અસ્તિત્વ સામે ઝઝૂમતો જેતપુરનો સાડી ઉદ્યોગ

સૌરાષ્ટ્રના જેતપુરનો સાડી ઉદ્યોગ સ્થાનિક ઉદ્યોગ સાહસિકોના બળે વિખ્યાત બની ચૂક્યો છે. તેજી મંદીના અનેક દોર જોઈ ચૂકેલો આ ઉદ્યોગ હાલના મંદીના માહોલમાં તેના અસ્તિત્વ સામે ઝઝૂમી રહ્યો છે. ‘ગતિશીલ ગુજરાત’ અને ‘મેક ઈન ઈન્ડિયા’ જેવા સરકારી સ્તર પર જોરશોરથી સાંભળવા મળતાં રૂપકડાં સૂત્રોની ખરી મદદ આ ઉદ્યોગને મળવી જોઈએ તેમ લાગી રહ્યું છે, કારણ કે જેતપુરનો સાડી ઉદ્યોગ દેશને મોટું વિદેશી હૂંડિયામણ કમાવી આપવાની સાથે હજારો લોકોને રોજગારી પણ આપે છે. ઉદ્યોગ સાથે જોડાયેલા ઉદ્યોગગૃહોને રાજ્ય અને કેન્દ્ર સરકારનાં બજેટમાં થોડીઘણી અપેક્ષાઓ ચોક્કસ હતી, પરંતુ બજેટમાં આ ઉદ્યોગ માટે કોઈ જાહેરાત ન થતાં ઉદ્યોગગૃહોમાં નિરાશા ફેલાઈ છે.

પાંચ દાયકાથી વધુ જૂનો ઉદ્યોગ
રાજકોટથી ૭૦ કિલોમીટર દૂર આવેલા જેતપુરનો આ સાડી ઉદ્યોગ પાંચ દાયકા કરતાં જૂનો છે. જેતપુર આસપાસના સમગ્ર વિસ્તારની ઈકોનોમી આ ઉદ્યોગને આભારી છે. આ ઉદ્યોગની શરૂઆત થઈ ત્યારે કારખાનામાં કારીગરો ટેબલ પર બ્લોક સિસ્ટમથી સાડી પ્રિન્ટ કરતાં હતા. સાડી ઉદ્યોગ સાથે વર્ષોથી સંકળાયેલા કેમિકલ એન્જિનિયર પ્રીતેશ શાહ કરે છે, “સાડી ઉદ્યોગે સમય સાથે પૂરતાં કદમ ઉઠાવ્યાં છે. બ્લોક સિસ્ટમ પછી સ્ક્રીન પ્રિન્ટ અને હવે ઓટોમેટિક મશીનથી સાડીઓ પ્રિન્ટ કરવામાં આવે છે. હવે તો આધુનિક મશીનો આવી ગયાં હોવાથી માલની સાથે પર્યાવરણીય ગુણવત્તા પણ જળવાઈ રહે છે.”

હાલ અંદાજે ૧ર૦૦ જેટલાં નાનાંમોટાં સાડીનાં કારખાનાં આ વિસ્તારમાં કાર્યરત છે જેનું ટર્નઓવર રૂપિયા ર૦૦૦ કરોડનું હોવાનું અનુમાન છે. સ્થાનિક અને પરપ્રાંતીય મળીને આશરે ૪૦ હજાર લોકો આ ઉદ્યોગમાંથી રોજગારી મેળવી રહ્યાં છે.

જેતપુર કોટન સાડીનું હબ
સુરતનો સાડી ઉદ્યોગ સિન્થેટિક સાડી માટે પ્રખ્યાત છે તેમ જેતપુરનો સાડી ઉદ્યોગ કોટન સાડીનું હબ ગણાય છે. જેતપુર ડાઈંગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિયેશનના પ્રમુખ રાજુભાઈ પટેલ કહે છે, “કોટનની સાડીમાં જેતપુરની માસ્ટરી હોવાથી દેશ અને દુનિયામાં તેની માગ રહે છે. કોટનની સાડી ટકાઉ અને સસ્તી હોય છે આથી તેની માગ વધુ છે. જેતપુરનાં કારખાનાંમાં અવનવી ડિઝાઈનમાં કોટનની સાડી અને બાંધણીનું ઉત્પાદન થતું હોઈ જેતપુર કોટન સાડીનું હબ બન્યું છે.

