જ્વેલર્સઃ હડતાળ હજુ પણ ચાલુ જ છે, એક્સાઈઝ પાછી નહીં ખેંચાયઃ સરકાર

અમદાવાદ: સોનાની જ્વેલરી પર એક ટકો એક્સાઇઝ ડ્યૂટી લાદવાની દરખાસ્ત સરકારે બજેટમાં કરી હતી. ત્યાર બાદ પાછલા ૧૩ દિવસથી ગુજરાત સહિત સમગ્ર દેશના જ્વેલર્સ હડતાળ પર ઊતરી ગયા છે. ગઇ કાલે નાણાપ્રધાને આ અંગે સંસદમાં સ્પષ્ટતા કરી છે કે બજેટમાં જ્વેલરી પર લાદવામાં આવેલી એક ટકાની એક્સાઇઝ પાછી ખેંચવામાં નહીં આવે, જેના પગલે શહેરના જ્વેલર્સ વધુ રોષે ભરાયા છે તથા એક્સાઇઝના મુદ્દે પાછલા ૧૩ દિવસની હડતાળ હવે બીજા તબક્કામાં પ્રવેશે તેવી સંપૂર્ણ શક્યતા છે. આમ હવે સરકાર અને જ્વેલર્સ એક્સાઇઝના મુદ્દે આમને સામને આવી ગયા હોય તેવી સ્થિતિ સર્જાઇ છે.

ગુજરાત જ્વેલર્સ એસોસિયેશનના અગ્રણીઓના જણાવ્યા પ્રમાણે આજે ગુજરાતના તમામ અગ્રણી જ્વેલર્સની એક્સાઇઝના મુદ્દે ભાવિ રણનીતિ ઘડી કાઢવા એક બેઠક મળી રહી છે એટલું જ નહીં હડતાળ પણ ચાલુ રહેવાના સંકેતો આપ્યા છે. અમદાવાદ જ્વેલર્સ એસોસિયેશનના પ્રેસિડેન્ટ રોહિત ચોક્સીના જણાવ્યા પ્રમાણે હડતાળ હજુ ચાલુ જ છે.

ઉલ્લેખનીય છે કે પાછલા ૧૩ દિવસની હડતાળને કારણે રાજ્યના જ્વેલરી ઉદ્યોગને એક અંદાજ મુજબ 3૬,૦૦૦ કરોડ કરતાં પણ વધુનું નુકસાન થઇ ચૂક્યું છે તથા કરોડો રૂપિયાની રાજ્ય સરકારને પણ વેટની આવક ગુમાવવી પડી છે. એટલું જ નહીં કારીગરોને દૈનિક રોજીરોટી પણ પાછલાં બે સપ્તાહથી ગુમાવવી પડી રહી છે ત્યારે હવે હડતાળ જો લાંબી ચાલે તો સરકાર સહિત જ્વેલર્સ અને કારીગરોને પણ વધુ મુશ્કેલીમાં મુકાવું પડી શકે છે.

You might also like