાત વર્ષ આ યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો છે. તેઓ પોતાનો મત વ્યક્ત કરતાં કહે છે કે, “અમારા સમયમાં એસએફઆઈ. (સ્ટુડન્ટ્સ ફેડરેશન ઓફ ઈન્ડિયા)નો જેએનયુમાં દબદબો હતો. બાદમાં એઆઈએસએ (ઓલ ઈન્ડિયા સ્ટુડન્ટ્સ એસોસિયેશન)નું વર્ચસ્વ જામ્યું. એસએફઆઈ કરતાં એઆઈએસએ થોડી વધુ ઉગ્ર છે. એટલે કે સમયાંતરે ત્યાં કોઈ વિચારધારાનું સ્થાન તેનાથી વધુ ઉગ્ર વિચારધારા લેતી રહે છે.

અમારા સમયમાં એવું નહોતું, પોતાનો મત વ્યક્ત કરતાં બધા ડરતાં પણ આટલું ઉગ્ર વાતાવરણ ક્યારેય જોવા નહોતું મળ્યું. જેએનયુ એક એવી સંસ્થા છે જે એવી પ્રતિભાઓને પ્લેટફોર્મ આપે છે જેને જીવનમાં ક્યારેય કોઈ તક ન મળી હોય. મોટાભાગના વિદ્યાર્થીઓ ગ્રામિણ વિસ્તારમાંથી તેમજ અભાવગ્રસ્ત પરિવારોમાંથી આવતા હોય છે. જેમનાં માતાપિતાની એટલી શક્તિ નથી હોતી કે તેને કૉન્વેન્ટનું શિક્ષણ અપાવી શકે કે અન્ય શૈક્ષણિક સુવિધાઓ આપી શકે.

તેવા વિદ્યાર્થીઓ માટે જેએનયુ આશીર્વાદ રૂપ છે. જો કે આ પરિસ્થિતિના કેટલાંક નબળાં પાસાં પણ છે. જેએનયુમાં ગયા પછી જે-તે વ્યક્તિ રેડિકલ એટલે કે ઉગ્ર પરિવર્તનવાદી બની જાય છે. આ જેએનયુની લાક્ષણિકતા છે. પછી તે કોઈ પણ વિદ્યાર્થી સંગઠન હોય કે વિચારધારા હોય, તેની સાથે સંકળાયેલો જેએનયુનો વિદ્યાર્થી થોડો ઉગ્ર રહેશે જ. ઉદાહરણ તરીકે અન્ય કોઈ યુનિવર્સિટીમાં એબીવીપી સાથે જોડાયેલા વિદ્યાર્થી કરતાં જેએનયુમાં એબીવીપી સાથે જોડાયેલો વિદ્યાર્થી વધુ ઉગ્ર હશે. ડાબેરી વિચારધારાનો પ્રભાવ ત્યાં વધુ રહ્યો છે તે વાત સાચી છે.”

ગાંધીનગરની એક યુનિવર્સિટીમાં અધ્યાપક ડૉ. સંજય ઝા કહે છે કે, “જેએનયુમાં સારું વાતાવરણ અને શિક્ષણ છે, ઉપરાંત હોસ્ટેલની સુવિધા પણ છે. વિવિધ અનુકૂળ પરિબળોના કારણે આ યુનિવર્સિટીએ બૌદ્ધિકો આપ્યા છે. સમાચારમાં જ્યારે દેશવિરોધી નારા લગાવનારા વિદ્યાર્થીઓને જોઉં છું ત્યારે મને પણ આશ્ચર્ય થાય છે, પરંતુ અમુક વિવાદાસ્પદ વિદ્યાર્થીઓના કારણે સમગ્ર યુનિવર્સિટીને દેશદ્રોહી ન ગણાવવી જોઈએ. જેએનયુમાં તમામ વિચારધારાના લોકો શરૂઆતથી જ રહ્યા છે.

