જિમ કાર્બેટ નેશનલ પાર્કની લો અવશ્ય મુલાકાત, જે અહેસાસ કરાવશે ગાઢ જંગલનો

એક એવી જગ્યા કે જેને જોઇને તુરંત જ તમને જંગલમાં હોવાનો અહેસાસ થઇ જશે. સામાન્ય રીતે પણે શહેરનાં વિવિધ અવાજો જેવાં કે શહેરની ભાગ-દોડભરી જીંદગી, લાઉડ-સ્પીકરો તેમજ ટ્રક-બાઇક અને મોટરકારનાં અવાજોથી આપનું મન હંમેશાં વ્યસ્ત હોય છે તેમજ જીંદગીનાં વિવિધ કંકાસોથી આપ ઘણી ઉદાસીનતા અનુભવતા હોવ છો.

પરંતુ આજે તમને એક એવી જગ્યા વિશેની વાત કરીશું કે જ્યાં જઇને આપને મનની શાંતિનો અહેસાસ થશે. તેમજ આ જંગલનું શાંત વાતાવરણ તમારા મનમાં એક અલગ જ પ્રકારની શાંતિ તેમજ આનંદનો અહેસાસ કરાવશે.

એક એવું સ્થળ કે જે તમને શહેરની ભાગ-દોડભરી જીંદગી, લાઉડ સ્પીકરો તેમજ ટ્રક મોટરકારનાં અવાજો, રેલ્વેનાં ઘોંઘાટભર્યા હોર્ન તેમજ લોકોનાં ઘોંઘાટ અને શોર-બકોર વગેરેમાંથી કેટલાંક દિવસો માટે છુટકારો અપાવશે.

આ જગ્યા તમને જંગલનાં વાતાવરણનો અહેસાસ કરાવશે. જ્યાં વાઘની ગર્જના, હાથીઓની ચિંઘાડ, વાંદરાઓની ચિચીયારીઓ અને અલગ-અલગ જુદાં-જુદાં પક્ષીઓનાં સુમધુર કંઠપ્રિય અવાજોથી તમને એક અલગ જ પ્રકારનાં પ્રાકૃતિક વાતાવરણનો અનુભવ કરાવશે.
જે લોકો એક વાર અહીં જાય છે તેનો આ પ્રવાસ તેમનાં માટે હંમેશાને માટે તેમની જિંદગીનું એક સંભારણું બની જાય છે.

અમે અહીં તમારી સમક્ષ વાત કરીએ છીએ એશિયાનાં સૌથી મોટા અને વિશ્ર્વનાં ત્રીજા નંબરનાં નેશનલ પાર્ક ‘જિમ કાર્બેટ પાર્ક’ની. તો આજે અમે તમને અહીં એક લટાર મરાવીશું. જિમ કાર્બેટ કે જે એક ભવ્યશાળી પ્રાણી અભયારણ્ય છે. ઉત્તરાખંડ રાજ્યની રામગંગા નદીની પાટલીદૂન ઘાટીમાં ફેલાયેલ 1288.31 ચો.કિ.મી.નાં આ અભ્યારણ્યમાં હાથી, વાઘ, ભૂંડ, હરણ, સાંભર, નીલગાય, ચિત્તા જેવાં વગેરે પશુઓ અહીં બિલકુલ મુક્ત રીતે ફરતા જોવાં મળશે.

તેમજ અહીં તમારો સામનો વિવિધ જાતિનાં સાપ અને અજગરોથી પણ થશે. આ સિવાય અહીંનાં વિવિધ જાતિનાં પક્ષીઓનો મધુર કલરવ પણ દરેક પ્રવાસીઓને એક અલગ જ રોમાંચની પરાકાષ્ઠાનો અનુભવ કરાવે છે. જિમ કાર્બેટ ભારતનું એક માત્ર એવું અભ્યારણ્ય છે કે જેમાં વન્ય પ્રાણીઓની સાથે-સાથે વિવિધ પક્ષીઓએ પણ આને પોતાનું ઘર માની લીધું છે.

ઈ. સ. 1935 સુધી રામગંગા નદીની ખીણમાં પથરાયેલ આ વિશાળ લીલોતરી ધરાવતો પ્રદેશ તેની આજુબાજુનાં રજવાડાંઓનાં શિકાર માટેનું એક મુખ્ય કેન્દ્ર હતું, પરંતુ પશુઓની આડેધડ કતલ થતી રોકવા માટે ઇ.સ. 1935માં અંગ્રેજોએ આ વિસ્તારમાં શિકાર પર સંપૂર્ણ રીતે પ્રતિબંધ લગાવી દીધો હતો.

એ સમયમાં અહીંનાં ગવર્નર માલકમ હેલી કહેવાત જેથી તેમનાં નામને લઇ આ પાર્કનું નામ “હેલી નેશનલ પાર્ક” રાખવામાં આવ્યું હતું. પરંતુ 1947માં ભારતને સ્વતંત્રતા મળવાની સાથે દેશનાં જાહેર માર્ગ, પાર્ક અને ઇમારતો વગેરેનાં નવા નામાંકરણની માંગ ઊઠતાં આ પાર્કનું નામ પછી‘રામગંગા’નદીનાં નામ પરથી ‘રામગંગા નેશનલ પાર્ક’કરી દેવાયું.

પરંતુ ઇ.સ. 1957માં ભારત સરકારે ફરી એક વાર આ પાર્કનું નામ બદલીને એક સમયનાં અહીંનાં મશહૂર શિકારી “જિમ કાર્બેટ”નાં નામ પરથી આ પાર્કનું નામ‘જિમ કાર્બેટ પાર્ક’કરી દેવામાં આવ્યું.

જિમ કાર્બેટનું પૂર્ણ નામ “જેમ્સ એડવર્ડ કાર્બેટ” હતું. જિમ કાર્બેટ કે જેઓ એક ખતરનાક શિકારી હોવાંની સાથે-સાથે ખૂબ જ પ્રતિભાશાળી લેખક પણ હતાં. વિશ્ર્વભરનાં શિકાર કથાકારોમાં જિમ કાર્બેટનું નામ ઊંચે ટોચ પર હતું. ભારત સરકારે ઇ.સ. 1957માં જિમ કાર્બેટ પાર્કનું નામ ‘રામગંગા નેશનલ પાર્ક’માંથી બદલીને પછીથી “જિમ કાર્બેટ”ને ન માત્ર ભારતમાં જ પરંતુ સમગ્ર વિશ્વમાં હંમેશને માટે અમર બનાવી દીધું.

You might also like