ગુજરાત સરકાર, ગૌરક્ષકોનું પૂતળું બાળનાર JNUના વિદ્યાર્થીઓને નોટિસ

નવી દિલ્હી: જેએનયુ પ્રશાસને યુનિવર્સિટી કેમ્પસમાં ગુજરાત સરકાર અને ગૌરક્ષકોના પૂતળા દહન માટે છ વિદ્યાર્થીઓને નોટિસ બજાવી છે. જે વિદ્યાર્થીઓને નોટિસ બજાવવામાં આવી છે તેમાં રામા નાગા ઉપરાંત અબ્દુલ મતીમ, પરવીન અને મનિકાંતનો સમાવેશ થાય છે. અત્રે ઉલ્લેખનીય છે કે રામા નાગા આ વર્ષે ફેબ્રુઆરીમાં જેએનયુ કેમ્પસ પર પોકારવામાં આવેલા દેશ વિરોધી સૂત્રોચ્ચારની ઘટનામાં દેશદ્રોહના કેસનો આરોપી પણ છે. જોકે આ કેસમાં જેએનયુ પ્રશાસનના અધિકારીઓ સત્તાવાર રીતે કહી કહેવા તૈયાર નથી.

વિદ્યાર્થીઓને બજાવવામાં આવેલી નોટિસમાં જણાવાયું છે કે આ નોટિસ ૨૧ સપ્ટેમ્બર ૨૦૧૬ના એક રિપોર્ટના સંદર્ભમાં છે, જે ૧૯ સપ્ટેમ્બર ૨૦૧૬ના રોજ જેએનયુ કેમ્પસ પર આવેલા સાબરમતી ધાબા ખાતે રાત્રે ૯.૩૦ કલાકે ગુજરાત સરકાર અને ગૌરક્ષકોની નનામી બાળવાના સંદર્ભમાં છે. આ નોટિસ દ્વારા સંબંધિત વિદ્યાર્થીઓને ૧૪ ઓક્ટોબર ૨૦૧૬ના રોજ પ્રોક્ટર સામે હાજર થવા આદેશ કરાયો છે. જેએનયુ સ્ટુડન્ટ યુનિયનના પૂર્વ અધ્યક્ષ અકબર ચૌધરીએ યુનિવર્સિટી પ્રશાસનના નિર્ણયનો વિરોધ કર્યો છે.

You might also like