જેને લોકો અલ્ટ્રા લેફ્ટ કહી રહ્યા છે તેવા લોકો પણ ત્યારે હતા. અત્યારે ટીવી.માં જે બતાવાઈ રહ્યું છે તેવું જરા પણ નહોતું. હા, જેએનયુના એક વિદ્યાર્થી સમૂહમાં નક્સલવાદ પ્રત્યે સહાનુભૂતિ રહી છે. વિરોધ પ્રદર્શન અને નારા તો ત્યારે પણ લાગતા, પરંતુ તેમાં દેશવિરોધી એક પણ બાબતને સમર્થન નહોતું. સરકારની કેટલીક નીતિઓના વિરોધમાં ત્યારે નારાઓ લાગતા. ત્યાં અતિવાદીથી લઈને તીવ્ર ડાબેરી સુધીની તમામ વિચારધારાઓ છે.”

૧૯૮૭માં પોલિટિકલ સાયન્સમાં એમ.ફિલ.નો અભ્યાસ કરી ચૂકેલા બી.કે.સિંહ કહે છે, “જેએનયુમાં જુદાજુદા વિષય પર ડિબેટનું પ્રમાણ વધુ રહે છે અને દરેક વિદ્યાર્થી સ્વતંત્ર રીતે તેમાં ભાગ લે છે તે તેની વિશેષતા છે. અહીં દેશ-દુનિયામાંથી યુવાનો આવતા હોઈ નાતજાત કે રાજ્યોના વાડાઓથી મુક્ત રીતે સૌને સાથે રાખવાની ભાવના સાથે વિદ્યાર્થીઓ ભણે છે અને દેશહિતની જ સર્વોપરીની ભાવના સાથે શિક્ષણ અપાય છે.

આ માટે અમારે કોઈના સર્ટિફિકેટની જરૂર નથી. કેટલાંક તત્ત્વો માહોલ બગાડનારાં કે દેશવિરોધી માનસિકતા સાથે કામ કરતાં હોય તો તેની સામે જરૂરી તપાસ બાદ પગલાં ભરવાં જોઈએ તેની સાથે હું સહમત છું, પરંતુ આખી સંસ્થાને બદનામ કરવી યોગ્ય નથી. આ સંસ્થામાં અમારો એક ગૌરવપૂર્ણ અનુભવ રહ્યો છે. જેએનયુમાં ડાબેરી વિચારધારાવાળાં કેટલાંક ગ્રૂપ છે, પરંતુ રાષ્ટ્રહિતની વાત આવે ત્યારે બધા એક છે.”

તો ગુજરાતના એડિશનલ ડીજી કક્ષાના ઓફિસર મોહન ઝા પણ જેએનયુના પૂર્વ વિદ્યાર્થી રહી ચૂક્યા છે. તેઓ કહે છે, “મારા જીવનની સૌથી વધુ શીખ મને જેએનયુમાં મળી હતી. ત્યાં મારો અનુભવ અવિસ્મરણીય રહ્યો છે. ૧૯૮૦થી ૮૩ દરમિયાન હું ત્યાં પોલિટિકલ સાયન્સમાં માસ્ટર્સ કરી રહ્યો હતો. દુનિયાની ટોપટેન શૈક્ષણિક સંસ્થાઓમાં જેએનયુનો સમાવેશ થાય છે, જેનો ભાગ હોવાનું અમને ગૌરવ છે. શિક્ષણની બાબતમાં જેએનયુ અગ્રેસર છે. તે સમયે સારી લાઇબ્રેરી અને સારા ક્લાસરૂમ હતા તથા તમામ માળખાગત સુવિધા મળતી હતી. હાલના વિવાદ અંગે મારે કંઈ કહેવું નથી, પરંતુ શિક્ષણની સાથે વિદ્યાર્થીને રાષ્ટ્રીયતાના પણ પાઠ શિખવવામાં આવે છે અને તેનું સર્વાંગી ઘડતર થાય તેવું વાતાવરણ ત્યાં હોય છે. જેએનયુએ દેશવિદેશમાં અનેક ઓફિસર્સની ભેટ આપી છે.”

જેએનયુના આ વિવાદ સંદર્ભે રાજકોટના રાજકીય વિશ્લેષક રમેશભાઈ ઘોડાસરા કહે છે, “શૈક્ષણિક સંસ્થાઓમાં વિચારભેદ હોઈ શકે છે, પરંતુ તે સંસ્થાની ચાર દીવાલો પૂરતો સીમિત રહેવો જોઈએ. વિવાદને રાષ્ટ્રીય સુરક્ષાના સીમાડાની બહાર લઈ જવો યોગ્ય નથી. જેએનયુના આ વિવાદ મામલે ચાર દીવાલ વચ્ચે જ તેનો ઉકેલ લાવી શકાયો હોત, પરંતુ કમનસીબે આ વિવાદમાં રાજકીય રંગ ભળતાં તે સંસદ સુધી પહોંચી ગયો.”

