પ્રતિબંધની ઐસી કી તૈસીઃ ‘હુંકાર રેલી’ યોજવા મેવાણી મક્કમ

નવી દિલ્હી: પાટનગર નવી દિલ્હીમાં ગુજરાતના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીની આજે આયોજિત હુંકાર રેલી પહેલા વિવાદ છેડાયો છે. મોદી સરકાર વિરુદ્ધ આયોજિત આ રેલી પહેલાં જ તેને મંજૂરી આપવાના મામલે રેલી આયોજિત કરી રહેલા સંગઠન અને પોલીસ આમને સામને આવી ગયા છે.

પોલીસે મંજૂરી નહીં આપી હોવા છતાં જિજ્ઞેશ મેવાણી અને તેના સમર્થકો રેલી યોજવા મક્કમ છે. સાથે જ પશ્ચિમી ઉત્તર પ્રદેશની ભીમ આર્મી પણ જંતરમંતર ખાતે આયોજિત આ રેલીમાં જોડાઈ શકે છે. ભીમ આર્મીના કેટલાય સભ્યો ચંદ્રશેખર આઝાદના સમર્થનમાં ત્યાં પહોંચી ગયા છે.

આ સંદર્ભમાં નવી દિલ્હીના ડીસીપી તરફથી સોમવારે મોડી રાત્રે એક ટ્વિટ કરવામાં આવ્યું હતું. ટ્વિટમાં લખ્યું હતું કે એનજીટીના આદેશને ધ્યાનમાં રાખીને હજુ સુધી પાર્લામેન્ટ સ્ટ્રીટ પર સૂચિત રેલીને દિલ્હી પોલીસ તરફથી મંજૂરી આપવામાં આવી નથી. ડીસીપીના આ ટ્વિટમાં એવું પણ જણાવાયું છે કે રેલીના આયોજકોને કોઈ બીજા સ્થળે જવાની સલાહ આપવામાં આવી છે, પરંતુ તેઓ ત્યાં જવા તૈયાર નથી.

નવી દિલ્હીના ડીસીપીના આ ટ્વિટ બાદ હુંકાર રેલીનું આયોજન કરી રહેલ ડાબેરી સંગઠનો પણ તેના વિરોધમાં ઊતરી આવ્યા છે. જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી (જેએનયુ)ના વિદ્યાર્થી સંઘની પૂર્વ ઉપાધ્યક્ષ અને ડાબેરી વિદ્યાર્થિની નેતા શહલા રાશીદે ટ્વિટર પર પોતાના ઈરાદા જાહેર કરી દીધા છે. ડીસીપીના ટ્વિટને રિટ્વિટ કરતા શહલા રાશીદે લખ્યું છે કે ‘ડીસીપી સર, રેલી તો ત્યાં જ કરીશું.’

પોલીસની દલીલનો જાણીતા એડવોકેટ પ્રશાંત ભૂષણે પણ વિરોધ કર્યો છે. તેમણે વળતી દલીલ કરતાં જણાવ્યું હતું કે એનજીટીનો આદેશ જંતરમંતર માટે છે, પાર્લામેન્ટ સ્ટ્રીટ માટે નથી. તેમણે જણાવ્યું હતું કે જો પોલીસ રેલીને અટકાવશે તો તે કાર્યવાહી બિનલોકતંત્રિક અને મૂળભૂત અધિકારોના ઉલ્લંઘન સમાન રહેશે.

અત્રે ઉલ્લેખનીય છે કે જિજ્ઞેશ મેવાણી આ રેલીની પહેલેથી જ જાહેરાત કરી ચૂક્યા છે. તેમણે દિલ્હી પોલીસથી આ સંદર્ભમાં મંજૂરી પણ માગી છે. સોમવારે પોલીસે જણાવ્યું હતું કે રેલી માટેની અપીલ વિચારણા હેઠળ છે અને ત્યાર બાદ મોડી રાત્રે ટ્વિટ કરીને સ્પષ્ટતા કરી હતી કે પરમિશન આપવામાં આવશે નહીં.

એનજીટીએ ગઈ સાલ ૫ ઓક્ટોમ્બરના રોજ અધિકારીઓના જંતરમંતર રોડ પર ધરણાં, દેખાવો, લોકોનો મેળાવડો, ભાષણ આપવા અને લાઉડસ્પીકરના ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો છે. આ રેલી મોદી સરકારની નિષ્ફળ નીતિઓ અને મુસ્લિમો-દલિતો પર અત્યાચાર વિરુદ્ધ યોજવામાં આવી રહી છે.

સામાજિક ન્યાયના નામે સૂચિત રેલીને હુંકાર રેલી નામ આપવામાં આવ્યું છે. આ રેલી બપોરે ૧૨.૦૦ વાગ્યે સંસદ માર્ગથી શરૂ થશે. રેલીમાં ભાગ લેનાર તમામને ત્યાં બોલાવવામાં આવ્યા છે.

આ રેલીમાં ગુજરાતના ધારાસભ્ય અને દલિત નેતા જિજ્ઞેશ મેવાણી અને માનવ અધિકાર કાર્યકર અખિલ ગોગોઈ અને બેજવાડા વિલ્સન સહિત ઉમર ખાલિદ અને શહલા રાશીદ જેવા વિદ્યાર્થીઓ જોડાશે.

You might also like