જેટ એરવેઝને રાહતઃ પાઈલટની હડતાળ મોકૂફઃ આજે મહત્ત્વની બેઠક

ગંભીર આર્થિક સંકટને લઇને હવે લગભગ બંધ થવાના આરે પહોંચેલી જેટ એરવેજ માટે આજનો દિવસે અત્યંત મહત્ત્વપૂર્ણ અને નિર્ણાયક સાબિત થનાર છે. જેટ એરવેઝ માટે રાહતની વાત એ છે કે તેના કર્મચારી સંગઠન નેશનલ એવિએટર્સ ગિલ્ડ (નાગ)ના ૧૧૦૦ સભ્ય પાઇલટ્સે આજે સોમવારથી હડતાળ પર જવાનો નિર્ણય મોકૂફ રાખ્યો છે. પાઇલટના સંગઠને મોડી રાતે જણાવ્યું હતું કે પગાર નહીં તો કામ નહીંના નિર્ણયને થોડા સમય માટે પાછો ઠેલવામાં આવ્યો છે.

તેનું કારણ એ છે કે કંપનીના અધિકારીઓની આજે કરજદાર બેન્કો સાથે બેઠક થનાર છે. સૂત્રોનું કહેવું છે કે આ બેઠકમાં કંપનીને બેન્ક તરફથી રૂ.૧૦૦૦ કરોડની તાત્કાલિક મદદ ઉપલબ્ધ કરાવવામાં આવશે, જોકે કંપનીએ લંડન, એમસ્ટર્ડમ, પેરિસ સહિત અન્ય કેટલીક આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ રદ રાખવાની સમયમર્યાદા મંગળવાર સુધી લંબાવી દીધી છે. દરમિયાન જેટ એરવેઝની ઇન્ડિપેન્ડેન્ટ ડિરેક્ટર રાજશ્રી પાથીએ મુશ્કેલીઓ અને અન્ય જવાબદારીને ટાંકીને બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાંથી રાજીનામું આપી દીધું છે. તેમનું રાજીનામું ૧૩ એપ્રિલથી અમલી બન્યું છે. કેટલાક પાઇલટ અને એન્જિનિયરોએ પણ જેટ એરવેઝને અલવિદા કહીને બીજી એરલાઇન્સ તરફ જવાની હિલચાલ શરૂ કરી દીધી છે.

અહેવાલો અનુસાર જેટ એરવેઝના કેટલાક પાઇલટ અને એન્જિનિયરો સ્પાઇસ જેટ જોઇન્ટ કરી રહ્યા છે. ૩૦થી ૫૦ ટકા ઓછો પગાર લઇને પણ તેઓ સ્પાઇસ જેટમાં જોડાઇ રહ્યા છે. આજે એરલાઇન મેનેજમેન્ટ અને એસબીઆઇના વડપણ હેઠળ બેન્કોના કન્સોર્ટિયમ વચ્ચે એક મહત્ત્વની બેઠક યોજાનાર છે તેને ધ્યાનમાં લઇને પાઇલટ એસોસિયેશનના સભ્યોએ પોતાના ટીમ લીડર્સ દ્વારા હડતાળ પર જવાનો નિર્ણય મોકૂફ રાખીને જેટ એરવેઝને એક તક આપી છે.

You might also like