જીવરાજપાર્ક બ્રિજ પર બેફામ કારે યોગ કરવા જતા એક્ટિવાચાલકનો ભોગ લીધો

અમદાવાદ: શહેરમાં વહેલી સવારે બેફામ ગતિએ વાહન ચલાવી અકસ્માતના બનાવોનો સિલસિલો યથાવત્ છે. સરખેજ ગાંધીનગર હાઇવે અને અન્ય વિસ્તારોમાં બેફામ ગતિએ વાહન ચલાવી અસ્કમાત સર્જાય છે તેમાં લોકો મોતને ભેટે છે. શહેરના જીવરાજબ્રિજ પર આજે વહેલી સવારે કારચાલકે બેફામ સ્પીડે કાર ચલાવી આગળ જતી એક કારને ટક્કર મારી હતી અને કાર ચાલકે કાબૂ ગુમાવતાં કાર ડિવાઇડરને અથડાઇ સામેના રોડ પરથી આવતા એક્ટિવાને અથડાઇ પલટી ગઇ હતી. અકસ્માતે એક્ટિવાચાલકને ગંભીર ઇજા થતાં તેનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. કારચાલક અને તેની સાથેની યુવતીને સામાન્ય ઇજા થઇ હતી. આનંદનગર પોલીસે કારચાલક ગાંધીધામનાં યુવકની અટકાયત કરી છે.

મળતી માહિતી મુજબ થલતેજના શિવ ગણેશ પાર્ક વિભાગ-૧માં અર્પણ કનુભાઇ પટેલ પોતાના પરિવાર સાથે રહે છે. બાવળા APMC માર્કેટમાં અનાજની હોલસેલની દુકાન ધરાવે છે. આજે વહેલી સવારે તેઓને કઠલાલ જવાનું હોવાથી તેેઓ પોતાની કાર લઇ જીવરાજબ્રિજ પરથી પસાર થઇ રહ્યા હતા ત્યારે પાછળથી પૂરપાટ ઝડપે એક સ્વિફટ કાર આવી હતી.

કારચાલકે અર્પણભાઇની કારને પાછળથી જોરદાર ટક્કર મારી હતી. ટક્કર માર્યા બાદ કારચાલકે તેની કાર પરથી કાબૂ ગુમાવતાં કાર ડિવાઇડર તોડી સામેના ભાગેથી આવતા એક્ટિવાને ટક્કર મારી પલટી ખાઇ ગઇ હતી. અકસ્માત બનતાં લોકોનાં ટોળાં ભેગાં થઇ ગયાં હતાં. અર્પણભાઇ પણ પોતાની કાર ઊભી રાખી ત્યાં દોડી ગયા હતા.

લોકોએ કારમાં બેઠેલાં યુવક અને યુવતીને બહાર કાઢ્યાં હતાં. એક્ટિવા ચાલકને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચતાં તેનું મોત નીપજ્યું હતું. એક્ટિવા ચાલકની તપાસ કરતાં મૃતકનું નામ શૈલેશભાઇ જયેન્દ્રભાઇ દેસાઇ (ઉ.વ. પ૪, રહે.મોનાપાર્ક સોસાયટી, વસ્ત્રાપુર સ્ટેશન રોડ, વેજલપુર) હોવાનું જાણવા મળ્યું હતું. આ અંગે પોલીસ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી. મૃતક શૈલેશભાઇ દરરોજ નિત્યક્રમ મુજબ એક્ટિવા લઇ યોગ કરવા નીકળ્યા હતા અને આજે વહેલી સવારે પ.૪૦ વાગ્યે આ અકસ્માત બન્યો હતો. કારચાલક અને યુવતીને પણ સામાન્ય ઇજા થઇ હતી. કારચાલકનું નામ નીરજ કમલેશભઇ, ટહેલવાણી (ઉ.વ.૧૮, રહે.લીલાછાનગર, ગાંધીધામ, કચ્છ) હોવાનું જાણવા મળ્યું હતું.આનંદનગર પોલીસે કારચાલક નીરજની અટકાયત કરી છે.

ઉલ્લેખનીય છે કે શહેરમાં રોજબરોજ અકસ્માતની સંખ્યા વધી છે. કારચાલકો વહેલી સવારે બેફામ ગતિએ અને લોકોની જિદંગી જોખમાય તે રીતે વાહન ચલાવી અકસ્માત સર્જતા હોય છે. આવા વાહનચાલકો સામે ટ્રાફિક પોલીસ કાર્યવાહી કરે તે જરૂરી છે.
http://sambhaavnews.com/

You might also like