પાક. સરકારમાં હિંમત હોય તો ભારત વિરુદ્ધ જેહાદ છેડેઃ મસૂદ

ઈસ્લામાબાદ: આતંકવાદી સંગઠન જૈશ એ મહંમદના વડા મસૂદ અઝહરે પાકિસ્તાન સરકારને પડકાર ફેંકતાં જણાવ્યું છે કે પાકિસ્તાન સરકારે ભારત સામે જેહાદનો માર્ગ અપનાવવો જોઈએ. અને આવો માર્ગ અપનાવવાથી જે વિજય મળશે તેનાથી 1971નો ગમ ભુલાઈ જશે. તેણે જણાવ્યું છે કે 1990થી ચાલતી જેહાદી નીતિથી પાકિસ્તાનને રણનૈતિક ફાયદો થયો છે.

આતંકવાદી સંગઠન જૈશ એ મહંમદના વડા મસૂદ અઝહરે જેહાદી જૂથોને કાશ્મીરમાં તેની સક્રિયતા વધારવા અપીલ કરી છે. જૈશ એ મહંમદની સાપ્તાહિક પત્રિકા અલ-કલામમાં પ્રકાશિત અઝહરની અપીલમાં જણાવાયું છે કે નિર્ણાયક ફેંસલો લેવામાં કરવામાં આવેલા વિલંબથી પાકિસ્તાન કાશ્મીરમાં ઐતિહાસિક તક ગુમાવી શકે છે. અઝહરની આવી અપીલ એવા સમયે બહાર આવી છે કે જ્યારે ઉરી હુમલા અને ભારતની સર્જિકલ સ્ટ્રાઈક બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધમાં ખટરાગ આવી ગયો છે. અને ભારત સતત પાકિસ્તાન સ્થિત ભારત વિરોધી જેહાદી જૂથો સામે કાર્યવાહી કરવાના મુદે પાકિસ્તાની સરકાર અને પાકિસ્તાની સેના વચ્ચે મતભેદ થતા હોવાનું બહાર આવી રહ્યું છે. ભારતના પઠાણકોટમાં થયેલા આતંકી હુમલા બદલ જૈશ એ મહંમદને જ જવાબદાર ગણવામાં આવ્યું હતું.

પત્રિકાના પહેલા પેજ પર અઝહરે લખ્યું છે કે જો પાકિસ્તાન સરકાર થોડી હિંમત દાખવો તો કાશ્મીરની મુશ્કેલી અને પાણીની સમસ્યા એક જ વારમાં કાયમ માટે હલ થઈ જશે. કંઈ નહિ તો પાકિસ્તાની સરકારે મુજાહિદીનો માટે રસ્તો સાફ કરી દેવો જોઈએ. અને પછી તો અલ્લાની મરજી હશે તો 1971ની તમામ કડવી યાદો 2016ના વિજયની ખુશીમાં ભુલાઈ જશે. મસૂદે પાકિસ્તાની સરકારને સીધી રીતે સંબોધી જણાવ્યું હતું કે 1990થી ચાલતી જેહાદી નીતિથી પાકિસ્તાનને રણનૈતિક લાભ થયો છે. અઝહરે વધુમાં જણાવ્યું છે કે ભારત અખંડ ભારત બનવા માગે છે પરંતુ જેહાદીઓના કારણે ભારતની આવી ઈચ્છા પૂરી થઈ નથી શકી.કારણ કે જેહાદીઓ તેની આવી યોજના માટે અવરોધક બની રહ્યા છે.

અઝહરે આગળ લખ્યુ છે કે ભારત પાકિસ્તાન પર દબાણ વધારી રહ્યું છે. કાશ્મીરની હાલત જોતાં આ કામ પાકિસ્તાને કરવાનું હતું. કારણ કાશ્મીર અમારા માટે જીવન-મરણનો સવાલ છે. અઝહરે તેના લેખમાં જૈશ એ મહંમદના ફેલાવા અંગે લખ્યું છે કે જયારે અમે જેહાદ શરૂ કરી હતી ત્યારે કાશ્મીરમાં અમારી કોઈ શાખા ન હતી. કે સિરિયા અને ઈરાકમાં કોઈ આશાનું કિરણ ન હતું. માત્ર અફઘાનિસ્તાન અને પેલેસ્ટાઈનમાં બે મોર્ચા હતા. તેમાંથી એક જ સક્રિય હતો. તેણે વધુમાં જણાવ્યુ કે અમે જેહાદને એક અંગારામાથી સૂરજ બનતાે જોયો છે.

You might also like