હેપી બર્થ ડે જેનિફર કેપ્રિયાતીઃ ડ્રગ્સનાં વ્યસને ત્રણ ગ્રાન્ડ સ્લેમ વિજેતાનું જીવન બગાડ્યું

ન્યૂયોર્કઃ માત્ર ૧૩ વર્ષની ઉંમરે ટેનિસ જગતમાં છવાઈ ગયેલી ભૂતપૂર્વ અમેરિકન ટેનિસ સ્ટાર જેનિફર કેપ્રિયાતી આજે ૪૦ વર્ષની થઈ રહી છે. ૨૩ વર્ષ પહેલાં કેપ્રિયાતી સ્પોર્ટ્સ ઇલસ્ટ્રેટેડ મેગેઝિનના કવર પર હતી, જેનું શીર્ષક હતું. “અને આ માત્ર ૧૩ વર્ષની છે’, પરંતુ ડ્રગ્સ અને ખરાબ જીવનશૈલીને કારણે આજે આ ખેલાડી ગુમનામીમાં છે.

કેપ્રિયાતી હાલમાં ટેનિસની રમતથી સંપૂર્ણપણે દૂર થઈ ગઈ છે, જેના કારણે તેને તમામ સુખસાહ્યબી હાંસલ થઈ હતી. તે મિયામીથી ૬૦ માઇલ દૂર ઉત્તરમાં સિંગર આઇલેન્ડમાં રહે છે, જ્યાં તેના નામે ત્રણ માઇલ જમીન છે અને ઘર પામ બીચ સાથે જોડાયેલું છે. કેપ્રિયાતી એક ફાઇવ સ્ટાર હોટલની બાજુમાં એપાર્ટમેન્ટમાં રહે છે, જ્યાંથી તે પોતાના પ્રાઇવેટ બીચ અને સમુદ્રનો આનંદ ઉઠાવી શકે છે. સામાન્ય રીતે લોકો અહીં ગરમીમાં નથી રહેતા, પરંતુ એક સ્થાનિક રહેવાસીના જણાવ્યા અનુસાર કેપ્રિયાતી અહીં આખું વર્ષ રહે છે. તેનો ઘરેલુ સામાન વિનસ વિલિયમ્સના સ્ટોરમાંથી આવે છે. વિનસ પણ અહીંની જ રહેવાસી છે.

આત્મહત્યાનો પ્રયાસઃ ૧૯૯૪માં કેપ્રિયાતીએ આત્મહત્યાનો પ્રયાસ પણ કર્યો હતો. ત્યારે દર્દ નિવારક દવાની આખી બોટલ ખાઈ લીધી હતી. ત્યારે તેના બોયફ્રેન્ડ સાથે વિવાદ થયો હતો.

ડ્રગ્સના મામલે ધરપકડઃ મારિજુઆના રાખવા અને સેવન કરવાના આરોપમાં ૧૬ મે, ૧૯૯૪ના રોજ કેપ્રિયાતીની ધરપકડ કરવામાં આવી હતી.
વીંટી ચોરતાં પકડાઈઃ ૧૯૯૩માં વીંટી ચોરવાનો આરોપ લાગ્યો હતો. જોકે તેણે કહ્યું હતું કે આ બધું ભૂલથી થયું હતું.

બોયફ્રેન્ડનો ધમકાવ્યોઃ ૨૦૧૩માં કેપ્રિયાતી પર ભૂતપૂર્વ બોયફ્રેન્ડ ઇવાન બ્રેનને પીછો કરવાનો, ધમકાવવાનો, મારપીટ કરવાનો આરોપ લગાવ્યો હતો. બાદમાં એ આરોપ નકારી કાઢવામાં આવ્યા હતા.

ત્રણ વર્ષ પહેલાં કેપ્રિયાતી જાહેરમાં દેખાઈ હતી
કેપ્રિયાતી રમત સાથે જોડાયેલી કોઈ પણ વ્યક્તિના સંપર્કમાં નથી. ત્રણ વર્ષ પહેલાં વિમ્બલ્ડનના વિશ્વના ભૂતપૂર્વ નંબર વન ખેલાડીઓના મિલન સમારંભમાં અને એ જ વર્ષના યુએસ ઓપનમાં નજરે પડી હતી. નજીકના એક સૂત્રના જણાવ્યા અનુસાર કેપ્રિયાતીએ ગત વર્ષે ટેનિસમાં વાપસી કરવાનું નક્કી કર્યું હતું અને આ માટે તે ક્રિસ એવર્ટની એકેડેમીમાં પણ ગઈ હતી, પરંતુ ખભાની ઈજાને કારણે એ યોજના પડતી મૂકી હતી.

You might also like