પૂર્વોતર રાજ્યોમાં કોટન સાડીની માગ વધુ
જેતપુરમાં ઉત્પાદિત સાડીઓની મોટાપાયે નિકાસ થાય છે. જ્યારે દેશના પૂર્વીય વિસ્તારનાં રાજ્યોમાં પણ માલ સપ્લાય કરવામાં આવે છે. એસોસિયેશનના ઉપપ્રમુખ જયંતિભાઈ રામોલિયા કહે છે, “જ્યાં વધુ ગરમી પડતી હોય તેવા પ્રદેશોમાં કોટનની સાડીની માગ વધુ હોય છે. આથી જ આફ્રિકન દેશો અને દેશનાં પૂર્વોત્તર રાજ્યોમાં તેની ભારે માગ રહે છે. વળી કોટનની સાડી સસ્તી હોવાથી મધ્યમવર્ગને પણ પોસાય છે.”

આમ છતાં જેતપુરમાં બનતી કોટનની સાડીનો ઉત્પાદન ખર્ચ વધુ છે. જોકે તેનું કારણ જણાવતાં આ ક્ષેત્રના લોકો કહે છે કે, “સૌરાષ્ટ્રમાં કપાસનું ઉત્પાદન મોટા પાયે થાય છે, છતાં તેનો સીધો લાભ આ ઈન્ડસ્ટ્રીઝને મળતો નથી. અહીં ઉત્પાદિત થતો કપાસ સાઉથનાં રાજ્યોમાં જાય છે, જ્યાં પ્રોસેસ થઈને કાચું કાપડ (ગ્રેવી) તૈયાર કરવામાં આવે છે. આ ગ્રેવી એ જેતપુરના સાડી ઉદ્યોગનું રૉ-મટીરિયલ છે. આમ, એક વખત સૌરાષ્ટ્રમાંથી ગયેલો માલ પ્રોસેસ થઈને ફરીથી જેતપુરમાં આવતા તેનો ખર્ચ વધી જાય છે, જેથી જેતપુરની સાડીની પ્રોડક્શન કોસ્ટ ઊંચી આવે છે. સાઉથ જેવા પ્રોસેસિંગ યુનિટ્સ સૌરાષ્ટ્ર-ગુજરાતમાં બને તો આ ઉદ્યોગને ચોક્કસ ફાયદો થાય તેમ છે.”

સાડી ઉદ્યોગને જિવાડવા પાણીની જરૂર છે
જેતપુરના આ સાડી ઉદ્યોગને સરકારની યોગ્ય સહાયનો અભાવ છે. જો સરકાર તરફથી આ ઉદ્યોગને પ્રોત્સાહન અપાય તો ઉદ્યોગની સાથે સ્થાનિક લોકોના ચહેરા પર પણ ચમક આવે તેમ છે. જેતપુર ચેમ્બર ઓફ કોમર્સના ઉપપ્રમુખ વસંતભાઈ પટેલ કહે છે, “સરકાર દ્વારા આ ઉદ્યોગને પાણી પૂરું પાડવાની ખાસ જરૂર છે. સાડીઓને ધોવા માટે હાલ બાવા પીપળિયાના ટ્રીટમેન્ટ પ્લાન્ટ ખાતે મોકલવી પડે છે. જો સરકાર કોઈ યોજના મારફત આ ઉદ્યોગોને ત્યાં જ પાણી પૂરું પાડે તો ઉદ્યોગોને મોટી રાહત થાય તેમ છે.”

