જેરામભાઇની ચિત્રકલાની જોટે ભારતનો કોઇ કલાકાર આવી શકે તેમ નથી : જ્યોતિ ભટ્ટ

વડોદરા : શહેરના જાણીતા શિલ્પકાર નાગજી પટેલે જણાવ્યું હતું કે, જેરામભાઇએ લાકડાં, પેપર અને કેન્વાસ પર પોતાની મોર્ડન આર્ટ રજૂ કરી હતી. તેઓ સૌથી જુદી જાતના કલાકા હતા. દેશના ઘણાં ચિત્રકારો તેમનાથી ઇન્સપાયર્ડ હતા. તેઓએ જે પ્રકારે કળામાં પ્રયોગો કર્યા હતા તે જોતા તેમના જેવા ચિત્રકાર હવે મળવા મુશ્કેલ છે. ફાઇન આર્ટસ ફેકલ્ટીના પૂર્વ ડીન રતન પારીમુએ જણાવ્યું હતું કે, જેરામભાઇ બહુ સારા ક્રિએટીવ ચિત્રકાર હતા.

તેઓએ લંડનમાં અપ્લાઇડ આર્ટનો અભ્યાસ કર્યો હતો. વર્ષ ૧૯૫૯થી મે ફાઇન આર્ટ ફેકલ્ટીમાં તેમની સાથે કામ કર્યું હતું. તેઓ સારા ચિત્રકારની સાથે સાથે સારા વ્યક્તિ પણ હતા. તેમના નિધનથી કલાજગતને મોટી ખોટ પડી છે. શહેરના જાણીતા પેઇન્ટર નિલીમા શેખે જણાવ્યું હતું કે, મેં તેમની સાથે કામ પણ કર્યું છે અને હું તેમની વિદ્યાર્થીની પણ રહી છું. તેઓ પોતાની જિંદગી હંમેશા પોતાની ઇચ્છા પ્રમાણે જ જીવ્યા છે. તેઓ નાનકડી વાત પણ ઘણું બધું કહી જતા હતા.

તેઓ ઓછા બોલા હોવાથી તેમની પાસેથી અમારે જાતે શિખવું પડતું. હું તેમને ઘણાં સમયથી મળી શકી ન હતી. જેનું મને ખૂબ જ દુઃખ છે. આર્ટિસ્ટ જ્યોતિભાઇ ભટ્ટે જણાવ્યું હતું કે, ૧૯૯૬થી જેરામ પટેલના સંપર્કમાં હતો. લલિતકલા અકાદમી દ્વારા અમને બંનેએ એકસાથે પુરસ્કાર આપવામાં આવ્યા હતા. વડોદરાને તેઓએ કર્મભૂમિ બનાવી હતી. તેમની ચિત્રકલાની જોટે આજે ભારતનો કોઇપણ કલાકાર આવી શકે તેમ નથી. તેમનું ધ્યેય નક્કી હતું જેના તરફ તેઓ હંમેશા વધતા રહ્યા.

તેમના ચિત્રોમાં તે હંમેશા નવીનતા લાવવાનો પ્રયાસ કરતાં. આર્ટિસ્ટ કમલ રાણાએ જણાવ્યું હતું કે, તેમના ચિત્રો આજે કદાચ લોકો સમજી નથી શક્યા પરંતુ આવનારા દિવસોમાં તેની ઓળખ લોકોને થવાની છે. દીવો લઇને શોધવા જશો તો પણ ટ્ આવા આર્ટીસ્ટ નહીં મળે. તેઓ મારા શિક્ષક હતા. તેઓ બહારથી જેટલા કડક હતા તેટલા જ અંદરથી માયાળુ અને નરમ હતા.

You might also like