અખાત્રીજ માટે જ્વેલરીના એડ્વાન્સ બુકિંગ પર ડિસ્કાઉન્ટ

અમદાવાદ: અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સિરિયા પરના હુમલા તથા સ્વિડનની રાજધાની સ્ટોકહોમ પર આતંકી હુમલાના પગલે વૈશ્વિક સોનાના ભાવમાં ઉછાળો નોંધાતો જોવા મળ્યો છે.  સ્થાનિક બજારમાં પણ તેની સીધી અસર નોંધાઇ છે, જોકે આમ રૂપિયાની મજબૂતાઇની ચાલના પગલે સોનાના ભાવ રૂ. ૨૯,૩૦૦થી ૨૯,૪૦૦ની સપાટીની વચ્ચે જોવા મળી રહ્યા છે.

આગામી બે સપ્તાહ બાદ ૨૭ એપ્રિલે અખાત્રીજ આવી રહી છે. અખાત્રીજ પૂર્વે નીચા ભાવે જ્વેલરી ખરીદનારા માટે જ્વેલર્સે ઓર્ડર બુકિંગ પણ શરૂ કરી દીધું છે. જાણકારો પાસેથી પ્રાપ્ત થતી માહિતી મુજબ પાછલા કેટલાય સમયથી બુલિયન બજારમાં કારોબાર ઠંડા છે ત્યારે અખાત્રીજના ઓર્ડરના બુકિંગ માટે ઘડામણ ઉપર ૫૦થી ૭૦ ટકા સુધીની ડિસ્કાઉન્ટ ઓફર મૂકી રહ્યા છે. વેપારીઓના જણાવ્યા પ્રમાણે રૂપિયાની મજબૂતાઈથી સોનાના ભાવ હાલ પ્રેશરમાં જોવા મળી રહ્યા છે, જોકે વૈશ્વિક બજારમાં અનિશ્ચિતતાના પગલે સોનાના ભાવને સપોર્ટ મળી રહ્યો છે, જેની અસર આગામી દિવસોમાં જોવા મળી શકે છે.

શહેરના મોટા જ્વેલર્સ પોતાના ગ્રાહકોને એસએમએસથી આ વખતની અખાત્રીજના ઓર્ડરની  ડિસ્કાઉન્ટ ઓફરની જાણ કરી રહ્યા છે. ઘડામણ ઉપર ૭૦ ટકા સુધીનું ડિસ્કાઉન્ટ તથા અન્ય ડિસ્કાઉન્ટ અંગે પણ જણાવી રહ્યા છે.

http://sambhaavnews.com/

You might also like