જેરુસાલેમમાં USની એમ્બેસીનું ઉદ્ઘાટનઃ ઈવાન્કા- કુશનર ઈઝરાયેલમાં

વોશિંગ્ટન: આજે ઈઝરાયેલના વિવાદાસ્પદ શહેર જેરુસાલેમમાં અમેરિકન દૂતાવાસનો આરંભ થઈ રહ્યો છે. ત્યારે તેના ઉદ્ઘાટન સમારોહમાં ભાગ લેવા માટે અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પની પુત્રી ઈવાન્કા અને તેમના જમાઈ જેરેડ કુશનર ઈઝરાયેલ પહોંચી ગયાં છે.

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાના દૂતાવાસને તેલ અવીવથી જેરુસાલેમ ખસેડવાનો એક મોટો અને વિવાદાસ્પદ નિર્ણય લીધો છે. જેના અનેક પ્રત્યાઘાતો બહાર આવી રહયા છે.

અમેરિકાના આ નિર્ણયનો મધ્ય અને પૂર્વના મુસ્લિમ દેશો સહિત વિશ્વભરના અનેક દેશોએ આકરી ટીકા કરી છે. ઈઝરાયેલ જેરુસાલેમને તેની અવિભાજિત રાજધાની માની રહ્યું છે.

જ્યારે પેલેસ્ટાઈનીઓ ૧૯૬૭ના યુદ્ધમાં ઈઝરાયેલના કબજામાં આ‍વી ગયેલી જેરુસાલેમને તેમની રાજધાની માને છે. તેના કારણે આ વિવાદ ઊભો થયો હતો. ઈઝરાયેલના વડા પ્રધાન નેતન્યાહુએ પણ અન્ય દેશોને તેમના દૂતાવાસને તેલ અવીવથી જેરુસાલેમ ખસેડવા અપીલ કરી છે.

દરમિયાન અલ કાયદાના આતંકવાદી અયમાન અલ જવાહીરીએ મુસ્લિમોને અમેરિકા વિરુદ્ધ હથિયાર ઉઠાવવાનું કહ્યું છે. ઓસામા બિન લાદેનનાં મોત બાદ જવાહીરી અલ કાયદાનો સૌથી મોટો નેતા છે.

You might also like