જેએનયુમાંથી ઉત્તીર્ણ થયેલા ડૉ. અતનુ મોહાપાત્રા બરોડાની એમ.એસ.યુનિવર્સિટીમાં જર્નાલિઝમ એન્ડ કમ્યુનિકેશન ડિપાર્ટમેન્ટનાં ઈન્ચાર્જ ડીન તરીકે ફરજ બજાવી રહ્યા છે. તેઓ કહે છે કે, “જેએનયુમાં પહેલેથી જ ડાબેરી વિચારધારાનો દબદબો રહ્યો છે. જો કે ૧૯૯૦ પછી રાજકીય પવન બદલાતાં સીપીઆઈએમ, એઆઈએફએ અને ડીએસઓ જેવી પાર્ટીઓ કે જે માર્ક્સવાદી અથવા તો માઓવાદી વિચારધારા ધરાવે છે, તેમનું પ્રભુત્વ જેએનયુમાં વધવા લાગ્યું.”

યુનિવર્સિટીમાં આ પક્ષોનો દબદબો પ્રબળ હોવાનું કારણ જણાવતાં તેઓ કહે છે કે, “જે વિદ્યાર્થીઓ આ પક્ષો તરફી હોય છે, તેમને નાણાકીય સુવિધા મોટાપાયે પૂરી પાડવામાં આવે છે. મોટાભાગના વિદ્યાર્થીઓ પણ તેમની વાતમાં અને લાલચમાં આવીને તેમને જ સમર્થન કરે છે. જેએનયુની ચૂંટણી વ્યવસ્થા ખરેખર ઉમદા છે, પરંતુ હંમેશાં એક ચોક્કસ વિદ્યાર્થી વર્ગ આ પક્ષોને જ વોટિંગ કરે છે.

એવું નથી કે ૯ ફેબ્રુઆરીએ જે કાર્યક્રમો કરવામાં આવ્યા તે પ્રથમ વખત થયા હોય. આ પહેલાં પણ આવા કાર્યક્રમોનું આયોજન થઈ ચૂક્યું છે. જેએનયુમાં ૧૯૯૫માં આવા જ એક કાર્યક્રમનું આયોજન થયું હતું. જેમાં આઝમ તકરૂટે અને યાસીન અલી ભટકલ જેવા અલગાવવાદી નેતાઓને બોલાવી કાશ્મીર અંગે એક સભા યોજવાની હતી.

આ અંગે પત્રિકાઓ છપાઈ અને વહેંચવામાં આવી હતી, પરંતુ અન્ય વિદ્યાર્થી સંગઠનો દ્વારા આ કાર્યક્રમનો વિરોધ કરાતા આ કાર્યક્રમ રદ કરાયો હતો. ત્યારબાદ ૨૦૦૦ની સાલમાં એક પાકિસ્તાની શાયરના મુશાયરાનું આયોજન કરવામાં આવેલું હતું. જેમાં ભારતવિરોધી અને ભારતીય સેનાનું અપમાન અને હાંસી ઉડાવતી શાયરીઓનું પઠન થઈ રહ્યું હતું. આ કાર્યક્રમ જોવા બે ભારતીય પેરા મિલિટરી ફોર્સના કેપ્ટન પણ ગયા હતા. તેમણે વિરોધ કરતાં તેમને ખૂબ માર મરાયો હતો.