એસોસિયેશનના પ્રમુખ રાજુભાઈ પટેલ આ ઉદ્યોગને પાણીની સમસ્યા નડી રહી હોવાની વાત સાથે સંમત થતાં કહે છે, “જેતપુરના સાડી ઉદ્યોગની સરકાર પાસે મુખ્ય માગ પાણી માટેની છે. હાલમાં આ ઉદ્યોગને આશરે ૩૭ કરોડ લિટર પાણીની જરૂરિયાત સામે જુદાજુદા સ્ત્રોત મારફતે માત્ર પ૦ લાખ લિટર પાણી જ મળી રહ્યું છે. સરકાર ઉબેણ નદી પર ભાડગામ પાસે ડેમ બનાવીને સૌની યોજનામાં તેના સમાવેશથી આ ઉદ્યોગને પાણી આપે તેવી અમારી રજૂઆત છે. આ માગણી સ્વીકારાય તો મોટો ફાયદો થાય.”

બજેટમાં સાડી ઉદ્યોગની ઉપેક્ષા
સરકારના બજેટમાં દરેક વેપાર-ઉદ્યોગને રાહતની અપેક્ષા હતી. કેટલાંક ઉદ્યોગોની આવી અપેક્ષા સંતોષાઈ હશે, પરંતુ જેતપુરના સાડીઉદ્યોગને બજેટમાં કોઈ રાહત મળી નથી. આ ઉદ્યોગની એસએસઆઈ (સ્મોલ સ્કેલ ઈન્ડસ્ટ્રીઝ) લિમિટ ૧૦ કરોડથી વધારીને ૩૦ કરોડ કરવામાં આવે તેવી ઉદ્યોગો સાથે સંકળાયેલા લોકોની અપેક્ષા હતી તે પણ સંતોષાઈ નથી.

જેતપુરનો સાડી ઉદ્યોગ મંદીની ભીંસમાં હોઈ બજેટમાં સરકાર તરફથી કોઈ પ્રોત્સાહન મળે તેવી મીટ માંડીને બેઠો હતો. જોકે તેમાં નિરાશા સાંપડી છે. વિદેશી હૂંડિયામણ કમાવી આપવાની સાથે હજારોને રોજગારી આપતા આ ઉદ્યોગને સહાય કે પ્રોત્સાહનની સાથે આ ઉદ્યોગની પાણી માટેની માગને પણ સરકારે ગંભીરતાથી લઈને યોગ્ય પગલાં લેવાં જોઈએ તેવી માગ ઊઠી રહી છે.

આફ્રિકન દેશોમાં જેતપુરની સાડીની માગ
નાઈજિરિયા, કેન્યા, ઈથોપિયા જેવા આફ્રિકન દેશોમાં જેતપુરની સાડીઓ સપ્લાય કરવામાં આવે છે. ઉદ્યોગકારો કહે છે, “જે પ્રદેશમાં ગરમી વધુ પડતી હોય અને ગરીબી હોય ત્યાં કોટનની સાડીની માગ વધુ રહે છે. જેતપુરની કોટન સાડી લાંબી હોવાથી આફ્રિકન દેશોની મહિલાઓ ગાઉનની જેમ તે પહેરે છે તથા પુરુષો લુંગી તરીકે પહેરવા આ સાડીનો ઉપયોગ કરે છે. કેટલાક આફ્રિકન દેશોમાં આ સાડીને ‘ખાંગા’ કહેવામાં આવે છે. હાલ આ દેશોમાં આર્થિક મંદીના કારણે નિકાસને રપથી ૩૦ ટકા જેટલો ફટકો પડ્યો હોવાનું ઉદ્યોગકારો કહી રહ્યાં છે.

નાઈજિરિયાની અસર પણ આ ઉદ્યોગ પર
સ્થાનિક ઉધોગકારોના કહેવા મુજબ નાઈજિરિયામાં પણ હાલ મંદી ચાલી રહી છે. જેની સીધી અસર જેતપુરના સાડી ઉદ્યોગ પર પડી છે. નાઈજિરિયાના કાનો અને લાગોસ સિટીમાં જેતપુરમાંથી સાડીઓની મોટા પ્રમાણમાં સપ્લાય થાય છે. નાઈજિરિયન ચલણ નાઈરાનું મૂલ્ય હાલ ડૉલરની સરખામણીએ ઘટ્યું છે જેથી મંદી આવી છે જે જેતપુરના સાડી ઉદ્યોગને પણ અસર કરે છે.

દેવેન્દ્ર જાની

You might also like