જ્વેલર્સની હડતાળનો ત્રીજો દિવસ: માણેકચોક-સીજી રોડ બંધ, પરાં વિસ્તારમાં દુકાનો ખૂલવા માંડી

અમદાવાદ: કેન્દ્ર સરકારના પાનકાર્ડ અને ગોલ્ડ તથા ડાયમંડ જ્વેલરી પર એક ટકા એક્સાઇઝડ્યૂટી સામે સમગ્ર દેશના અગ્રણી જ્વેલર્સ એસોસિયેશનના વિરોધને લઇને અમદાવાદ સહિત ગુજરાતના અગ્રણી જ્વેલર્સે અચોક્કસ મુદતની હડતાળનું એલાન આપ્યું છે. આ હડતાળ આજે ત્રીજા દિવસમાં પ્રવેશી છે. આજે પણ શહેરના માણેકચોક, સીજી રોડ તથા શિવરંજની વિસ્તારનાં સોના-ચાંદીનાં બજારો સજ્જડ બંધ જોવા મળ્યાં છે, જોકે પરા વિસ્તારમાં આ હડતાળની ઓછી અસર જોવા મળી હતી. કેટલાક પરા વિસ્તારમાં અમુક જ્વેલરીની દુકાનો ખુલ્લી જોવા મળી હતી.

સોના-ચાંદી બજારના જ્વેલરી એસોસિયેશનના અગ્રણીઓના જણાવ્યા પ્રમાણે સરકારે એક ટકા એક્સાઇઝડ્યૂટી લાદી છે, તેને કારણે ઇન્સ્પેક્ટર રાજ આવવાની ભીતિ સેવાઇ રહી છે, જેનો સમગ્ર સોના-ચાંદીના વેપારીઓ તથા જ્વેલર્સ ઉગ્ર વિરોધ કરી રહ્યા છે. અચોક્કસ મુદતની હડતાળના એલાનના પગલે આજે ફરી એક વખત મિટિંગ મળી રહી છે, જેમાં રાજ્યભરના જ્વેલરી એસોસિયેશન સાથે સંકળાયેલા હોદ્દેદારો તેમજ અગ્રણીઓ ભાગ લેશે, જેમાં ભાવિ રણનીતિ ઘડી કાઢવામાં આવશે.

આ અંગે અમદાવાદ જ્વેલર્સ એસોસિયેશનના પૂર્વ પ્રમુખ શાંતિભાઇ પટેલના જણાવ્યા પ્રમાણે સરકારની નીતિના વિરોધમાં અમારી અચોક્કસ મુદતની હડતાળ ચાલુ જ છે. આજે ફરી એક વખત રાજ્યભરના અગ્રણીઓની બેઠક મળી રહી છે, જેમાં રણનીતિ ઘડી કાઢવામાં આવશે.

અગ્રણી જ્વેલર્સ એસોસિયેશને અચોક્કસ મુદતની હડતાળના એલાનની જાહેરાત કરી છે, પરંતુ પરા વિસ્તારમાં તેની ઓછી અસર જોવા મળી રહી છે. વાસણા, બાપુનગર, સાબરમતી જેવા પરા વિસ્તારમાં કેટલાક ઠેકાણે જ્વેલરીની દુકાનો ખુલ્લી રહેલી જોવા મળી હતી.

You might also like