ફ્લાઈટમાં સોનુ નિગમ પાસે ગીતો ગવડાવનાર પાંચ એરહોસ્ટેસ સસ્પેન્ડ

નવી દિલ્હી: મશહૂર બોલિવૂડ સિંગરની સાથે વિમાનની સફર કરવાનો એક અલગ આનંદ અને લહાવો હોય છે અને તે પણ તેમનાં ગીતો સાંભળતાં સાંભળતાં. જોકે ફ્લાઈટમાં સિંગર સોનુ નિગમ પાસે ગીતો ગવડાવીને તેની સાથે ડાન્સ કરવાનું જેટ અેરવેઝની પાંચ એરહોસ્ટેસને ભારે પડી ગયું.

જેટ એરવેઝની પાંચ એરહોસ્ટેસે સોનુ નિગમને ગીતો ગાવા માટે પ્લેનની એનાઉન્સમેન્ટ સિસ્ટમ આપી દીધી હતી. વિમાનના પ્રવાસીઓએ પણ સોનુને ગીતો ગાવા કહ્યું હતું. આ ગીતોનો વીડિયો વાઈરલ થયા બાદ જેટ એરવેઝે તમામ અેરહોસ્ટેસોને સસ્પેન્ડ કરી દીધી છે. વાસ્તવમાં ઘટના એવી છે કે સોનુ નિગમ જેટ એરવેઝની ફ્લાઈટ દ્વારા જોધપુરથી મુંબઈ જઈ રહ્યા હતા ત્યારે વિમાનના પ્રવાસીઓએ સોનુ નિગમને ગીતો ગાવાની ફરમાઈશ કરી. વિમાન એરહોસ્ટેસોએ ફ્લાઈટની એનાઉન્સમેન્ટ સિસ્ટમ દ્વારા ગીતો ગાવાની મંજૂરી આપી અને લોકોને તેમજ એરહોસ્ટેસને મજા પડી ગઈ.

સોનુ નિગમે ફિલ્મ ‘વીરઝારા’નું ‘દો પલ રુકા ખ્વાબોં કા કારવાં…’ અને ફિલ્મ ‘રેફ્યૂજી’નું ‘નદિયાં પવન કે ઝોકે… ‘ જેવાં ગીતો સંભળાવ્યાં. વિમાન પ્રવાસીઓએ પણ તેમની સાથે ગીતો ગાવાનું શરૂ કરી દીધું. સોનુ નિગમે પણ લોકોને પાનો ચડાવ્યો અને કહ્યું, ‘અરે! વાહ, આપ ભી ગાતે હૈ. માય ગોડ, સારે સિંગર હૈ’ ત્યાર બાદ ફ્લાઈટના પ્રવાસીઓએ વીડિયો ઉતાર્યો અને તેને સોશિયલ મીડિયા પર વાઈરલ કરી દીધો.

You might also like