જેટ એરવેઝની ‘હવાલા ક્વીન’ વિદેશી કરન્સી સાથે ઝડપાઈ

નવી દિલ્હી: સોમવારે રાત્રે પાટનગર નવી દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર જેટ એરવેઝની એક એરહોસ્ટેસ પાસેથી રૂ. ૩.૨૧ કરોડની કિંમત (૮૦,૦૦૦ ડોલર)ની ફોરેન કરન્સી સાથે ઝડપી લેવામાં આવી હતી. આ એર હોસ્ટેસ પર હવાલા દ્વારા વિદેશી કરન્સી બહાર મોકલવાનો આરોપ છે. અહેવાલો અનુસાર જેટ એરવેઝની આ એરહોસ્ટેસ ‘હવાલા ક્વીન’ તરીકે ઓળખાતી હતી અને હવાલા દ્વારા જેટલાં નાણાં બહાર મોકલવામાં આવતાં હતાં તેના ૬૦ ટકા પોતાની પાસે રાખી લેતી હતી.

આરોપી એરહોસ્ટેસ અને હવાલા દ્વારા ફોરેન કરન્સી મોકલનારની ધરપકડ કરી લેવામાં આવનાર છે. તપાસ એજન્સીઓ દ્વારા આ બંનેની પૂછપરછ કરવામાં આવી રહી છે. મીડિયા રિપોર્ટ અનુસાર આ મામલાની તપાસમાં એન્ફોર્સમેન્ટ ‌િડરેક્ટોરેટ (ઈડી)ને પણ સામેલ કરવામાં આવી છે. આરોપી એર હોસ્ટેસે કબૂલી લીધું છે કે તે ૬૦ ટકા કમિશન લઈ વિદેશી કરન્સી વિદેશોમાં લઈ જતી હતી.

હેર હોસ્ટેસ લંચ પેકેટમાં અમેરિકન ડોલર્સ રાખીને લઈ જતી હતી ત્યારે ઝડપાઈ ગઈ હતી. નોટોના બંડલને એલ્યુમિનિયમ ફોઈલમાં લપેટીને બેગમાં એવી રીતે છુપાવી દેતી હતી કે જાણે કોઈ ખાદ્ય ચીજવસ્તુઓ હોય એવું લાગે. આ ફોરેન કરન્સી દિલ્હીથી હોંગકોંગ જતી ફ્લાઈટમાં લંચ પેકેટમાં એલ્યુમિનિયમ ફોઈલમાં લપેટીને રાખવામાં આવી હતી. આરોપી એરહોસ્ટેસની ધરપકડ બાદ એરલાઈન્સે જણાવ્યું હતું કે તેની સામે જરૂરી કાર્યવાહી કરશે. હજુ આરોપીના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.

તપાસ એજન્સીઓએ આરોપી એરહોસ્ટેસ અને અન્ય એક એજન્ટની ધરપકડ કરીને તેની પૂછપરછ કરી રહી છે. ખાસ કરીને તપાસ એજન્સીઓ એ જાણવાની કોશિશ કરી રહી છે કે અત્યાર સુધી આ આરોપી એરહોસ્ટેસે કેટલી વખત આ રીતે વિદેશી કરન્સી અન્ય દેશોમાં પહોંચાડી છે અને આ સમગ્ર હવાલા રેકેટના મુખ્ય સૂત્રધાર કોણ-કોણ છે? પોલીસને દહેશત છે કે ફોરેન કરન્સી વિદેશમાં હવાલા મારફતે મોકલવાનું કોઈ મોટું રેકેટ ચાલી રહ્યું છે.

You might also like