૯ ફેબ્રુઆરીએ જે ઘટના ઘટી તે ઘટનાને ખરેખર તો બ્લેક ડે તરીકે જોવો જોઈએ. આ કાર્યક્રમમાં પણ અગાઉની જેમ બહારના વિદ્યાર્થીઓને બોલાવવામાં આવ્યા હોય. જેમાં કાશ્મીરી અલગાવવાદીઓ અને માઓવાદી પણ સામેલ હોય તો નવાઈ નથી. જેએનયુના પ્રશાસનનો અભિગમ પણ આ ઘટના બાદ સારો નથી રહ્યો. મારું માનવું છે કે કોઈ પણ શૈક્ષણિક સંસ્થાનમાં
પોલીસ ન આવવી જોઈએ, પરંતુ જ્યારે દેશવિરોધી પ્રવૃત્તિની વાત આવે ત્યારે પોલીસની ફરજમાં રૂકાવટ ન નાખવી જોઈએ. યુનિવર્સિટી કાયદાથી પરે નથી જ. પ્રશાસન આ કાર્યક્રમને રોકવામાં નિષ્ફળ રહ્યું તેમ છતાં હજુ તેઓ વિદ્યાર્થીઓની તરફેણ કરે એ યોગ્ય નથી.

યુનિવર્સિટી પ્રશાસનની પણ આ ઘટનામાં જવાબદેહી બને છે. આવી ઘટનાઓથી દેશ અને જેએનયુના નામને બટ્ટો લાગ્યો છે. અભિવ્યક્તિની સ્વતંત્રતા માટે જાણીતી જેએનયુ એ આવા દેશદ્રોહી કાર્યક્રમને લીધે પોતાની ઓળખ ગુમાવી છે. વાણી અને વિચારની અભિવ્યક્તિ દેશવિરોધી તો ન જ હોવી જોઈએ. દેશભરમાં અમે જેએનયુ એલ્યુમનીએ આ કાર્યક્રમ અને વિવાદનો વિરોધ કર્યો છે.

જેએનયુમાં શિક્ષણની સાથે વિદ્યાર્થીને રાષ્ટ્રીયતાના પણ પાઠ શિખવવામાં આવે છે અને તેનું સર્વાંગી ઘડતર થાય તેવું વાતાવરણ ત્યાં હોય છે. જેએનયુએ દેશવિદેશમાં અનેક ઓફિસર્સની ભેટ આપી છે.

જેએનયુને બદનામ કરવાનો કારસો
દેશદ્રોહ તો બહાનું છે પણ હકીકતમાં આ જેએનયુને બદનામ કરવાનો કારસો હતો. લગભગ બે મહિના પહેલાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના મુખપત્ર પંચજન્યમાં એક લેખ છાપવામાં આવ્યો હતો કે જેએનયુ માર્ક્સવાદનો અડ્ડો બની ગઈ છે. બે મહિના પછી કનૈયા કુમારની ઘટના બને છે તેનો મતલબ શું? જેએનયુને બદનામ કરવાનો આરએસએસનો પ્લાન હતો અને એટલા માટે જ કહેવામાં આવે છે કે જેએનયુમાં દેશદ્રોહી રહે છે.

પ્રારંભથી જ જેએનયુમાં માર્ક્સવાદી વિચારધારા ધરાવતા વિદ્યાર્થીઓનું પ્રભુત્વ રહ્યું છે. ત્યાં કોંગ્રેસનો પણ પ્રભાવ નથી પણ કોંગ્રેસ ક્યારેય તેને દબાવવાનો પ્રયાસ નથી કર્યો. આજે ત્યાંના વિદ્યાર્થીઓને ડરાવવામાં આવે છે. જો કોઈ દેશદ્રોહી જેવી વાત કરે તો તેના માટે કાનૂન છે. દેશદ્રોહના નામે નિર્દોષ વિદ્યાર્થીઓને ફસાવવામાં આવે છે. કનૈયા કુમારે આ કાર્યક્રમનું આયોજન કર્યું નથી કે નથી તેણે આવી કોઈ જાહેરાત કરી હોય. જેટલા પણ વીડિયો બહાર આવ્યા છે તે બનાવવામાં આવ્યા છે, કારણ કે કનૈયા કુમાર વામપંથી વિચારોથી પ્રભાવિત છે અને આરએસએસનો વિરોધી છે. શું કોઈ વ્યક્તિ આરએસએસનો વિરોધી હોય તો એ દેશદ્રોહી થઈ જાય?: સંજય નિરુપમ, અધ્યક્ષ, મુંબઈ કોંગ્રેસ

