JNU-કન્હૈયા વિવાદનો ગેરલાભ ઉઠાવી દેશને ભડકે બાળવાની ISISની સા‌િજશ

નવી દિલ્હી: ભારતમાં ખોફનાક આતંકી સંગઠન આઈએસઆઈએસની પ્રવૃત્તિઓ અંગે પહેલાંથી જ શંકા-કુશંકા વ્યક્ત કરવામાં આવી રહી હતી અને હવે તેની પ્રવૃત્તિનું ચિત્ર સ્પષ્ટ રીતે બહાર આવી રહ્યું છે. આઈએસઆઈએસ ભારતમાં વિદ્યાર્થી આંદોલનનો ગેરલાભ ઉઠાવવા માંગે છે. આઈએસઆઈએસની મેલી મુરાદ છે કે જેએનયુ-કન્હૈયાકુમારની વિદ્યાર્થી ચળવળનો ગેરલાભ ઉઠાવીને દેશભરમાં હિંસા ભડકાવવામાં આવે.

એનઆઈએની તપાસમાં આ વાતનો પર્દાફાશ ભારતમાં આ સંગઠન માટે ભરતી થયેલા ત્રણ શકમંદ આતંકીઓએ કર્યો છે. આ શકમંદ આતંકીઓએ એવું જણાવ્યું છે કે અમને જેએનયુ અને કન્હૈયા વિવાદમાં સામેલ થઈને તેનો ગેરલાયક ઉઠાવીને દેશભરમાં હિંસા ભડકાવવાનું કહેવામાં આવ્યું હતું.

આઈએસઆઈએસ સાથે સંકળાયેલા સંગઠનો ‘જુનુદ-અલ-ખલિફા-એ-હિંદ’ (જેકેએચ) માટે ભરતી કરનાર આ‌િશક અહમદ ઉર્ફે રાજા, મોહમ્મદ અબ્દુલ અહદ અને મોહમ્મદ અફઝલના નિવેદનથી આવા ચોંકાવનારા ખુલાસા થયા છે. આ સંગઠનને આઈએસઆઈએસનું ભારતીય મોડ્યુલ કહેવામાં આવે છે.

અહેવાલ અનુસાર પશ્ચિમ બંગાળના હુગલીમાં રહેતો આશિક અહમદ ઉર્ફે રાજા (ઉં.વ. ૧૯)ને કન્હૈયાને જેલમાં મોકલવાના વિરોધમાં થઈ રહેલા દેશભરમાં દેખાવોમાં જોડાઈને ગાડીઓ સળગાવવા અને તોડફોડ કરવા માટે કહેવામાં આવ્યું હતું. આ ત્રણેયનાં નિવેદનને એનઆઈએ દ્વારા સીઆરપીસીની કલમ-૧૬૪ હેઠળ નોંધવામાં આવ્યું છે.

આવું પ્રથમ વાર થઈ રહ્યું છે કે જ્યારે આઈએસઆઈએસ સાથે સાઠગાંઠ ધરાવતા કોઈ આતંકીનું નિવેદન એક એજન્સી દ્વારા નોંધવામાં આવી રહ્યું હોય. તેમણે એકરાર કર્યો છે કે આ શકમંદ સાથે તુમકુર, બેંગલુરુ, પશ્ચિમ બંગાળ અને પંજાબમાં બેઠકો પણ યોજાઈ હતી.

આશિક અલીએ પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે અહમદ અલી સ્વયંને અન્સાર-ઉત્ત-તૈહીદ ફી બિલાલ-અલ-હિન્દનો ચીફ હોવાનું જણાવતો હતો. આશિકે જણાવ્યું હતું કે મને ગાડીઓ અને તેલનાં ટેન્કર સળગાવવાનું કહેવામાં આવ્યું હતું. તેણે જણાવ્યું હતું કે અહમદે તેને જાસૂસી, સ્વિમિંગ અને મેપિંગ શીખવા પણ કહ્યું હતું. પ્રથમ નિશાન શિયાને બનાવવા અહમદે આશિકને જણાવ્યું હતું. તેનો હેતુ ઈન્ડિયન મુજાહિદ્દીનના પૂર્વ વડા યાસિન ભટકલને છોડાવવાનો હતો.

You might also like