ગૃહિણીને જ્વેલરી ખરીદવી વધુ મોંઘી પડશે

અમદાવાદ: સ્થાનિક બજારમાં સોનામાં વધુ ઉછાળો નોંધાયો છે. આજે શરૂઆતે સ્થાનિક બજારમાં સોનું રૂ. ૩૦૦ના ઉછાળે રૂ. ૩૦,૫૦૦ની સપાટીએ જોવા મળ્યું હતું. વૈશ્વિક બજારમાં પણ સોનું ૧૩૦૦ ડોલર પ્રતિ ઔંસની નજીક ૧૨૯૩ ડોલરની સપાટીએ પહોંચી ગયું છે. દરમિયાન છેલ્લા બે દિવસમાં સોનામાં રૂ. ૬૦૦નો ઉછાળો નોંધાતાં ગૃહિણીઓને જ્વેલરી ખરીદવાની વધુ મોંઘી પડશે. નોંધનીય છે કે આગામી ૯ મેએ અખાત્રીજ છે. આ દિવસે સોના અને ચાંદીની જ્વેલરી ખરીદવી ધાર્મિક માન્યતા મુજબ શુભ માનવામાં આવે છે. ગૃહિણીઓ દ્વારા ખરીદીના ઓર્ડર આવવાના શરૂ થવાના ટાણે જ સોના ચાંદીના ભાવમાં જોવા મળી રહેલી આગઝરતી તેજીની અસરે જ્વેલરી ખરીદી ઊંચા ભાવે કરવી પડશે.

સ્થાનિક બુલિયન બજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે ચાલુ સપ્તાહમાં બેન્ક ઓફ જાપાન અને યુએસ ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજની યથાવત્ સ્થિતિ જાળવી રાખી છે એટલું જ નહીં યુએસ ઇકોનોમીમાં નરમાઇના સંકેતોએ વ્યાજદરમાં વધારો કરવામાં વિલંબ કરવામાં આવી રહ્યો હોવાનું એનાલિસ્ટ માની રહ્યા છે ત્યારે સલામત રોકાણ તરીકે સોનાની માગમાં વધારો થતાં વૈશ્વિક તથા સ્થાનિક મોરચે સોનામાં તોફાની તેજી જોવા મળી છે. દરમિયાન સ્થાનિક બજારમાં ચાંદીના ભાવમાં પણ રૂ. ૨૦૦નો ઉછાળો નોંધાઈ સ્થાનિક બજારમાં ચાંદી ૪૧,૪૦૦ની સપાટીએ પહોંચી ગઇ છે.

You might also like