જીવરાજપાર્કથી વસ્ત્રાપુર રેલવે ક્રોસિંગ સુધીના રસ્તાને ર.પ૯ કરોડના ખર્ચે વિકસિત કરાશે

અમદાવાદ: વાસણા એપીએમસી માર્કેટથી મોટેરા સુધીના મેટ્રો રેલ પ્રોજેક્ટ હેઠળની કામગીરીના ધમધમાટ વચ્ચે મ્યુનિ. સત્તાવાળાઓએ ટ્રાફિક ડાઇવર્ઝનની દિશામાં પણ ગંભીરતાથી વિચારણા શરૂ કરી છે. મેટ્રો રેલ પ્રોજેક્ટના સંદર્ભમાં ટ્રાફિક ડ્રાઇવર્ઝનને ધ્યાનમાં રાખીને નવા પશ્ચિમ ઝોનના જીવરાજપાર્ક ચાર રસ્તાથી વેજલપુર વોર્ડ ઓફિસ થઇ વસ્ત્રાપુર રેલવે ક્રોસિંગ સુધીના રસ્તાને રૂ.ર.પ૯ કરોડના ખર્ચ વિકસિત કરાશે.

આજે સાંજે મળનારી રોડ અને બિલ્ડિંગ કમિટીની બેઠકમાં મ્યુનિ. તંત્ર દ્વારા આશરે રૂ.૬૦થી ૬પ કરોડના વિભિન્ન રોડના રિસરફેસિંગના ટેન્ડર તેમજ અંદાજનાં કામ મુકાયાં છે. નવી ફૂટપાથ માટે થલતેજ વોર્ડમાં રૂ.૪૦.૬૮ લાખ અને ઘાટલોડિયા વોર્ડમાં રૂ.૩૯.૯૪ લાખનો અંદાજ મંજૂરી માટે મુકાયો છે.
ટ્રાફિક સુવિધાને લગતા થર્મોપ્લાસ્ટિક પેઇન્ટ, કેટ આઇ, ટ્રાફિક સાઇન બોર્ડ માટે પશ્ચિમ અને મધ્ય ઝોનમાં રૂ.૯૦.૪૪ લાખ, નવા પશ્ચિમ ઝોનમાં રૂ.૯૯.૬૦ લાખ, દ‌િક્ષણ અને પૂર્વ ઝોનમાં રૂ.૮પ.૦૧ લાખ, ઉત્તર ઝોનમાં રૂ.૪૮.ર૭ લાખનો અંદાજ તૈયાર કરાયો છે.

ઘાટલોડિયા વોર્ડમાં એક જ સ્થળે વાંચનાલય, ગ્રંથાલય અને ફિઝિયોથેરાપી સેન્ટર તૈયાર કરવા રૂ.૧.૩૭ કરોડનો અંદાજ, સ્ટેડિયમ વોર્ડમાં કેશવનગર ડ્રેનેજ પંપીંગ સ્ટેશનની સામેના કોમન પ્લોટમાં સિનિયર સિટીઝન પાર્ક બનાવવા રૂ.૧૭.૬૭ લાખનું ટેન્ડર, સાબરમતીમાં નવા સ્વમિંગપૂલ માટે રૂ.ર.૯૯ કરોડનું ટેન્ડર તેમજ જોધપુર વોર્ડમાં નવી વોર્ડ ઓફિસ માટે રૂ.ર.૦૦ કરોડનું ટેન્ડર જેવા વિભિન્ન ટેન્ડર વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટ હેઠળ રોડ-બિલ્ડિંગ કમિટી સમક્ષ મુકાયા છે.

ગત કમિટીમાં બાબુ જગજીવનરામ રેલવે ઓવરબ્રિજ અને બાબાસાહેબ આંબેડકર રેલવે ઓવરબ્રિજના રિપેરિંગની દિશામાં ચક્રો ગતિમાન કરાયાં હતાં. આ કમિટીમાં વધુ એક જર્જરિત સારંગપુર રેલવે ઓવરબ્રિજના રિપેરિંગની કવાયત હાથ ધરાશે. સારંગપુર રેલવે ઓવરબ્રિજના રિપેરિંગ માટે તંત્ર દ્વારા રૂ.૬.પર કરોડનો અંદાજ તૈયાર કરાયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે મ્યુનિ. સત્તાવાળાઓએ કસાડ કન્સલ્ટન્ટને આ ત્રણેય બ્રિજ ઉપરાંત ખોખરા રેલવે અોવરબ્રિજના નવીનીકરણનો અંદાજ તૈયાર કરવાની કામગીરી સોંપી છે.

You might also like