૪ર દિવસ બાદ શહેરના જ્વેલરી બજારમાં ઝગમગાટ

અમદાવાદ: ૪૨ દિવસથી દેશભરના જ્વેલર્સ એક્સાઇઝના મુદ્દા સહિતની માગણીઓને લઇને અનિશ્ચિત મુદતની હડતાળ પર ઊતર્યા હતા. દરમિયાન ઓલ ઇન્ડિયા જ્વેલર્સ એસો.ના અગ્રણીઓ દ્વારા સરકાર સાથે પાછલા કેટલાક સમયથી ચાલી રહેલી વાટાઘાટો ફળદાયી લાગતાં શહેર સહિત રાજ્યના અગ્રણી જ્વેલર્સ એસોસિયેશને હાલ પૂરતી અનિશ્ચિત મુદતની હડતાળ સ્થગિત કરવાનો નિર્ણય કર્યો છે. શહેરના જ્વેલરી બજાર આવતી કાલના ગુરુ પુષ્ય નક્ષત્ર પૂર્વે ફરી એક વખત ધમધમતાં જોવા મળ્યાં હતાં. આજે શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારના સોના-ચાંદીના મોટા ભાગનાં બજાર ખૂલેલાં જોવા મળ્યાં હતાં.

જ્વેલર્સ એસો.ના અગ્રણીઓના જણાવ્યા પ્રમાણે સરકાર સાથે ૧૪ મુદ્દાની માગણીઓ મૂકી હતી, જેમાં રાષ્ટ્રીય લેવલે જ્વેલર્સ એસોસિયેશનના અગ્રણીઓ સાથે થયેલી બેઠક ફળદાયી નીવડી હતી. સરકાર સાથે ચાલી રહેલી બેઠક સકારાત્મક રહે તેવું લાગતાં જ્વેલર્સ એસોસિયેશને હાલ પૂરતી તેમની અનિશ્ચિત મુદતની હડતાળને સ્થગિત કરવાનો નિર્ણય કર્યો છે. આ અંગે અમદાવાદ જ્વેલર્સ એસોસિયેશનના પ્રેસિડેન્ટ રોહિત ચોક્સીના જણાવ્યા પ્રમાણે એક્સાઇઝ સહિત વિવિધ ૧૪ માગણીઓને લઇને જ્વેલર્સ હડતાળ પર ઊતરી ગયા હતા. સરકારે સકારાત્મક વલણ દાખવતાં જ્વેલર્સ એસો.એ ૧૦ દિવસ માટે હડતાળને સ્થગિત કરવાનો નિર્ણય કર્યો છે. ૨૪ તારીખે ફરી દેશના અગ્રણી જ્વેલર્સ એસોસિયેશનો સરકારે માગણીઓ સંદર્ભે લીધેલાં પગલાંની સમીક્ષા કરશે.

You might also like