રિલાયન્સ જિયોએ તાજેતરમાં જ પોતાના ગ્રાહકો માટે પ્રાઇમ મેમ્બરશિપ 1 વર્ષ વધારી અને બીજી તરફ IPL માટે એક ખાસ પ્લાન લોન્ચ કર્યો છે. જી હા, રિલાયન્સ જિયોએ 251 રૂપિયાનો પ્લાન લોન્ચ કર્યો છે, આ પ્લાન હેઠળ યૂઝર્સને 102GB ડેટા મળશે અને જેની વેલિડિટી 51 દિવસો માટેની હશે. આ પ્લાન માટે જિયોની વેબસાઇટ અને MyJio એપથી રિચાર્જ કરાવી શકાશે. આ પ્લાનમાં યુઝર્સ 51 દિવસ સુધી ચાલનારી IPL મેચોનું મોબાઈલમાં લાઈવ સ્ટ્રિમિંગ જોઈ શકશે. MyJio app પર IPLનો લાઈવ શો પણ થશે, જેના માટે Jioએ કોમેડિયન સુનીલ ગ્રોવર સાથે કોન્ટ્રાક્ટ કર્યો છે.
જિયોએ ક્રિકેટ પ્લ અલોન્ગ કરીને એક મોબાઇલ ક્રિકેટ ગેમ પણ લોન્ચ કરી છે. જિયો ક્રિકેટ પ્લે અલોન્ગ ભારતના તમામ સ્માર્ટફોન યૂઝર્સ રમી શકશે. આ ગેમને 11 ભારતીય ભાષાઓમાં રમી શકાશે. 7 અઠવાડિયામાં 60 મેચ હશે અને મેચ દરમિયાન જિયો રિયલ ટાઇમ વાતચીતની મદદથી યૂઝર્સને અનુભવ પર શૅર કરશે.
કંપનીએ જણાવ્યું કે, ગેમમાં જીતનારા સ્પર્ધકોને મુંબઈમાં મકાન તથા 25 કાર મળશે. આ સિવાય કરોડો રોકડા રૂપિયા જીતવાની તક પણ રાખવામાં આવી છે, જે આ ઓફર સાથે જોડાયેલી છે. કંપનીનો ક્રિકેટ કોમેડી શો ‘જિયો ધન ધના ધન લાઈવ’ My Jio એપ પર જ જોવા મળશે.
ઉલ્લેખનીય છે કે, BSNLએ પણ IPL માટે સ્પેશિયલ પ્લાન લોન્ચ કર્યો છે. કંપનીના આ પ્લાનની કિંમત 248 રૂપિયા છે. આ પ્લાન હેઠળ 248 રૂપિયામાં 153GB ડેટા મળશે અને જેની વેલિડિટી 51 દિવસ સુધીની રહેશે. આ પ્લાનમાં દરરોજ 3GB ડેટા મળશે, જોકે આ IPL સ્પેશિયલ પ્લાન છે તો આ પ્લાનમાં કોઇ પણ પ્રકારની કૉલિંગ સુવિધા મળશે નહીં.