જિયો પોલિટિકલ ટેન્શનના પગલે સોનાના ભાવ વધુ સુધર્યા

અમદાવાદ: જિયો પોલિટિકલ ટેન્શનના પગલે સોનાના ભાવમાં ઉછાળો નોંધાયો હતો. વૈશ્વિક બજારમાં સોનાએ ૧૩૦૦ ડોલરની સપાટી ક્રોસ કરી દીધી હતી. જેના પગલે આજે સ્થાનિક બજારમાં સોનાના ભાવમાં ૨૦૦ રૂપિયાનો સુધારો નોંધાયો હતો. આજે શરૂઆતે સોનાનો ભાવ ઘરઆંગણે રૂ. ૩૧,૧૫૦ની સપાટીએ ખૂલ્યો હતો.

એ જ પ્રમાણે ચાંદીના ભાવમાં પણ રૂ. ૨૦૦નો ઉછાળો નોંધાઇ ૩૯,૭૦૦ની સપાટીએ ભાવ ખૂલ્યો હતો. બજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે ઉત્તર કોરિયા અને અમેરિકા વચ્ચે ઊભી થયેલી તંગદિલી બાદ પાછલા કેટલાય સમયથી સોનાના ભાવમાં સુધારાની ચાલ નોંધાતી જોવા મળી છે.

ઓગસ્ટ મહિનામાં સોનાના ભાવમાં રૂ. ૭૦૦નો ઉછાળો જોવાઇ ચૂક્યો છે, જ્યારે ચાંદીના ભાવમાં પ્રતિકિલોએ ૮૦૦ રૂપિયાનો ઉછાળો નોંધાયો છે. વૈશ્વિક બજારમાં જોવા મળી રહેલા અનિશ્ચિતતાભર્યા માહોલના કારણે ઇક્વિટી બજાર પ્રેશરમાં જોવા મળ્યું હતું તો બીજી બાજુ સ્થાનિક બજારમાં રૂપિયામાં જોવા મળી રહેલી નરમાઇની ચાલના પગલે સોના અને ચાંદીના ભાવમાં સુધારાની ચાલ જોવા મળી છે.

સ્થાનિક બુલિયન બજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે તહેવારોની સિઝન શરૂ થઇ રહી છે ત્યારે સોના-ચાંદીની માગ ધીમી અને મજબૂત ગતિએ વધી રહી છે, જે ભાવને સપોર્ટ કરી રહી છે.

You might also like