અમદાવાદના નરોડામાં રિવોલ્વર બતાવીને જવેલર્સની દુકાનમાંથી કરાઇ દાગીનાની લૂંટ

અમદાવાદ: નરોડામાં આવેલી એક જવેલર્સની દુકાનમાં ગત રાત્રે સોનીને પાંચ શખ્સોએ બે રિવોલ્વર બતાવીને લૂંટ ચલાવી હતી. ફિલ્મીઢબે લૂંટ કરવા માટે આવેલા પાંચ લૂંટારુઓનો પ્રતિકાર કરતાં સોની પર હુમલો કરવામાં આવ્યો હતો. લૂંટ દરમિયાન ફાયરિંગ નહીં થતાં લૂંટારુઓએ રિવોલ્વરની નટ સોનીના કપાળ પર મારીને ફરાર થઇ ગયા હતા.

નરોડામાં મહાપ્રભુજીની બેઠક પાસે શ્રીનાથ જવેલર્સ નામની દુકાન ધરાવતા હિતેશભાઇ ભીખાભાઇ સોની દરરોજ સાડા આઠ વાગ્યાની આસપાસ દુકાન બંધ કરી નાખે છે. ગઇ કાલે પણ સમયસર દુકાન બંધ કરીને હિતેશભાઇ ઘરે ગયા હતા.ત્યારે એક ગ્રાહકને સોનાના દાગીના આપવાના હતા. તેથી તેઓ જમીને પરત દુકાન પર આવ્યા હતા. સાડા નવ વાગ્યાની આસપાસ ગ્રાહકને દાગીના આપી દીધા બાદ હિતેશભાઇ દુકાન બંધ કરતા હતા તે સમયે એક વ્હાઇટ કલરની કાર દુકાન પાસે આવીને ઊભી રહી હતી.

કારમાંથી એક સાથે પાંચ શખ્સો ઊતર્યા હતા. જેમણે મોં પર રૂમાલ બાંધેલો હતો. હિતેશભાઇ કાંઇ પણ વિચારે તે પહેલાં તમામ લોકો દુકાનમાં ઘૂસી ગયા હતા. પાંચ શખ્સો પૈકી બે શખ્સોએ હિતેશભાઇના લમણે બે રિવોલ્વર મૂકી દીધી હતી અને કહ્યું હતું કે તિજોરી ખોલ નહીં તો હું ગોળી મારી દઉ છું. લૂંટારુ શખ્સોને હિતેશભાઇએ વળતો જવાબ આપતાં કહ્યું કે મારા ભાઇને તિજોરી ખોલતાં આવડે છે મને નહીં. હિતેશભાઇનો જવાબ સાંભળતાં લૂંટારુ શખ્સો ઉશ્કેરાયા હતા અને તેઓ ગોળી ચલાવવા માટે ટ્રિગર દબાવતા હતા તે સમયે હિતેશભાઇએ તિજોરી ખોલવાનું કહ્યું હતું.

તિજોરી ખોલ્યા બાદ લૂંટારુ શખ્સો લૂંટ કરવા સોનાના દાગીના લેવા જતા હતા ત્યારે હિતેશભાઇએ તેમનો પ્રતિકાર કરીને લૂંટારુઓને ધક્કો માર્યો હતો. હિતેશભાઇએ લૂંટારુઓની રિવલ્વર પકડી ત્યારે અન્ય લૂંટારુઓ તેમની પર તૂટી પડ્યા હતા. લૂંટારુઓ હિતેશભાઇને મારતા મારતા કેશ કાઉન્ટર સુધી લાવ્યા હતા. જ્યાં એક લૂંટારુએ તેમના પર ફાયરિંગ કરવા માટે રિવોલ્વર તાકી હતી. જોકે રિવોલ્વરમાંથી ફાયર થાય તે પહેલાં ગોળી બહાર નીકળી ગઇ હતી.

ઘટનાની જાણ નરોડા પોલીસ તેમજ ક્રાઇમ બ્રાંચને થતાં તેઓ તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતા ત્યારે ઇજાગ્રસ્ત હિતેશભાઇને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર દુકાનમાં સીસીટીવી કેમેરા હોવાથી પોલીસને લુંટારુઓ સુધી પહોંચવા માટે આસાની રહેશે.

You might also like