કોંગ્રેસ 2022માં પણ વિપક્ષમાં બેસવાની તૈયારી કરી લેઃ જીતુ વાઘાણી

ગુજરાતઃ વિધાનસભા ગૃહમાં આજે ભાજપ અને કોંગ્રેસનાં ધારાસભ્યો વચ્ચે મારામારીનાં દ્રશ્યો સર્જાતા કોંગ્રેસનાં ત્રણ ધારાસભ્યોને સસ્પેન્ડ કરી દેવાયાં. બાદમાં આ સમગ્ર મામલે જીતુ વાઘાણીએ પોતાની પ્રતિક્રિયા આપતાં જણાવ્યું કે,”વિધાનસભાનો આ કાળો દિવસ છે. આજનો આ કાળો દિવસ કોંગ્રેસનાં નામે રહ્યો છે.

લોકો કેટલીય આશા-અપેક્ષાઓથી જીતાડીને ધારાસભ્યોને આટલે સુધી મોકલે છે. વિધાનસભામાં મહત્વની ચર્ચા પર કોંગ્રેસ હોબાળો કરે છે. મીડિયાનાં માધ્યમથી મેં પણ તમામ હોબાળાનાં દ્રશ્યો જોયાં. કોંગ્રેસે વિધાનસભાનાં અધ્યક્ષનું અપમાન કર્યુ છે.

સમગ્ર મામલે કોંગ્રેસ જ દોષિ ઠરી છે. કોંગ્રેસ પોતાનાં ધારાસભ્યોને મર્યાદામાં રાખે. ધારાસભ્યો ગૃહમાં ગેરવર્તણૂંક ના કરે. અમે પણ કોંગ્રેસનો સામનો કરવા માટે તૈયાર છીએ. અમારા એક પણ ધારાસભ્યો અપશબ્દો બોલ્યા નથી.

કોનાં કેવા સંસ્કારો છે તે આજે જનતાએ જોઇ લીધું. કોંગ્રેસ 2022માં પણ વિપક્ષમાં બેસવાની તૈયારી કરી લે. રાજ્યની સમજાદાર જનતાનો હું આભાર માનું છું.આવા તત્વોને જનતાએ સત્તા ના આપી તે બદલ આભારી છું. કોંગ્રેસ સકારાત્મક રાજનીતિ કરે તેવી અમને આશા છે.

ઉલ્લેખનીય છે કે ગુજરાતની ગરીમા ગણાતાં એવા વિધાનસભા ગૃહમાં આજે ધારાસભ્યોએ મારામારી કરી હતી. કોંગ્રેસ અને ભાજપનાં ધારાસભ્યો વચ્ચે મારામારી થઇ હતી. વિધાનસભા ગૃહમાં વિક્રમ માડમને બોલવા ન દેતા આ સમગ્ર મામલો બિચકાયો હતો.

ગુજરાત વિધાનસભામાં થયેલી ઘટનાથી આજે ગુજરાતની અસ્મિતાનું રીતસરનું ચીરહરણ થયું છે. ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ડખો સર્જાતા ગૃહમાં ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતાં. નિકોલનાં ધારાસભ્ય જગદીશ પંચાલ પર કોંગ્રેસનાં ધારાસભ્ય પ્રતાપ દુધાતે બેલ્ટ અને માઈક વડે હુમલો કર્યો હતો.

જેથી આ મામલે કોંગ્રેસનાં 3 ધારાસભ્યોને સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે. કોંગ્રેસનાં ધારાસભ્ય પ્રતાપ દુધાતને 3 વર્ષ માટે સસ્પેન્ડ કરાયાં અને અમરીશ ડેરને પણ 3 વર્ષ માટે સસ્પેન્ડ કરાયાં તેમજ 1 વર્ષ માટે બળદેવજી ઠાકોરને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે. વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ આ ત્રણેય ધારાસભ્યોને સસ્પેન્ડ કર્યા છે.

You might also like