ન્યૂઝીલેન્ડની ક્રિકેટ ટીમમાં એક ગુજરાતી ખેલાડીનો સમાવેશ

નવી દિલ્હી : ન્યૂઝીલેન્ડની ક્રિકેટ ટીમમાં પસંગદી સમિતિએ આવતા મહિને આફ્રિકાના પ્રવાસે જનારી ટીમમાં જીત રાવલનો સમાવેશ કર્યો છે. 27 વર્ષના જીત રાવલનો જન્મ ગુજરાતમાં થયો છે. જીત 2004માં ન્યૂઝીલેન્ડ રહેવા જતો રહ્યો હતો. આફ્રિકાના પ્રવાસ દરમિયાન ન્યૂઝીલેન્ડની ટીમ હરારેમાં બે ટેસ્ટ મેચ રમશે. ત્યારબાદ દક્ષિણ આફ્રિકા સામે બે વન ડે મેચ રમશે. ડાબોડી જીત રાવલે પ્રથમ કક્ષાની મેચમાં 43.85ની સરેરાશથી રન બનાવ્યા છે.

જ્યારે ગત વર્ષે તેણે 55.71ની સરેરાશથી રન બનાવ્યા હતા. જેમાં ત્રણ સદીનો સમાવેશ થાય છે. તેની શાનદાર ઇનિંગ્સના કારણે ઓકલેન્ડે પ્લંકેટ શીલ્ડ ટાઇટલ જીત્યું હતું. જીત તેની ટીમમાં રાહુલ દ્રવિડના હુલામણા નામેથી જાણીતો છે. તેને આ નામ તેની ટેકનિકના કારણે આપવામાં આવ્યું છે. જ્યારે જીત પોતે સૌરવ ગાંગૂલીને પોતાનો આદર્શ માને છે.

જીત રાવલે ક્રિકેટની શરૂઆત ગુજરાતમાંથી જ કરી હતી. જીત ગુજરાતની અંડર-15 તેમજ અંડર-17 ટીમમાં રમી ચૂકેલો છે. જીતે જણાવ્યું હતું કે તે રહાણે, જાડેજા, ઇશાંત તેમજ પીયૂષ ચાવલા સાથે ક્રિકેટ રમી ચૂક્યો છે. તે આજે પણ ગુજરાતના ખેલાડીઓ મનપ્રીત જુનેજા અને ઇશ્વર ચૌધરી સાથે ફોન પર વાત કરે છે. જીત પાર્થિવ પટેલને પોતાનો સારો મિત્ર ગણે છે.

જીત રાવળ જ્યારે 16 વર્ષનો હતો ત્યારે ન્યૂઝીલેન્ડ ગયો હતો. ન્યૂઝીલેન્ડમાં શરૂઆતમાં તેણે પેટ્રોલ પંપ પર કામ કર્યું હતું. ગત વર્ષથી જ ન્યૂઝીલેન્ડની નેશનલ ટીમમાં તેનો સમાવેશ કરવામાં આવશે તેવી ચર્ચાએ જોર પકડ્યું હતું. ન્યૂઝીલેન્ડ કોચ હેસને કહ્યું કે જીત પ્લંકેટ શીલ્ડમાં ગત વર્ષોથી સારું પ્રદર્શન કરી રહ્યો છે.

You might also like