જમ ઘર ભાળી જવાનો ડર

દેશનાં જ્વેલર્સ એસોસિયેશન છેલ્લા એક મહિનાથી એક ટકા એક્સાઇઝ ડ્યૂટી લગાડવાના સરકારના નિર્ણયનો વિરોધ કરી રહ્યાં છે. સામાન્યજનને માત્ર એક ટકા એક્સાઇઝ ડ્યૂટીના વિરોધમાં આટલો મોટો વિરોધ શા માટે થઇ રહ્યો છે તે સમજાતું નથી પણ વાસ્તવમાં દેશના જ્વેલર્સને આ કાયદાના અમલથી જેટલું નુકસાન થવાનું છે તેના કરતાં અનેક ગણું નુકસાન એક્સાઇઝ ડિપાર્ટમેન્ટની જ્વેલરીની દુકાનો, શૉ-રૂમો કે પ્રોસેસિંગ હાઉસોમાં દાખલ થવાથી થવાનું છે. જમ મોત આપીને લઇ જાય તેનો ડર નથી પણ જમ ઘર ભાળી જાય તેનું દુઃખ છે. ૯૦ના દાયકા અગાઉ ગોલ્ડ કન્ટ્રોલ ઑર્ડર હેઠળ એક્સાઇઝ ડ્યૂટી લાગુ પડતી હતી અને તે સમયે જ્વેલર્સ એક્સાઇઝ ડિપાર્ટમેન્ટની પળોજણથી ત્રાસી ગયા હતા અને રાજકીય જોર લગાડીને તે વખતે કાળો કાયદો કઢાવી નાખ્યો હતો.

હવે આ નિર્ણયને કારણે કોઇ પણ જ્વેલર જૂના દાગીનાને રિપેર કરે, વેચાણ કરે કે જૂના દાગીનાને બદલે નવા દાગીના આપે તો તેના ચોપડા ચિતરવાનું ફરજિયાત બન્યું છે. તા.૧ માર્ચે જ્વેલરીના શો-રૂમમાં કેટલો સ્ટોક હતો, આ સ્ટોક ક્યાંથી આવ્યો ? તેનું વેચાણ થયું તો તે કઇ રીતે થયું ? વેચાણ પછી કેટલો સ્ટોક રહ્યો ? જૂના દાગીના શો-રૂમમાં આવે તો તેના ચોપડા ચિતરવાના અને તેનું વેચાણ થાય ત્યારે પણ તેની નોંધ ચોપડામાં રાખવાની રહેશે.

આ તમામ બાબતોમાં ક્યાંય પણ ખામી રહી તો તગડો દંડ અને જેલમાં પૂરી દેવાની સત્તા એક્સાઇઝ અધિકારીને અપાઇ છે. એક્સાઇઝની ચોરી પકડાય તો વેપારીને છ વર્ષ સુધી જેલની સજા થઇ શકે છે. એક્સાઇઝના અધિકારીઓ દુકાનને સીલ મારી શકે છે. એક્સાઇઝ અધિકારી એમ કહે કે વેપારીઓ અમને સહકાર આપતા નથી એટલે કોઇનું પણ સાંભળ્યા વગર વેપારીને ત્રણ મહિના જેલમાં પૂરી દેવાની સત્તા એક્સાઇઝ અધિકારીને આપવામાં આવી છે.

દેશમાં જ્વેલરી ઉદ્યોગ સાથે પાંચ કરોડ લોકો જોડાયેલા છે. આપણા દેશમાં એક્સાઇઝ ડિપાર્ટમેન્ટના અધિકારીઓ તો દૂધે ધોયેલા નથી. આવી સામાન્ય બાબત શું નાણામંત્રીને નથી ખબર? કોઇ એક્સાઇઝ અધિકારી આવીને કહે કે મને એક લાખ કે બે લાખ આપો! જ્વેલર આનાકાની કરે તો તુરંત જ અધિકારી કહે કે અમારી સાથે ગેરવર્તણૂક કરી છે એટલે વેપારીને જેલમાં પૂરી દો. કોણ જોવા જવાનું છે? અત્યાર સુધી કોઇ એક્સાઇઝ ડ્યૂટી ભરવાની નહોતી ત્યારે દેશના જ્વેલર્સ શાંતિથી ધંધો કરતા હતા. એક્સાઇઝ ડિપાર્ટમેન્ટ માટે ભ્રષ્ટાચાર કરવાનો એક નવો માર્ગ નાણામંત્રીએ ખોલી આપ્યો છે. પાંચ વર્ષ માટે ચૂંટાઈ ગયા છીએ, હવે અમને શું નુકસાન જવાનું છે ? જ્વેલર્સ જીવે કે મરે ?અમારે શું ? આ કાયદો અમલમાં આવ્યા બાદ નાણામંત્રી આવું વિચારતાં હોય તેવું લાગે છે.

અગાઉ ગોલ્ડ કન્ટ્રોલ ઑર્ડર અને જ્વેલરી પરની એક્સાઇઝ ડ્યૂટી જે પણ સરકાર કે નાણામંત્રીએ રદ કરી હશે તેણે કંઈક તો વિચાર્યું જ હશે. ખોટી હેરાનગતિથી જ્વેલરી ઉદ્યોગનો વિકાસ રૃંધાયો હશે ત્યારે જ કાળો કાયદો રદ થયો હશે. આ બાબતનો અભ્યાસ કર્યા વગર અરુણ જેટલીએ ફરી એક્સાઇઝ લાદવાનો નિર્ણય શું કામ લીધો? આ પ્રશ્નનો જવાબ હવે જ્વેલરો વડા પ્રધાન નરેન્દ્ર મોદી પાસે માગી રહ્યા છે.

વાસ્તવમાં અરુણ જેટલીને દેશના આર્થિક વિકાસને વિશ્વમાં ટોચ પર પહોંચાડવાની ધૂન લાગી છે. રાજકોષીય ખાધને આવતાં ત્રણ વર્ષમાં ઘટાડીને ૩.૧ ટકા કરવાનું લક્ષ્ય અરુણ જેટલીએ પ્રથમ બજેટમાં આપી દીધું ત્યારબાદ હવે રાજકોષીય ખાધને ઘટાડવા માટે દેશના મધ્યમવર્ગને લૂંટવા સિવાય કોઇ રસ્તો બચ્યો નથી. આથી અરુણ જેટલીએ દેશની આમપ્રજામાંથી જેની પાસેથી જેટલું પણ લૂંટાય તેટલું અંકે કરવાનું ચાલુ કર્યું છે. છેલ્લાં બે વર્ષમાં સર્વિસટેક્સમાં બે ટકાનો અને સ્વચ્છતાના નામે ૦.૫ તથા બાકી રહેતું હતું તો કૃષિ વિકાસના નામે ૦.૫ ટકાનો સર્વિસ ટેક્સ લાદીને ૧૨ ટકાના સર્વિસટેક્સને ૧૫ ટકા સુધી પહોંચાડી દીધો છે. પેટ્રોલ-ડીઝલ સસ્તાં થયાં તેનો લાભ આમપ્રજાને આપવાને બદલે તિજોરી ભરવાનું ચાલુ કરી દીધું છે. સમાજના એક પણ વર્ગને જેટલીએ લૂંટવામાં બાકી રાખ્યા નથી. હવે બાકી રહ્યું હતું તો જ્વેલર્સને એક્સાઇઝ ડિપાર્ટમેન્ટની અડફેટે ચડાવી દીધા છે.
(લેખક કોમોડિટી વર્લ્ડ-કૃષિપ્રભાતના તંત્રી છે.)

You might also like