જેટ એરવેઝ સંકટઃ એમ્સટર્ડમ એરપોર્ટ પર કાર્ગો એજન્ટ દ્વારા વિમાન જપ્ત

આર્થિક સંકટમાં ફસાયેલી ખાનગી એરલાઇન જેટ એરવેઝની મુશ્કેલીઓ વધતી જ જાય છે. યુરોપની એક કાર્ગો સર્વિસ પ્રોવાઇડરે બાકી નીકળતી રકમનું પેમેન્ટ નહીં થવાના કારણે જેટ એરવેઝના બોઇંગ વિમાનને એમ્સટર્ડમ એરપોર્ટ પર જપ્ત કરી લીધું છે.

એરલાઇનનાં સૂત્રોના જણાવ્યા પ્રમાણે મુંબઇથી એમ્સટર્ડમ માટે ફ્લાઇટ નંબર ૯ ડબ્લ્યુ ૩૨૧ ઓપરેટ થવાની હતી ત્યારે કાર્ગો એજન્ટે એરલાઇન તરફથી બાકી નીકળતી રકમ નહીં ચૂકવવાના કારણે જેટ એરવેઝનું બોઇંગ ૭૭૭-૩૦૦ ઇઆર (વીટી-જેઈડબ્લ્યુ) પોતાના કબજામાં લઇ લીધું છે.

આ ઉપરાંત એક અઠવાડિયામાં ત્રીજી વખત ઇન્ડિયન ઓઇલે કેશ કટોકટીનો સામનો કરી રહેલા જેટ એરવેઝને ઇંધણનો પુરવઠો અટકાવી દીધો છે. અહેવાલો અનુસાર જેટ એરવેઝ દ્વારા ઇંધણ પેટે બાકી નીકળતી રકમ ચૂકવવામાં નહીં આવતાં આઇઓસીએલએ મુંબઇ, દિલ્હી અને હૈદરાબાદ એરપોર્ટ પર જેટ એરવેઝને ઇેંધણ આપવાનું બંધ કર્યું છે.

ડાયરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિયેશને પણ જેટ એરવેઝના સાત બોઇંગ ૭૩૭-૮૦૦ વિમાનનું રજિસ્ટ્રેશન રદ કરવાની જાહેરાત કરી દીધી છે. તેના કારણે આ વિમાનોને લીઝ પર આપનાર કંપની તેને દેશ બહાર લઇ જઇ શકશે નહીં કે અન્ય કોઇ એરલાઇન્સને લીઝ પર આવી શકશે નહીં.

નાણાકીય કટોકટીનો સામનો કરી રહેલ જેટ એરવેઝમાં સ્ટેક ખરીદવા માટે કરજદાર કંપનીઓ માટે બે બિડ મળી છે. એક બિડ એરલાઇન કંપની દ્વારા કરવામાં આવી છે, જોકે જેટ એરવેઝ માટે બિડ આપવાની તારીખ ૧૨ એપ્રિલ સુધી લંબાવાઇ છે. બિડર્સમાં એક એતિહાદ એરવેઝ પણ છે.

You might also like