જન્મથી હાથ નથી તોય જેસિકાએ બ્લેક બેલ્ટ મેળવ્યો

ન્યૂયોર્કઃ હાથ વિના જ જન્મેલી જેસિકા કોક્સ એ લોકો માટે એક ઉદાહરણ છે, જે જીવનની નાની-નાની મુશ્કેલીઓ સામે ઘૂંટણ ટેકવી દે છે. આ છોકરી હવે ૩૨ વર્ષની થઈ ગઈ છે અને અમેરિકન તાઇક્વાન્ડો એસોસિયેશનમાંથી બ્લેક બેલ્ટ હાંસલ કરનારી દુનિયાની પહેલી હાથ વિનાની મહિલા બની ગઈ છે.

જેસિકાએ ઘણી ઉપલબ્ધિઓ હાંસલ કરી છે, જેને હાંસલ કરવી બંને હાથવાળાઓ માટે પણ મુશ્કેલ છે. તે પાઇલટ લાઇસન્સ હાંસલ કરનારી હાથ વિનાની પહેલી મહિલા બની હતી. વર્ષ ૨૦૦૮માં પગથી પ્લેન ઉડાવનારી પહેલી મહિલા બનવા બદલ ગિનિસ બુક ઓફ રેકોર્ડ્સમાં પણ તે નામ નોંધાવી ચૂકી છે. જેસિકા સામાન્ય કાર પણ ચલાવે છે, કીબોર્ડ પર પગથી ટાઇપિંગ કરી લે છે અને પિયાનો પણ પગથી વગાડી લે છે.

જેસિકાએ ૩૦ વર્ષીય પેટ્રિક ચેમ્બરલિયન સાથે ૨૦૧૨માં લગ્ન કર્યાં છે, જે તાઇક્વોન્ડો કોચ છે. તાઇક્વાન્ડોની ટ્રેનિંગ દરમિયાન બંનેની મુલાકાત થઈ હતી. હવે બંને સાથે કામ કરે છે અને વિશ્વભ્રમણે નીકળ્યાં છે. આ દરમિયાન જેસિકા પોતાના જેવા લોકોને પ્રોત્સાહિત કરે છે, તેઓમાં વિશ્વાસ જગાડે છે કે તેઓ કંઈ પણ કરી શકે છે.

જેસિકાએ કહ્યું, ”શરૂઆતમાં કપડાં પહેરવામાં મને કેટલીક મુશ્કેલીઓ પડી હતી, પરંતુ મેં તેનો પણ હલ કાઢી લીધો. હું મારાં કપડાં હૂકમાં લગાવતી હતી અને એ કપડાંમાં ઘૂસી જતી હતી. ઘણી વાર હૂકથી મારાં કપડાંમાં કાણું પણ પડી જતું હતું, પરંતુ તેનો ઉપાય પણ શોધી કાઢ્યો અને સેક્શનવાળા હૂકનો ઉપયોગ કરવાનું શરૂ કરી દીધું. આવો હૂક મારી સાથે છેલ્લાં ૧૮ વર્ષથી છે.”

અંતમાં જેસિકાએ કહ્યું, ”સામાન્ય લોકો સમજતા હતા કે રોજિંદાં કામ હું કરી શકતી નથી, પરંતુ મેં તેઓને ખોટા સાબિત કર્યા છે. ત્રણ વર્ષની ઉંમરે હું જિમ્નાસ્ટિક કરતી હતી, છ વર્ષની ઉંમરે મેં ડાન્સ શીખ્યો, પાંચ વર્ષની ઉંમરમાં મેં સ્વિમિંગ કરવાનું શરૂ કર્યું, ૧૦ વર્ષની ઉંમરથી હું તાઇક્વાન્ડો રમી રહી છું. મેં એ બધું જ કર્યું છે, જે તમે વિચારી શકો છો.”

You might also like