જેએનયુમાં નવાં પોસ્ટરોઃ હોળી મહિલા વિરોધી તહેવાર

નવી દિલ્હી: જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીમાં ચીપકાવવાંમાં આવેલાં નવાં પોસ્ટરોમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે હોળી એક મહિલા વિરોધી તહેવાર છે. કારણ કે ઐતિહાસિક દૃષ્ટિએ જોઇએ તો આ તહેવારને નામે હંમેશાં દલિત મહિલાઓનું યૌન શોષણ થતું રહે છે.

સંસદ હુમલાના અપરાધી અફઝલ ગુરુને ફાંસીની સજાની વરસી પર ગયા મહિને આયોજિત એક કાર્યક્રમને લઇને વિવાદનાં વમળમાં ફસાયેલ જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી અભિવ્યકિતની સ્વતંત્રતાને લઇને છેડાયેલી ચર્ચાનું કેન્દ્ર બની ગયું છે. જેએનયુ કેમ્પસમાં ખાણીપીણીનાં સ્થળો, બજારો અને વિવિધ સ્કૂલોની ઇમારત દીવાલો પર ‘વોટ ઇઝ હોલી એબાઉટ હોલી’ મથાળા હેઠળનાં નવાં પોસ્ટરો ઠેરઠેર જોવા મળી રહ્યાં છે અને આ પોસ્ટરોને લઇને સોશિયલ મીડિયા પર પણ ચર્ચા છેડાઇ છે.

પોસ્ટરમાં સવાલ ઉઠાવવામાં આવ્યો છે કે બ્રાહ્મણવાદી પિતૃપ્રધાન ભારતમાં અસુર બહુજન મહિલા હોલિકાનું દહન કરીને હોળી શા માટે મનાવે છે? હોળીમાં પવિત્રતાનું કયાં કોઇ તત્વ હોય છે? ઇતિહાસને જોઇએ તો આ ઉત્સવના નામે દલિત મહિલાઓનું યૌન શોષણ કરવામાં આવે છે. આ પોસ્ટરમાં વધુમાં જણાવાયું છે કે હોળીનો તહેવાર માત્ર મહિલા વિરોધી છે. આ પોસ્ટરની નીચે ‘સ્લેમ ઓફ રેઝિસ્ટન્સ’ નામનાં સંગઠનનું નામ લખવામાં આવ્યું છે.

You might also like