મીડિયાએ રાષ્ટ્રવાદનો મુદ્દો બનાવ્યો
જેએનયુમાં એમ.એ., એમ.ફિલ. અને પીએચ.ડીનો અભ્યાસ કરનાર પ્રબોધન કુમાર પોળ હાલમાં મુંબઈમાં સંશોધન ક્ષેત્રે કાર્યરત છે. તે કહે છે કે, જેએનયુનું કલ્ચર, વાતાવરણ અને પોલિટિક્સ એ જ લોકો સમજી શકે જેઓ તેની અંદર છે. બહારના લોકોએ ખેંચતાણ કરીને રાષ્ટ્રવાદનો મુદ્દો બનાવી દીધો છે. અહીંનું વાતાવરણ અન્ય યુનિવર્સિટી કે કેમ્પસથી ભિન્ન છે. અહીં સમાજ, દેશ અને દુનિયાના મુદ્દા પર ચર્ચા કરવામાં આવે છે. ડિબેટ થાય છે. અહીં ઈલેક્શનની પ્રોસેસ પણ અલગ છે. વિદ્યાર્થીઓ જ ચૂંટણી યોજવાનું નક્કી કરે છે. મેનેજમેન્ટની કોઈ ભૂમિકા હોતી નથી. વિદ્યાર્થીનું સપનું અહીંની આચારસંહિતા છે. જેએનયુને વામપંથીઓનો અડ્ડો કહેવું ખોટું છે. વામપંથીઓનો પ્રભાવ જરૂર છે પણ તેને નેગેટિવ રીતે ન લેવું જોઈએ. કનૈયા કુમાર અને અન્ય લોકો પર જે આરોપ લગાવવામાં આવ્યા છે તેના વિષે મારે કોઈ ટિપ્પણી નથી કરવી. એ કાનૂનનું કામ છે, પરંતુ જે રીતે જેએનયુમાં કોમ્બિંગ ઓપરેશન કરવામાં આવ્યું તેનો હું વિરોધ કરું છું. જેએનયુની ચારે બાજુ પોલીસ ખડકી દેવામાં આવી જાણે કે અંદર કોઈ ક્રિમિનલ એક્ટિવિટી થતી હોય. કેમ્પસમાં કોઈ આતંકી પ્રવૃત્તિ ચાલતી નથી. : પ્રબોધન કુમાર પોળ, સંશોધક, મુંબઈ

જેએનયુના નામાંકિત વિદ્યાર્થીઓ
* નિર્મલા સીતારામન, ઉદ્યોગ પ્રધાન
* પલાગુમ્મી સાંઈનાથ, પત્રકાર
* અભય કુમાર, ભારતીય રાજદૂત
* પ્રકાશ કરાત, નેતા, CIP(M)
* યોગેન્દ્ર યાદવ, સામાજિક કાર્યકર
* દિગ્વિજય સિંહ, નેતા, કોંગ્રેસ
* અજિત શેઠ, કેબિનેટ સેક્રેટરી
* સીતારામ યેચુરી, નેતા
* મનુ દેવદેવન. ઈતિહાસકાર
* સુબ્રમણ્યમ જયશંકર, વિદેશ સચિવ
* અરવિંદ ગુપ્તા, નાયબ સુરક્ષા સલાહકાર
* વેણુ રાજામણિ, રાષ્ટ્રપતિના પ્રેસ સેક્રેટરી
* અમિતાભ કાંત, સીઈઓ, નીતિ આયોગ
* રણજિત નાયક, વર્લ્ડ બેન્ક અધિકારી
* વિનીત નારાયણ, પત્રકાર
* વેદપ્રતાપ વૈદિક, પત્રકાર
* હારૂન રાશીદ ખાન, ડે.ગવર્નર, RBI
* સુખદેવ થોરાટ, અર્થશાસ્ત્રી
* બાબુરામ ભટ્ટરાઈ, પૂર્વ નેપાલી વડાપ્રધાન
* ઉદિત રાજ, સાંસદ-સામાજિક કાર્યકર
* મહેન્દ્ર લામા, કુલપતિ, સિક્કીમ યુનિ.
* અભય કુમાર, ભારતીય રાજદૂત
* અભિજિત બેનર્જી, અર્થશાસ્ત્રી
*થોમસ આઈઝેક, નેતા, CIP(M)
* ઈલા પટનાયક, ભારત સરકારનાં મુખ્ય આર્થિક સલાહકાર

વિશેષ માહિતીઃ પ્રતીક કાશીકર-સુરત, લતિકા સુમન-મુંબઈ

You might also like