જીતુ થરાદને પકડવા ગયેલી પોલીસને રસેશની લોટરી પણ લાગી ગઈ!

અમદાવાદ: વર્ષ ર૦૧૬ના અંતે સાયબર ક્રાઇમ બ્રાંચની ટીમે ગત સાંજે પાલડી મહાલક્ષ્મી ચાર રસ્તા પાસે એક કોમ્પ્લેક્સમાં જીતુ થરાદ સટ્ટો રમાડી રહ્યાની બાતમીના આધારે દરોડો પાડી જીતુ થરાદ સહિત ૭ લોકોને ક્રિકેટ સટ્ટો રમાડતાં ઝડપી લીધા હતા. દરમ્યાનમાં રસેશ શાહ સટ્ટો લખાવવા આવતાં પોલીસે તેને ઝડપી લીધો હતો. પૂછપરછ કરતાં તે બાજુમાં શેરમાર્કેટની ઓફિસનું કામ કરતાે હોવાનું કહેતાં પોલીસે ઓફિસમાં તપાસ કરતાં શેરબજારના નામે ડબ્બા ટ્રે‌િંડંગ ચાલતું હોવાનો ભાંડો ફૂટ્યો હતો.

પોલીસે ર૦૦૦ના દરની નવી નોટોના રૂ.૧૦ લાખ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. સાયબર ક્રાઇમ બ્રાન્ચ એસીપી રાજદીપસિંહ ઝાલાને બાતમી મળી હતી કે મહાલક્ષ્મી પાંચ રસ્તા પાસે સ્વપ્નેય કોમ્પ્લેક્સમાં સટ્ટો રમાય છે, જેના આધારે એસીપી ઝાલા, પીએસઆઇ જે.પી. રોજિયાની ટીમે દરોડો પાડી કુખ્યાત બુકી જીતુ થરાદ સહિત સાત લોકોને ઓસ્ટ્રેલિયાની હોબાર્ટ અને બ્રિસ્બેન વચ્ચેની મેચ પર બીટ મેળવી સટ્ટો રમાડતા ઝડપ્યા હતા. આ કાર્યવાહી દરમ્યાન ડબ્બા ટ્રે‌ડિંગ કરતો રસેશ શાહ ત્યાં સટ્ટો લખાવવા આવતાં ઝડપાયો હતો.

પોલીસે તેની પૂછપરછ કરતાં તે બાજુમાં શેરબજારનું કામકાજ કરતો હોવાનું જણાવ્યું હતું, જોકે પોલીસે ઓફિસમાં તપાસ કરતાં નોટો ગણવાનું મશીન, ર૦૦૦ના દરની રૂ.દસ લાખની રોકડ, કાગળ પર કરોડોના વ્યવહાર મળી આવ્યા હતા. પોલીસને ક્રિકેટ સટ્ટાની સાથે ડબ્બા ટ્રેડિંગ પણ મળી આવતાં જીતુ થરાદ સહિત સાત સામે ક્રિકેટ સટ્ટાનો અને રસેશ સહિત ૧૧ સામે ડબ્બા ટ્રેડિંગનો ગુનો નોંધ્યો હતો.

પોલીસને બાતમી તો ક્રિકેટ સટ્ટાની મળી હતી, પરંતુ સટ્ટો લખાવવા રસેશ આવી જતાં ડબ્બા ટ્રેડિંગ પણ મળી આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે દિવાળીના સમયે જીતુ થરાદના મેનેજરનું અપહરણ કરી તેની પાસેથી રૂ.૧ કરોડની ખંડણી માગવામાં આવી હતી, જે બાબતે નાના સટ્ટોડિયાઓ ક્રાઇમ બ્રાંચમાં ફરિયાદ કરવા આવ્યા હતા. પોલીસે રૂ.૧૦ લાખની નવી નોટો કબજે કરતાં આ બાબતે પણ તપાસ શરૂ કરાઇ છે.
http://sambhaavnews.com/

You might also like