જિલ્લા પંચાયત હસ્તકની ૧૧૩ શાળા લેવા મ્યુનિ. સ્કૂલ બોર્ડનો ધરાર ઈનકાર

અમદાવાદ: ગયા વાસી ઉત્તરાયણના દિવસે રવિવાર હોવા છતાં ગુણોત્સવના કારણે અમદાવાદ જિલ્લા પંચાયત હસ્તકની તમામ શાળાઓ ચાલુ રખાયાનો વિવાદ હજુ શમ્યો નથી ત્યાં કોર્પોરેશનના હદ વિસ્તારમાં આવેલી જિલ્લા પંચાયત સંચાલિત ૧૧૩ શાળાઓ લેવા માટે મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના શાસકોએ ધરાર ઇન્કાર કરીને જૂના જખમને ફરીથી તાજો કર્યો છે.

હાલના મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડની ૪પપ શાળાઓમાં ગુજરાતી, મરાઠી, ઉર્દૂ, અંગ્રેજી સહિતના છ માધ્યમમાં કુલ ૧,૩૧,૪ર૩ વિદ્યાર્થીઓને ૩૬ર૦ શિક્ષકો દ્વારા શિક્ષણ અપાય છે. ચાલુ નાણાકીય વર્ષ ર૦૧૬-૧૭ માટે રૂ.પ૮૧.૪પ કરોડનુંં બજેટ રજૂ કરનાર તંત્રે આગામી નાણાકીય વર્ષ ર૦૧૭-૧૮ માટે રૂ.૬૪૬ કરોડનું જમ્બો ડ્રાફટ બજેટ મૂકીને સાૈને ચોંકાવી દીધા છે.

સ્કૂલ બોર્ડના સત્તાવાળાઓએ રાબેતા મુજબ સ્માર્ટ લર્નિંગ, ઇ-કોન્ટેન્ટ, સ્માર્ટ સ્કૂલ, ગ્રીન સ્કૂલ વગેરેના ઢોલ વગાડયા છે, પરંતુ છેલ્લા સાત-આઠ વર્ષથી કોર્પોરેશનના હદ વિસ્તારમાં ભેળવાયેલા વેજલપુર સહિતના વિસ્તારોની જિલ્લા પંચાયતની સરકારી શાળાઓે તરફ એક નજર સુધ્ધાં નાખવાની દરકાર રાખી નથી. અત્યારે આવી ૧૧૩ શાળામાં ર૦,૦૦૦ જેટલા વિદ્યાર્થીઓ ભણે છે. સત્તાવાળાઓ કહે છે કે, “જિલ્લા પંચાયતની કોર્પોરેશન હદ વિસ્તારની કુલ ૧૧૩ શાળાઓ છે. જેના આશરે ર,૦૦૦ શિક્ષકોનો પગાર ખર્ચ જ વાર્ષિક રૂ.૬ કરોડ થાય છે. જો રાજ્ય સરકાર અને કોર્પોરેશન વધારાની ગ્રાન્ટ આપે તો જ આ શાળાઓનો વહીવટ સ્કૂલ બોર્ડ કરશે. અત્યારે તો નાણાંનો અભાવ છે.”
http://sambhaavnews.com/

You might also like