ગુજરાત સહિત દેશભરમાં સોના-ચાંદીનો કારોબાર ઠપ

અમદાવાદ: કેન્દ્ર સરકારે સોમવારે જાહેર કરેલા બજેટમાં સોના અને ડાયમંડની જ્વેલરી પર એક ટકો એક્સાઇઝ ડ્યૂટી લાદવાની જાહેરાતના પગલે દેશભરના સોના-ચાંદીના વેપારીઓ ભારે વિરોધ કરી રહ્યા છે. સરકારની આ જોગવાઇના પગલે દેશભરના અગ્રણી જ્વેલર્સ એસોસિયેશને આપેલા ત્રણ દિવસના બંધના કોલના પગલે આજથી શહેરના જ્વેલર્સ પણ ત્રણ દિવસની હડતાળ પર ઊતરી ગયા છે, જેના પગલે માણેકચોક સોના-ચાંદી બજાર સહિત સીજી રોડ અને અન્ય બજારો પણ સજ્જડ બંધ જોવા મળ્યાં છે. અમદાવાદ ઉપરાંત રાજ્યભરના જ્વેલર્સે બંધ પાળ્યો હતો.

જ્વેલર્સ એસોસિયેશનના અગ્રણીઓના જણાવ્યા પ્રમાણે સરકારે એક ટકો એક્સાઇઝ ડ્યૂટી લાદવાની જોગવાઇ કરી છે તેના કારણે એક્સાઇઝ વિભાગ દ્વારા ઇન્સ્પેક્ટર રાજની ભીતિ સેવાઇ રહી છે. જ્વેલર્સનાે આ વિભાગની નીતિરીતિ સામે વિરોધ છે, જેના પગલે આજથી ત્રણ દિવસની હડતાળ પર જઇ રહ્યા છે. આ અંગે અમદાવાદ જ્વેલર્સ એસો.ના પ્રેસિડેન્ટ રોહિત ચોક્સીના જણાવ્યા પ્રમાણે સરકારે એક ટકો એક્સાઇઝ ડ્યૂટી લાદવાની જોગવાઇ કરી છે. દેશભરના જ્વેલર્સનો તેની સામે વિરોધ છે.
ઓલ ઇન્ડિયા જેમ્સ એન્ડ જ્વેલરી ટ્રેડ ફેડરેશન સહિત તમામ મોટા જ્વેલરી એસોસિયેશનોએ આપેલા બંધના પગલે આજથી સ્થાનિક જ્વેલર્સ પણ ત્રણ દિવસની હડતાળ પર ઊતર્યા છે.

કેન્દ્ર સરકારે બજેટમાં એક્સાઇઝ ડ્યૂટીમાં એક ટકાનો વધારો કરાતા શહેર સહિત રાજ્યભરના જ્વેલર્સ, મેન્યુફેક્ચરર્સ, બુલિયનના વેપારીઓ ભારે વિરોધ કરી રહ્યા છે. આજથી શરૂ થયેલી ત્રણ દિવસની હડતાળના પગલે કરોડો રૂપિયાનો કારોબાર ઠપ થઇ જવાની ભીતિ સેવાઇ રહી છે. સ્થાનિક જ્વેલર્સ એસોસિયેશનના અગ્રણીઓના કહેવા મુજબ રોજનો શહેરમાં ૫૦૦થી ૭૦૦ કરોડનો જ્વેલરી અને બુલિયનનો સોના-ચાંદીનો કારોબાર થાય છે. આવા સંજોગોમાં ત્રણ દિવસની હડતાળના પગલે એક અંદાજ મુજબ રૂ. ૨૦૦૦ કરોડથી વધુનો કારોબાર ઠપ થઈ જવાની ભીતિ સેવાઇ રહી છે.

આજથી શરૂ થઇ રહેલી ત્રણ દિવસની હડતાળના પગલે ભાવિ રણનીતિ ઘડી કાઢવા અમદાવાદના અગ્રણી જ્વેલર્સ સહિત બુલિયન બજારના વેપારી અને જ્વેલરી મેન્યુફેક્ચરર્સ સીજી રોડ ખાતે સુપર મોલમાં બપોરે ત્રણ કલાકે ભેગા થશે તથા ભાવિ રણનીતિ ઘડી કઢાશે.

માણેકચોક સોના-ચાંદી બજારને ગ્રહણ લાગ્યું
શહેરના હાર્દસમા અને રાજ્યના સૌથી જૂના માણેકચોક સોના-ચાંદી બજારને પાછલા થોડા સમયથી ગ્રહણ લાગ્યું હોય તેવી સ્થિતિ સર્જાઇ છે. થોડા સપ્તાહ પહેલાં ગુજરાત હાઇકોર્ટના સોના-ચાંદીની ભઠ્ઠીઓ પર્યાવરણને હાનિ પહોંચાડી રહી છે તેવા કારણો પાછળ અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશને આ ભઠ્ઠીઓને સીલ કરવાની કાર્યવાહી હાથ ધરી હતી, જેને પગલે બજારના કારોબારને માઠી અસર પહોંચી છે.

તા. ૧ જાન્યુઆરી, ૨૦૧૬થી કેન્દ્ર સરકારે રૂ. બે લાખ કરતા વધુ રોકડ ખરીદી પર પાનકાર્ડના નિયમને ફરજિયાત બનાવતા વેપારીઓમાં ઉગ્ર આક્રોશ જોવા મળી રહ્યો હતો. હજુ તેની સાહી સુકાઇ નથી ત્યાં સરકારે સોમવારે જાહેર કરેલા બજેટમાં સોનાની અને ડાયમંડની જ્વેલરી પર એક ટકો એક્સાઇઝ ડ્યૂટી લાદવાની જાહેરાત કરી છે અને તેને પગલે માણેકચોકના સોના-ચાંદીના વેપારીઓમાં ઉગ્ર વિરોધ જોવા મળી રહ્યો છે. વેપારીઓ કહી રહ્યા છે કે બજારને જાણે ગ્રહણ લાગ્યું છે.

You might also like