બીજા તબક્કાના મતદાનમાં આજે યુવા ત્રિમૂર્તિની અસલી પરીક્ષા, કોણ રંગ રાખશે તે તો જોવું જ રહ્યું

આજે રાજ્યમાં બીજા તબક્કાનું મતદાન શરૂ થઈ ગયું છે. ભાજપ અને કોંગ્રેસના જોરદાર પ્રચાર બાદ હવે મતદાતાઓનો વારો છે. આજે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં વોટિંગ ચાલી રહ્યું છે. આજના મતદાનમાં કોંગ્રેસના સમર્થનની જાહેરાત કરનારા ત્રણેય ગુજરાતના યુવા નેતા હાર્દિક પટેલ, જિગ્નેશ મેવાણી અને અલ્પેશ ઠાકોરની અસલી પરિક્ષા થશે.

આ જિલ્લાઓમાં છે મતદાન
આજે મધ્ય ગુજરાતના અમદાવાદ, દાહોદ, ખેડા, આણંદ, પંચમહાલ, વડોદરા અને ઉત્તર ગુજરાતના ગાંધીનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા, છોટા ઉદેપુર અને પાટણ જિલ્લામાં મતદાન થઈ રહ્યા છે.

93 સીટો પર 851 ઉમેદવારો
આજે રાજ્યમાં 93 સીટો પર મતદાન થઈ રહ્યું છે. તેના માટે 25,558 મતદાન કેન્દ્રો ઉભા કરવામાં આવ્યા છે. આજે 851 ઉમેદવારો મેદાનમાં છે, જેમાં 782 પુરુષ ઉમેદવારો છે અને 69 ઉમેદવારો મહિલાઓ છે. આજના તબક્કામાં મહેસાણાથી નીતિન પટેલ, રાધનપુરથી અલ્પેશ ઠાકોર, વડગામથી જીગ્નેશ મેવાણી અને ડભોઈથી કોંગ્રેસના સિદ્ધાર્થ પટેલ લડી રહ્યા છે.

2012ના સમીકરણ
આજે મતદાન થનાર 93 સીટોમાંથી મધ્ય ગુજરાતમાં 40 સીટો અને ઉત્તર ગુજરાતની 53 સીટો છે. ગત વિધાનસભા ચૂંટણીમાં 2012માં મધ્ય ગુજરાતની 40 સીટોમાંથી 22 સીટો પર ભાજપ અને કોંગ્રેસને 18 સીટો પર જીત મળી હતી. ઉત્તર ગુજરાતની 53 સીટોમાંથી ભાજપને 32 અને કોંગ્રેસને 21 સીટો મળી હતી. જો કે આ વખતે ચૂંટણીમાં પાટીદાર આંદોલનના કારણે ભાજપને માર પડી શકે છે. ઉપરાંત જીએસટી અને નોટબંધીના કારણે પણ વ્યાપારીઓ ભાજપથી નારાજ જોવા મળી રહ્યા છે.

ભાજપનો ગઢ છે અમદાવાદ-વડોદરા
મધ્ય ગુજરાતમાં અમદાવાદ અને વડોદરા ભાજપનો મજબૂત ગઢ છે. આ બંને જિલ્લા શહેરી વિસ્તારમાં છે. ગત વિધાનસભાની ચૂંટણીમાં અમદાવાદની કુલ 21 સીટોમાંથી 17 ભાજપને મળી હતી અને કોંગ્રેસને માત્ર 4 સીટો મળી હતી. વડોદરાની 13 સીટોમાંથી ભાજપે 10 સીટો પર જીત મેળવી હતી અને કોંગ્રેસને 2 અને 1 સીટ અન્ય પક્ષના ખાતામાં ગઈ હતી.

યુવા ત્રિમૂર્તિની પરીક્ષા
આંદોલન બાદ રાજકારણમાં આવી ગયેલા ગુજરાતના યુવા ત્રણ નેતાઓની આજના તબક્કા બાદ અસલી પરીક્ષા થશે. કોંગ્રેસમાં સામેલ થયેલ અલ્પેશ ઠાકોર અને તેમના 7 સમર્થકોને પાર્ટીએ મેદાનમાં ઉતાર્યા છે. અલ્પેશની સામે જીતવાની સાથે સાથે પોતાના ઓબીસી સમાજના સમર્થકોને પણ પોતાના પક્ષમાં લેવાનો પડકાર છે.

દલિત નેતા જીગ્નેશ મેવાણી વડગામથી લડી રહ્યા છે. જો કે તેઓ અપક્ષમાંથી લડી રહ્યા છે, પરંતુ જિગ્નેશને કોંગ્રેસ અને આપનું સમર્થન છે. મેવાણી ભાજપના
વિરોધમાં લડી રહ્યા છે. જો કે મેવાણીએ પોતાની સીટ સિવાય અન્ય ક્યાંય પ્રચાર કર્યો નથી. એવામાં જિગ્નેશ માટે જીતવાનું મુશ્કેલ થઈ શકે છે.

પાટીદાર નેતા હાર્દિક પટેલે ભાજપ વિરુદ્ધ પોતાનો અવાજ બુલંદ કરી દીધો છે. જો કે આજના મતદાનમાં હાર્દિકની પણ પરીક્ષા થવા જઈ રહી છે. જ્યાંથી અનામત આંદોલનની મોટાપાયે શરૂઆત થઈ હતી અને પાટીદારોનો ગઢ મનાય છે, તેવા મહેસાણામાં પણ ભાજપના કદાવર નેતા અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ચૂંટણી લડી રહ્યા છે. જો કે હાર્દિક પટેલ અને નીતિન પટેલ એમ બંનેની સામે પોતપોતાના સમાજના લોકોને પક્ષમાં રાખવાનો પડકાર છે.

You might also like