પરા વિસ્તાર સહિત કેટલાક ઠેકાણે જ્વેલર્સે કારોબાર શરૂ કર્યો

અમદાવાદ: કેન્દ્ર સરકારે બજેટમાં એક્સાઇઝ ડ્યૂટી લાદવાની જાહેરાત કરતાં જ પાછલા મહિને બીજી તારીખથી જ્વેલર્સ અનિશ્ચિત મુદતની હડતાળ પર છે. એક બાજુ હડતાળની આગેવાની લેતાં અગ્રણી જ્વેલર્સ એસોસિયેશન હડતાળ હજુ ચાલુ છે તેવો દાવો કરી રહ્યાં છે તો બીજી બાજુ ગઈ કાલથી શહેરના પરા વિસ્તાર સહિત સીજી રોડ પરના કોમર્શિયલ સેન્ટરોમાં ઉપલા માળની દુકાનો ક્યાંક ક્યાંક ખુલ્લી રહેલી જોવા મળી હતી.

કેન્દ્રના નાણાપ્રધાને ફરી એક વખત એક્સાઇઝ પાછી નહીં ખેંચવાની સ્પષ્ટતા કર્યા બાદ પરા વિસ્તારો સહિત બીજી ઘણી જગ્યાએ જ્વેલર્સે પોતાનો કારોબાર શરૂ કર્યો હોવાનું જાણવા મળે છે. જોકે ગુજરાત જ્વેલર્સ એસોસિયેશન એક્સાઇઝના મુદ્દે હજુ પણ હડતાળ ચાલુ જ છે તેવો દાવો કરી રહ્યું છે તથા જે દુકાનદારોએ દુકાન ચાલુ રાખે છે તે પોતાના હિસાબોના કામકાજ કે અન્ય કામકાજ માટે ખુલ્લી રાખી છે તેવું કહી રહ્યું છે.

ઉકેલ ન આવતાં નાના જ્વેલર્સની ધીરજ ખૂટી
હડતાળમાં પરા વિસ્તારના જ્વેલર્સે પણ પાછલા એક મહિનાથી જોડાઈને હડતાળ પાડી હતી, પરંતુ સરકારની સ્પષ્ટતા બાદ પણ કોઈ ઉકેલ ન આવતાં નાના જ્વેલર્સ અકળાયા હતા અને તેના કારણે વેજલપુર, જોધપુર, ઘાટલોડિયા, મણિનગર, ચાંદલોડિયા સહિત સીજી રોડ પરના કોમર્શિયલ કોમ્પ્લેક્સની ઉપલા માળની દુકાનો પણ કારોબાર માટે શરૂ થયેલી જોવા મળી હતી.

You might also like