યુજીસી દ્વારા JNU, BHU સહિત ૬૨ સંસ્થાને અપાયેલી સ્વાયત્તતા

નવી દિલ્હી, બુધવાર
કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ પ્રધાન પ્રકાશ જાવડેકરે જાહેરાત કરતાં જણાવ્યું હતું કે યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશને જેએનયુ, બીએચયુ સહિત ૬૨ સંસ્થાને સ્વાયત્તતા આપી દીધી છે. જેમાં અલીગઢ યુનિ., હૈદરાબાદ યુનિ. ઉપરાંત પાંચ સેન્ટ્રલ અને રાજ્ય સ્તરની ૨૧ યુનિવર્સિટી સામેલ છે.

ગઈ કાલે મળેલી યુજીસીની મિટિંગમાં આ અંગે નિર્ણય લેવામાં આવ્યો હતો. આ મિટિંગમાં ૨૬ ખાનગી સંસ્થા અને ૧૦ કોલેજને પણ સ્વાયત્તતા આપવા જાહેરાત કરવામાં આવી હતી. જાવડેકરે આ નિર્ણયને ઐતિહાસિક ગણાવતાં જણાવ્યું હતું કે હવે આવી સંસ્થાઓને તેમની રીતે અભ્યાસક્રમ નકકી કરવાની સત્તા મળશે.

યુનિવર્સિટીઓને કેવી સત્તા મળી?
કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ પ્રધાને જણાવ્યું હતું કે હવે આ નિર્ણયથી પ્રવેશ પ્રકિયાથી લઈને ફી અંગે પણ જે તે યુનિ. નિર્ણય લઈ શકશે. તેમજ હવે નાના નાના કોર્સ માટે યુજીસીની મંજૂરી લેવી નહિ પડે. આ સિવાય આવી સંસ્થાઓને કેમ્પસ સેન્ટર શરૂ કરવાની મંજૂરી આપવામાં આ‍વી છે.

આવી સ્વાયત્તતા મળ્યા બાદ ૬૨ સંસ્થા રિસર્ચ પાર્ક શરૂ કરવા ઉપરાંત વિદ્યાર્થીઓને ભણાવવા વિદેશથી પ્રોફેસર લાવી શકશે. તેમજ સારી ફેકલ્ટી રાખવા માટે આ સંસ્થાઓ સાતમા પગાર પંચથી પણ વધુ ઈન્સેટિવ આપી શકશે. તેમજ તેમને વિશ્વની સારી અને ઉચ્ચ કક્ષાની યુનિ. સાથે કરાર કરવાની છૂટ મળી શકે તેમ છે. સાથોસાથ આ સંસ્થા અને યુનિ. ઓપન ડિસ્ટન્સ લર્નિંગ ઉપરાંત ઓનલાઈન કોર્સ પણ શરૂ કરવાની છૂટ મળશે.

You might also like