કન્હૈયા કુમારે પોલીસ પૂછપરછમાં ૧૨ સનસનીખેજ ખુલાસા કર્યા

નવી દિલ્હી: દેશ વિરોધી સૂત્રો પોકારવાના આરોપમાં ધરપકડ કરાયેલા જેએનયુ વિદ્યાર્થી સંઘના પ્રમુખ કન્હૈયા કુમારે પોલીસ પૂછપરછમાં કેટલાક સનસનીખેજ ખુલાસા કર્યા છે. એક એક્સક્લુઝિવ રિપોર્ટ અનુસાર કન્હૈયા કુમારે પૂછપરછ દરમિયાન એકરાર કર્યો છે કે તેણે આરએસએસ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ટીકા અને નિંદા કરી હતી, જોકે તેણે દેશ વિરોધી સૂત્રો પોકાર્યાંનો ઈન્કાર કર્યો હતો. કન્હૈયા કુમારે દિલ્હી પોલીસ સમક્ષ જે ખુલાસા કર્યા છે તે નીચે મુજબ છેઃ

(૧) જેએનયુ વિદ્યાર્થી સંઘના પ્રમુખ હોવાના નાતે મને ૮ ફેબ્રુઆરીના રોજ જાણકારી મળી હતી કે ૯ ફેબ્રુઆરીએ દિલ્હી ડેમોક્રેટિક સ્ટુડન્ટ યુનિયન (ડીએસયુ) દ્વારા એક સાંસ્કૃતિક ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે.
(૨) કાર્યક્રમના એક િદવસ પહેલાં મને કંઈ પણ ખબર ન હતી કે તેનો એજન્ડા શું છે.
(૩) ૮ ફેબ્રુઆરીએ મારી તબિયત ખરાબ હતી અને ૯ ફેબ્રુઆરીના રોજ હું મોટે ભાગે સૂતો રહ્યો હતો.
(૪) ૯ ફેબ્રુઆરીની સાંજે જ્યારે હું ઊંઘમાંથી ઊઠ્યો ત્યારે એઆઈએસએફના સભ્ય મારી પાસે આવ્યા હતા અને જણાવ્યું હતું કે જેએનયુ વહીવટીતંત્રએ કલ્ચરલ ઈવેન્ટ માટે આપેલી મંજૂરી રદ કરી દીધી છે.
(૫) મારા સાથીઓએ જણાવ્યું હતું કે ઈવેન્ટના સ્થળે ડીએસયુ અને એબીવીપી કાર્યકરો વચ્ચે ઝપાઝપી શરૂ થઈ ગઈ છે.
(૬) સાંજે ૫.૩૦ વાગ્યે જ્યારે હું સાબરમતી ધાબા પર પહોંચ્યો ત્યારે ત્યાં ડીએસયુનો કાર્યક્રમ થનાર હતો.
(૭) જ્યારે હું ત્યાં પહોંચ્યો ત્યારે પહેલેથી જ સૂત્રોચ્ચાર ચાલુ હતો અને વાતાવરણમાં ઉશ્કેરાટ હતો.
(૮) જેએનયુ વિદ્યાર્થી સંઘના પ્રમુખ હોવાના નાતે મેં માઈક લઈ લીધું હતું અને તમામને શાંત રહેવા અપીલ કરી હતી.
(૯) મેં મારા ભાષણમાં આરએસએસ, મોદી સરકાર અને તેની નીતિઓનો વિરોધ કર્યો હતો.
(૧૦) મેં કોઈ પણ રીતે દેશ વિરોધી સૂત્રો પોકાર્યાં ન હતાં.
(૧૧) દેશ વિરોધી સૂત્રો પોકારનારા મોટા ભાગના લોકો જેએનયુના વિદ્યાર્થી ન હતા, પરંતુ બહારથી આવેલા હતા.
(૧૨) જે વીડિયોમાં મને લોકોને આઈકાર્ડ બતાવવાનું કહેતો દર્શાવ્યો છે તે વીડિયો ૯ ફેબ્રુઆરીનો નથી, પરંતુ જૂનો છે.

You might also like