એક્સાઈઝ ડ્યૂટી પાછી ખેંચવા માટે જ્વેલર્સ આરપારની લડાઈના મૂડમાં

અમદાવાદ: પાછલા એક સપ્તાહથી સરકારે એક્સાઇઝ ડ્યૂટીમાં એક ટકાની કરેલી બજેટમાં દરખાસ્તના પગલે દેશભરના જ્વેલર્સ સહિત સ્થાનિક જ્વેલર્સ પણ હડતાળ પર છે. પાછલા એક સપ્તાહથી સ્થાનિક તમામ જ્વેલર્સ હડતાળ પર છે, જેમાં હોલસેલ, સેમી હોલસેલ, રિટેલ, મેન્યુફેક્ચરર્સ, બુલિયન એસોસિયેશન પણ આ હડતાળમાં જોડાયાં છે, જેમાં કરોડો રૂપિયાનો કારોબાર ઠપ થઈ ગયેલો જોવા મળે છે.

હડતાળને એક સપ્તાહનો સમય વીતી ગયો હોવા છતાં સરકાર તરફથી એક્સાઇઝની દરખાસ્તના મુદ્દે કોઇ સ્પષ્ટ સંકેતો નહીં મળતાં હવે જ્વેલર્સ પણ આરપારની લડાઇના મૂડમાં આવી ગયા છે અને એક્સાઇઝના મુદ્દે જરા પણ નમતું જોખવા તૈયાર નથી.

ગુજરાત જ્વેલર્સ એસોસિયેશને આજે શહેરના તમામ જ્વેલ્રર્સ એક્સાઇઝને ઇશ્યૂને લઇને ઇસ્કોન આર્કેડ ખાતે એક બેઠક કરવા જઇ રહ્યા છે. એટલું જ નહીં આજે સાંજે ઘંટનાદ તથા થાળી વેલણ વગાડવાનો કાર્યક્રમ પણ ઘડી કાઢ્યો છે તથા આવતી કાલે શુક્રવારે રામધૂન, શનિવારે બ્લડ ડોનેશન કેમ્પ, રવિવારે સાઇકલ રેલી તો સોમવારે ૧૪ તારીખે બાઇક રેલી કાઢીને શહેરના જ્વેલર્સ એક્સાઇઝના મુદ્દે વિરોધ પ્રદર્શન કરશે.

આ અંગે અમદાવાદ જ્વેલર્સ એસોસિયેશનના સેક્રેટરી જિગરભાઇ સોનીના જણાવ્યા પ્રમાણે સરકારનું જે રીતે સ્ટેન્ડ જોવા મળીરહ્યું છે તે જોતાં એક્સાઇઝના પ્રશ્ને અમારો વિરોધ ચાલુ જ છે. આ મુદ્દે અમે સરકાર સામે આ લડાઇ વધુ ઉગ્ર બનાવીશું.

You might also like