જિઓનો રેકોર્ડઃ ગ્રાહકોની સંખ્યા ૧૩ કરોડને વટાવી ગઈઃ મૂકેશ અંબાણી

નવી દિલ્હી: મૂકેશ અંબાણીની ટેલિકોમ કંપની રિલાયન્સ જિઓએ પોતાના ઓપરેશનના એક જ વર્ષમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે રેકોર્ડ સ્થાપિત કર્યો છે. રિલાયન્સ જિઓના ગ્રાહકોની સંખ્યા ૧૩ કરોડને વટાવી ગઇ છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના સીએમડી મૂકેશ અંબાણીએ રિલાયન્સ જિઓના કર્મચારીઓને એક પત્ર લખીને આ જાણકારી આપી હતી.

મૂકેશ અંબાણીએ પત્રમાં લખ્યું છે કે છેલ્લા એક વર્ષમાં આપણે ભારતમાં અને વૈશ્વિક સ્તરે અનેક રેકોર્ડ બ્રેક કર્યા છે. મને સૌથી વ્યક્તિગત સંતોષની વાત એ છે કે ભારત મોડર્ન ટેક્નોલોજી અપનાવવા તૈયાર નથી એ માન્યતા હવે તૂટી ગઇ છે. રિલાયન્સ જિઓએ પોતાની ૪-જી મોબાઇલ સેવાઓની કોમર્શિયલ શરૂઆત પ સપ્ટેમ્બર, ર૦૧૬ના રોજ કરી હતી.

કંપનીએ શરૂઆતના ૯૦ દિવસ માટે ગ્રાહકોને વોઇસ અને ડેટા સર્વિસ વિનામૂલ્યે ઓફર કરી હતી. જિઓનું ઓપરેશન શરૂ થયાના થોડા મહિનામાં જ ભારતીય ટેલિકોમ સેક્ટરમાં ગ્રાહકોની સંખ્યામાં જબરદસ્ત વધારો થયો હતો.

ઓક્ટોબરમાં ભારતીય ટેલિકોમ ગ્રાહકોની સંખ્યા ૧.૧ અબજ થઇ ગઇ હતી. આ દરમિયાન ર.૯ કરોડ નવા ગ્રાહકો જોડાયા હતા, જેમાંથી જિઓના ગ્રાહકોની સંખ્યા ૧.૯૬ કરોડ હતી. એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા પ્રમાણે જિઓની એક વર્ષની સેવામાં મોબાઇલ ડેટાનો વપરાશ ર૦ કરોડ જીબી પ્રતિમાસથી વધીને ૧પ૦ કરોડ જીબી ડેટા પ્રતિમાસ થયો હતો, તેમાંથી ૧રપ કરોડ જીબી ડેટાનો ઉપયોગ માત્ર જિઓના ગ્રાહકો કરી રહ્યા હતા.

You might also like